અનંતનાગમાં આતંકીઓ અને સેના વચ્ચે એન્કાઉન્ટર, બે જવાન શહીદ
જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં શનિવારે આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ અથડામણમાં

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં શનિવારે આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ અથડામણમાં બે જવાનો શહીદ થયા છે. જ્યારે ત્રણ જવાન ઘાયલ થયા છે. જોકે, હાલ ઓપરેશન ચાલુ છે.
અનંતનાગમાં થયેલા એન્કાઉન્ટરને લઈને સેનાએ નિવેદન જાહેર કર્યું છે. સેનાએ કહ્યું કે, ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે ભારતીય સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને CRPF દ્વારા શનિવારે અનંતનાગમાં સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકીઓ સાથે અથડામણ થઈ હતી, જેમાં બે જવાનો શહીદ થયા છે.
અનંતનાગ જિલ્લાના અહલાન ગાગરમંડુ વિસ્તારમાં શનિવારે અચાનક એન્કાઉન્ટર શરૂ થયું હતું. આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો હતો. જેના પર સેનાના જવાનોએ વળતો ગોળીબાર કર્યો હતો.
સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે
ભારતીય સેના અને સ્થાનિક પોલીસે દક્ષિણ કાશ્મીરના અહલાન ગડોલ વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકવાદીઓની શોધમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આતંકીઓ સાથેની અથડામણમાં જવાનને ગોળી વાગતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જૈશના આતંકવાદીઓ ડોડાથી દક્ષિણ કાશ્મીરમાં પ્રવેશ્યા હતા
સુરક્ષાદળો અને જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ વચ્ચે અથડામણ થઈ છે. આતંકવાદીઓ ડોડાથી દક્ષિણ કાશ્મીરમાં પ્રવેશ્યા હતા. કાશ્મીર ઝોન પોલીસે ફેસબુક પર પોસ્ટ કરીને આતંકીઓ સાથેના એન્કાઉન્ટરની માહિતી આપી છે.








