Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : ‘I don't have time...’ sister refuses brother's funeral, relationship tragedy

‘મારી પાસે સમય નથી...’ કહી બહેને ભાઈના અંતિમ સંસ્કારથી કર્યો ઈનકાર, સંબંધોની કરુણ કહાની

Timeછેલ્લું અપડેટ : 12 Sept 2026
લાઇવ ટીવીGoogle News
‘મારી પાસે સમય નથી...’ કહી બહેને ભાઈના અંતિમ સંસ્કારથી કર્યો ઈનકાર, સંબંધોની કરુણ કહાની
સોર્સ : gstv

હરિયાણાના કુરુક્ષેત્રમાં ભાઈ-બહેનના સંબંધને હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. 71 વર્ષીય જુગલ કિશોરના (Jugal Kishore) મૃત્યુ બાદ તેમના અંતિમ સંસ્કાર (Last Rites)ની જવાબદારી તેમની પોતાની બહેને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. બહેને આશ્રમ સંચાલકને પોતાની તબિયત સારી ન હોવાનું અને તેમની પાસે રોકાવાનો સમય ન હોવાનું જણાવ્યું હતું. અંતે આશ્રમ સંચાલક અને સમિતિએ જ જુગલ કિશોરના અંતિમ સંસ્કાર કર્યા અને તેમની અસ્થિઓ સરસ્વતી નદીમાં વિસર્જિત કરી હતી.

App Store

10 વર્ષથી પિહોવામાં રહેતા હતા જુગલ કિશોર

મળતી માહિતી મુજબ, દિલ્હીના ઉત્તમ નગરના રહેવાસી જુગલ કિશોર છેલ્લા આશરે 10 વર્ષથી પિહોવાના સરસ્વતી તીર્થ વિસ્તારમાં રહેતા હતા. તેમના લગ્ન થયા નહોતા. પરિવારના સભ્યોમાં તેમની નાની બહેન પુષ્પા રાણી વિશે જ માહિતી હતી. જુગલ કિશોર અવારનવાર બહેનને મળવા દિલ્હી પણ જતા હોવાનું જણાવાયું છે.

તબિયત લથડતાં આશ્રમમાં લાવવામાં આવ્યા

પિહોવા નજીક આવેલા બાબા ફરીદ અનાથ આશ્રમની દેખરેખ રાખતા બાબા નિશાન સિંહના જણાવ્યા અનુસાર, આશરે બે સપ્તાહ પહેલાં જુગલ કિશોરની તબિયત અચાનક બગડી હતી. ત્યારબાદ તેમને આશ્રમમાં લાવવામાં આવ્યા અને સારવાર શરૂ કરવામાં આવી હતી. તેઓ કેટલાક દિવસ પિહોવાની સરકારી હોસ્પિટલમાં દાખલ રહ્યા હતા. સ્થિતિ ગંભીર બનતાં તેમને કુરુક્ષેત્રની એલએનજેપી હોસ્પિટલ (LNJP Hospital)માં ખસેડવામાં આવ્યા હતા.

આ દરમિયાન આશ્રમ તરફથી તેમની બહેન પુષ્પા રાણીનો સંપર્ક કરવાનો અનેક વખત પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઘણી મહેનત બાદ સંપર્ક થતાં તેમને ભાઈની ગંભીર સ્થિતિ વિશે જાણ કરવામાં આવી અને છેલ્લી વખત મળવા હોસ્પિટલ આવવા જણાવાયું હતું. જોકે, તેઓ સતત આવવાનું ટાળતા રહ્યા હોવાનું આશ્રમ સંચાલકનું કહેવું છે.

4 સપ્ટેમ્બરે હોસ્પિટલમાં થયું મૃત્યુ

સારવાર દરમિયાન 4 સપ્ટેમ્બરે જુગલ કિશોરનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ તેમની બહેનને જાણ કરવામાં આવી હતી. આશ્રમ સંચાલકના જણાવ્યા પ્રમાણે, પુષ્પા રાણી મુશ્કેલીથી કુરુક્ષેત્રની હોસ્પિટલ પહોંચી અને ભાઈના મૃતદેહને જોયો હતો.

આ પછી બાબા નિશાન સિંહે તેમની સાથે અંતિમ સંસ્કાર અંગે વાત કરી હતી. આ વાતચીતનો એક ભાગ સામે આવ્યો છે, જેમાં પુષ્પા પોતાની તબિયત સારી ન હોવાનું કહીને અંતિમ સંસ્કારમાં રોકાઈ ન શકવાની વાત કરતી સંભળાય છે. તેમણે આશ્રમ સંચાલકને જ અંતિમ સંસ્કાર કરી દેવા વિનંતી કરી હતી.

અસ્થિ વિસર્જન માટે પણ બહેને વ્યક્ત કરી અસમર્થતા

બાબા નિશાન સિંહના જણાવ્યા અનુસાર, તેમણે પુષ્પા રાણીને કહ્યું હતું કે અંતિમ સંસ્કાર બાદ અસ્થિ વિસર્જન (Asthi Visarjan)ની જવાબદારી પણ તેમને નિભાવવી પડશે. જોકે, બહેને પોતાની તબિયતનું કારણ આપીને તેમાં પણ જોડાઈ શકવાની અસમર્થતા વ્યક્ત કરી હતી. ત્યારબાદ તેઓ એક સંબંધિ સાથે હોસ્પિટલથી ચાલ્યા ગયા હોવાનું જણાવાયું છે.

આશ્રમ સમિતિએ ભાઈના અંતિમ સંસ્કાર કર્યા

બહેન તરફથી અંતિમ સંસ્કારની જવાબદારી ન સ્વીકારવામાં આવતા બાબા નિશાન સિંહ અને આશ્રમ સમિતિ આગળ આવી હતી. જુગલ કિશોરના મૃતદેહને કુરુક્ષેત્રથી પિહોવા લાવવામાં આવ્યો હતો, જ્યાં ધાર્મિક વિધિ મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની અસ્થિઓ સરસ્વતી નદીમાં વિસર્જિત કરવામાં આવી હતી.

બાબા નિશાન સિંહે જણાવ્યું કે જુગલ કિશોર લાંબા સમયથી આશ્રમ અને સરસ્વતી તીર્થ વિસ્તાર સાથે જોડાયેલા હતા. તેથી તેમના અંતિમ સમયમાં આશ્રમે તેમને એકલા છોડ્યા નહોતા.

આશ્રમમાં 30થી વધુ બેઘર લોકો રહે છે

બાબા નિશાન સિંહના જણાવ્યા અનુસાર, આશ્રમમાં હાલમાં 30થી વધુ બેઘર લોકો રહે છે. તેમાં બાળકો, વૃદ્ધો, દિવ્યાંગો અને બીમાર લોકોનો પણ સમાવેશ થાય છે. આશ્રમનું બાંધકામ હજુ ચાલુ છે અને તેમના પુત્ર હરિન્દ્ર પાલ તથા પુત્રવધૂ પણ સેવા કાર્યમાં સહયોગ આપે છે.

જુગલ કિશોરના અંતિમ સંસ્કાર અને અસ્થિ વિસર્જનના વીડિયો સામે આવ્યા બાદ આ સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. ઘટનાએ પરિવારના બદલાતા સંબંધો અને મુશ્કેલ સમયમાં માનવીય જવાબદારી અંગે ચર્ચા જગાવી છે.