દિવાળી એટલે ખુશીઓની ઈદ', ખડગેની દિવાળી શુભેચ્છા પર BJP ભડકી

દિવાળી એટલે ખુશીઓની ઈદ', ખડગેની દિવાળી શુભેચ્છા પર BJP ભડકી
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગે દ્વારા દિવાળીના પાવન અવસરે આપવામાં આવેલા એક નિવેદનને લઈને દેશમાં મોટો રાજકીય વિવાદ વકર્યો છે. મીડિયા સાથેની વાતચીતમાં દિવાળીની શુભકામનાઓ પાઠવતા ખડગેએ કહ્યું હતું કે, "આ એક ખૂબ મોટો તહેવાર છે, જેને હિન્દુસ્તાનમાં બધા લોકો મનાવે છે. તેનું એક જ કારણ છે કે આ ખુશીઓની ઈદ છે, લાંબા સમય સુધી ચાલનારી ઈદ આ જ છે.

કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના આ નિવેદન બાદ ભાજપે કોંગ્રેસ સામે આક્રમક વલણ અપનાવતા પાર્ટી પર વોટ-બેંકની તુષ્ટિકરણની રાજનીતિ કરવાનો અને સનાતન-વિરોધી માનસિકતા ધરાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ભાજપના પ્રવક્તા સી.આર. કેસવને આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી પોતાની ઝેરી વોટ-બેંકની રાજનીતિ સાધવા માટે કરોડો હિન્દુ શ્રદ્ધાળુઓની આસ્થા અને ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં ક્યારેય પાછીપાની કરતી નથી.

જાહેરાત

આ સાથે જ ભાજપે સોનિયા ગાંધી દ્વારા બ્રિટિશ અખબાર 'ધ ગાર્ડિયન'ને આપવામાં આવેલા એક ઇન્ટરવ્યુ અને તેમની આગામી પુસ્તક 'બિલોંગિંગ: અ જર્ની ઓફ લવ'ના સંદર્ભને પણ આ વિવાદમાં ઢસડી લીધો છે. ભાજપે આક્ષેપ કર્યો છે કે સોનિયા ગાંધી 6 ડિસેમ્બર 1992ના રોજ બાબરી મસ્જિદ તૂટી ત્યારે રોયા હોવાનું કહીને પક્ષની માનસિકતા ઉજાગર કરી રહ્યા છે, જ્યારે પ્રવક્તા પ્રદીપ ભંડારીએ પણ કોંગ્રેસ પર સનાતન વિરોધી હોવાના પ્રહારો કર્યા હતા.

આ વિવાદે દેશના મુખ્ય રાજકીય પક્ષો વચ્ચે તહેવારોની મોસમમાં પણ નવી તકરાર અને ઘમાસાણ મચાવી દીધું છે. ભાજપ સતત એવા મુદ્દાઓ ઉછાળી રહી છે જેમાં કથિત રીતે કોંગ્રેસના ટોચના નેતાઓ દ્વારા હિન્દુ તહેવારો કે પરંપરાઓનું અપમાન કરવામાં આવ્યું હોય. એક તરફ કોંગ્રેસ અધ્યક્ષના આ નિવેદનને લઈને સત્તાધારી પક્ષ દ્વારા ચારેય બાજુથી ઘેરાબંધી કરવામાં આવી રહી છે, ત્યારે આગામી દિવસોમાં આ મુદ્દો રાષ્ટ્રીય રાજકારણમાં વધુ ગરમાવો લાવે તેવી પૂરી સંભાવના છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત