અમદાવાદથી જાલોર જતા પરિવારને આબુરોડ નજીક નડ્યો અકસ્માત, 6 લોકોનાં મોત
રાજસ્થાનના સિરોહી જિલ્લાના આબુરોડ વિસ્તારમાં કિવરલી પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ

રાજસ્થાનના સિરોહી જિલ્લાના આબુરોડ વિસ્તારમાં કિવરલી પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. મૃતકોમાં બાળકો પણ સામેલ છે. આ દુર્ઘટનામાં એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઇ છે જેને સિરોહી સારવાર માટે ખસેડવામાં આવી છે.
બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સીઓ ગોમારામે જણાવ્યું કે જાલોરના રહેવાસી લોકો કારમાં સવાર થઇને અમદાવાદથી જાલોર જતા હતા ત્યારે નેશનલ હાઇવે 27 પર આબુરોડના કિવરલી પાસે ટ્રક સાથે કાર અથડાઇ હતી.
2 લોકોએ હોસ્પિટલમાં દમ તોડ્યો
માઉન્ટ આબુના સીઓ ગોમારામ અનુસાર આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે કારમાં સવાર 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે 2 લોકોના હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતું. ઘટનામાં એક મહિલા ઘાયલ થઇ હતી જેને 108 એમ્બ્યુલન્સની મદદથી આબુરોડની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.ઘાયલ મહિલાને ત્યારબાદ વધુ સારવાર માટે સિરોહી રેફર કરવામાં આવી હતી. ઘટનાની જાણ પરિવારજનોને કરવામાં આવી હતી.
ક્રેનની મદદથી ટેન્કરમાં ફસાયેલી કારને બહાર કઢાઇ
હેડ કોન્સ્ટેબલ વિનોદ લાંબાએ જણાવ્યું કે તે રાત્રે પેટ્રોલિંગ પર હતા આ દરમિયાન કિવરલીની આગળ અકસ્માત થયો હતો. તે માત્ર 2 મિનિટમાં જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને અકસ્માતની જાણ ઉચ્ચ અધિકારીઓને કરી હતી. પોલીસે તે બાદ ક્રેનને બોલાવી હતી અને ટ્રકમાં ફસાયેલી કારને બહાર કાઢી હતી. મૃતકોને બહાર કાઢવા માટે કારના દરવાજા તોડવામાં આવ્યા હતા અને 40 મિનિટની મહેનત બાદ તેમના શબને બહાર કાઢવામાં આવ્યા હતા.
તમામ મૃતક જાલોરના રહેવાસી
સિરોહી જિલ્લાના આબુરોડ અકસ્માતમાં જે છ લોકોના મોત થયા છે જેમાં પતિ-પત્ની અને પુત્ર પણ સામેલ છે. કિવરલીમાં અકસ્માતના તમામ મૃતક જાલોરના જ રહેવાસી છે. મળતી માહિતી અનુસાર કારમાં કૂલ 7 લોકો સવાર હતા જેમાં 6 લોકોનાં મોત થયા છે જ્યારે એક મહિલાની હાલત ગંભીર છે.







