‘મારી ઓફિસમાં બે ગધેડા છે’, T N શેષનના નિવેદનથી લઈ આજ સુધી..; ચૂંટણી પંચમાં મતભેદનો લાંબો છે ઈતિહાસ

ભારતના ચૂંટણી પંચ (Election Commission of India)માં આંતરિક મતભેદોનો ઈતિહાસ નવો નથી. ચૂંટણી પંચ 1989માં પહેલીવાર બહુસદસ્યીય (Multi-Member) સંસ્થા બન્યું ત્યારથી જ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) અને ચૂંટણી કમિશનરો વચ્ચે સત્તા, નિર્ણય પ્રક્રિયા અને કામગીરીને લઈને મતભેદના અનેક કિસ્સા સામે આવ્યા છે. હાલ 2026માં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના કાર્યકાળ દરમિયાન પણ બે ચૂંટણી કમિશનરો દ્વારા નોંધાવવામાં આવેલા વાંધાઓને કારણે ફરી ચર્ચા તેજ બની છે.
1989માં પહેલીવાર બહુસદસ્યીય ચૂંટણી પંચ બન્યું
ઓક્ટોબર 1989માં એસ.એસ. ધનોઆ અને વી.એસ. સેગલની ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક થઈ હતી. તે સમયે આર.વી.એસ. પેરી શાસ્ત્રી મુખ્ય ચૂંટણી કમિશનર હતા. જોકે આ બહુસદસ્યીય વ્યવસ્થા લાંબી ચાલી નહીં અને જાન્યુઆરી 1990 સુધીમાં બંને કમિશનરોની નિમણૂક રદ થતાં ચૂંટણી પંચ ફરી એકસદસ્યીય સંસ્થા બની ગયું. ચૂંટણી પંચના સત્તાવાર રેકોર્ડમાં બંને અધિકારીઓનો આ કાર્યકાળ નોંધાયેલો છે.
ટી.એન. શેષનના સમયમાં વિવાદ ચરમસીમાએ પહોંચ્યો
1993માં ફરી ચૂંટણી પંચને બહુસદસ્યીય બનાવવામાં આવ્યું. ટી.એન. શેષન મુખ્ય ચૂંટણી કમિશનર હતા અને એમ.એસ. ગિલ તથા જી.વી.જી. કૃષ્ણમૂર્તિ ચૂંટણી કમિશનર તરીકે જોડાયા. આ નવી વ્યવસ્થાને લઈને શેષન અને અન્ય બંને કમિશનરો વચ્ચે સત્તા અને કામકાજને લઈને ગંભીર મતભેદ થયા હતા. 1993માં શેષને પોતે જ બહુસદસ્યીય ચૂંટણી પંચ બનાવવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
‘મારા ઓફિસમાં બે ગધેડા છે’ નિવેદનથી થયો હતો વિવાદ
અહેવાલો અનુસાર, શેષન બંને નવા ચૂંટણી કમિશનરોને પોતાની સત્તા માટે પડકારરૂપ માનતા હતા. તેમની સાથે દસ્તાવેજો શેર કરવા, બેઠકોમાં સામેલ કરવા અને કામની વહેંચણીને લઈને પણ મતભેદ થયા હતા. એક સમયે શેષને બંને કમિશનરો અંગે કથિત રીતે કહ્યું હતું કે તેમના ઓફિસમાં ‘બે ગધેડા’ છે. આ નિવેદન ચૂંટણી પંચના આંતરિક ટકરાવના સૌથી ચર્ચિત ઉદાહરણોમાંનું એક બની ગયું.
1995માં સુપ્રીમ કોર્ટે સ્થિતિ સ્પષ્ટ કરી
શેષન દ્વારા દાખલ કરાયેલી અરજી પર 1995માં સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો. કોર્ટે સ્પષ્ટ કર્યું કે મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોના દરજ્જા અને નિર્ણય લેવાની સત્તામાં સમાનતા છે. CECને ‘First Among Equals’ તરીકે જોવામાં આવે છે. આ ચુકાદાએ બહુસદસ્યીય ચૂંટણી પંચમાં સત્તાના સંતુલન અંગે મહત્વપૂર્ણ કાનૂની સ્થિતિ સ્પષ્ટ કરી.
ગોપાલસ્વામી-નવીન ચાવલા વિવાદ પણ રહ્યો ચર્ચામાં
2006થી 2009 દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર એન. ગોપાલસ્વામી અને ચૂંટણી કમિશનર નવીન ચાવલા વચ્ચે પણ ગંભીર મતભેદ સામે આવ્યા હતા. ગોપાલસ્વામીએ જાન્યુઆરી 2009માં રાષ્ટ્રપતિને ચાવલાને ચૂંટણી પંચમાંથી દૂર કરવાની ભલામણ કરી હતી. તેમણે ચાવલા પર પક્ષપાતપૂર્ણ વલણના આરોપ લગાવ્યા હતા.
આ મામલે ગોપાલસ્વામીની ભલામણને તત્કાલીન સરકારે સમર્થન આપ્યું નહીં અને રાષ્ટ્રપતિએ તેને ફગાવી દીધી. ત્યારબાદ નવીન ચાવલા એપ્રિલ 2009માં મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા.
2019માં અશોક લવાસાના મતભેદ ચર્ચામાં આવ્યા
2019ની લોકસભા ચૂંટણી દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરા અને ચૂંટણી કમિશનર અશોક લવાસા વચ્ચે પણ મતભેદ જાહેર ચર્ચાનો વિષય બન્યા. મીડિયા અહેવાલો અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના તત્કાલીન અધ્યક્ષ અમિત શાહ સામે આચારસંહિતા (Model Code of Conduct)ના કથિત ઉલ્લંઘન અંગેના કેટલાક કેસમાં લવાસાએ બહુમતી નિર્ણયથી અલગ મત આપ્યો હતો.
લવાસાએ પોતાના અસંમતિના મતો (Dissent)ને અંતિમ આદેશોમાં સામેલ કરવાની માંગ કરી હતી. આ માંગ સ્વીકારવામાં ન આવતાં તેઓ કેટલાક આચારસંહિતા સંબંધિત બેઠકોમાંથી અલગ રહ્યા હતા. બાદમાં 2020માં તેમણે કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલાં રાજીનામું આપ્યું અને એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)માં ઉપપ્રમુખ તરીકે જોડાયા.
અરુણ ગોયલે પણ કાર્યકાળ વચ્ચે રાજીનામું આપ્યું
ચૂંટણી પંચમાં મતભેદોની ચર્ચા વચ્ચે અરુણ ગોયલનું 9 માર્ચ 2024નું રાજીનામું પણ નોંધપાત્ર રહ્યું. તેમણે પોતાના રાજીનામામાં વ્યક્તિગત કારણોનો ઉલ્લેખ કર્યો હતો. જોકે ત્યારબાદ તેમના અને તત્કાલીન CEC રાજીવ કુમાર વચ્ચે સંબંધોને લઈને વિવિધ અટકળો પણ થઈ હતી.
2026માં ફરી બે ચૂંટણી કમિશનરોના વાંધાથી ચર્ચા
હવે 2026માં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના કાર્યકાળ દરમિયાન ચૂંટણી પંચની આંતરિક કામગીરી ફરી ચર્ચામાં આવી છે. ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ છેલ્લા 10 મહિનામાં ઓછામાં ઓછા 14 વખત કેટલીક કામગીરી અને નિર્ણય અંગે લેખિત વાંધા નોંધાવ્યા હતા. તેમના વાંધાઓ મતદાર યાદી (Electoral Roll), નવા મતદારોની નોંધણી, નામ ઉમેરવા-કાઢવા અને ચૂંટણી ડેટાબેઝના સંચાલન જેવા મુદ્દાઓ સાથે જોડાયેલા હતા.
ખાસ કરીને Form 6માં કરવામાં આવેલા ફેરફારને લઈને બંને કમિશનરોએ વાંધો નોંધાવ્યો હતો. અહેવાલ મુજબ, તેમણે આ ફેરફારને કાયદાકીય પ્રક્રિયા વિના કરવામાં આવ્યો હોવાનું ગણાવીને તેને ‘અનધિકૃત’ અને ‘ગેરકાયદેસર’ ગણાવ્યો હતો.
ચૂંટણી પંચે શું કહ્યું?
આ અહેવાલો સામે ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે કમિશનના સભ્યો વચ્ચે અલગ-અલગ મત હોવો નિર્ણય પ્રક્રિયાનો સામાન્ય ભાગ છે અને છેલ્લા એક વર્ષમાં લેવાયેલા અંતિમ નિર્ણયો સર્વસંમતિથી લેવામાં આવ્યા હતા. એટલે હાલની સ્થિતિમાં એક તરફ બે કમિશનરો દ્વારા નોંધાયેલા વાંધાઓ છે, જ્યારે બીજી તરફ ચૂંટણી પંચ અંતિમ નિર્ણયો સર્વસંમતિથી લેવાયા હોવાનું કહે છે.
ચૂંટણી પંચના ઈતિહાસને જોતા સ્પષ્ટ થાય છે કે સંસ્થાની અંદર મતભેદો અગાઉ પણ અનેક વખત સામે આવ્યા છે. 1989ના બહુસદસ્યીય માળખાથી શરૂ થયેલી આ કહાનીમાં ટી.એન. શેષન, એન. ગોપાલસ્વામી, અશોક લવાસા અને અરુણ ગોયલ જેવા નામો સાથે જોડાયેલા વિવાદો ચર્ચામાં રહ્યા છે. હવે 2026માં જ્ઞાનેશ કુમારના કાર્યકાળ દરમિયાન સામે આવેલા આંતરિક વાંધાઓએ ફરી ચૂંટણી પંચની નિર્ણય પ્રક્રિયા અને સત્તાના સંતુલન અંગે ચર્ચા જગાવી છે

