‘કાં તો સહન કરો, અથવા પરિવર્તનની જવાબદારી ઉઠાવો’, CJPના પ્રદર્શન પહેલાં અભિજીત દીપકેની લલકાર

દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી (CJP)ના જંતર-મંતર પર યોજાનારા વિરોધ પ્રદર્શન પહેલાં રાજધાનીમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) રદ કરવા, મતદાર યાદીમાંથી નામો દૂર કરવા માટે જવાબદારી નક્કી કરવા અને મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માગ સાથે CJPએ આંદોલનનું એલાન કર્યું છે. આ પ્રદર્શનને આમ આદમી પાર્ટી (AAP), ડાબેરી પક્ષો અને પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ સમર્થન આપ્યું છે. વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.
દિલ્હીમાં ચારે તરફ કડક બંદોબસ્ત, હજારો સુરક્ષાકર્મીઓ તૈનાત
CJPના પ્રદર્શન પહેલાં દિલ્હી પોલીસે જંતર-મંતર અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે. પ્રદર્શન સ્થળ તરફ જતા માર્ગો પર ત્રણથી ચાર સ્તરની બેરિકેડિંગ કરવામાં આવી છે. પોલીસ દ્વારા લાઉડસ્પીકરથી સતત જાહેરાતો કરીને લોકોને એકઠા ન થવાની ચેતવણી આપવામાં આવી રહી છે. નવી દિલ્હીમાં લાગુ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 હેઠળના પ્રતિબંધાત્મક આદેશોનો પણ હવાલો આપવામાં આવી રહ્યો છે.
સંસદ માર્ગ તરફ જતા રસ્તાઓ પર અવરજવર નિયંત્રિત કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં પગપાળા જતા લોકોને પણ રોકવામાં આવી રહ્યા હોવાના અહેવાલ છે. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ અધિકારીઓની વર્દી પર બોડીકેમ લગાવવામાં આવ્યા છે. જો કોઈ દેખાવકારની અટકાયત કરવાની જરૂર પડે તો તેના માટે ખાસ બસો અને આશરે 10 ડિટેન્શન સેન્ટરની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
ટ્રેનો રદ, મેટ્રો સ્ટેશનો પર પ્રતિબંધથી મુસાફરોની મુશ્કેલી વધી
વિરોધ પ્રદર્શનની અસર દિલ્હીની પરિવહન વ્યવસ્થા પર પણ પડી છે. અહેવાલ મુજબ, દિલ્હી આવતી-જતી 75 ટ્રેનો બપોરે 2 વાગ્યા સુધી રદ કરવામાં આવી છે. સુરક્ષાનાં કારણોસર આશરે 45 મેટ્રો સ્ટેશનો પર પ્રવેશ અને બહાર નીકળવા પર સાંજે 6 વાગ્યા સુધી નિયંત્રણ મૂકવામાં આવ્યું છે.
આ ઉપરાંત, જંતર-મંતરની આસપાસના ચાર કિલોમીટરના વિસ્તારમાં ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં દારૂની દુકાનો બંધ રાખવા માટે પણ આદેશ આપવામાં આવ્યા હોવાના અહેવાલ છે. સુરક્ષાનાં આ પગલાંને કારણે સ્થાનિક લોકો, મુસાફરો અને રોજિંદા કામ માટે બહાર નીકળતા નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
દીપકની લલકાર: ‘જ્યાં રોકશો, ત્યાં જ અમારું જંતર-મંતર’
CJPના સ્થાપક અભિજીત દીપકે પોતાના સાથીઓ સૌરભ દાસ અને આશુતોષ રાંકા સાથે પ્રદર્શન માટે દિલ્હી પહોંચીને આંદોલન આગળ વધારવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર એક સંદેશ દ્વારા સરકાર અને વહીવટી તંત્ર સામે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી હતી.
દીપકે લખ્યું હતું, “જિંદગી જીવવાની બે જ રીત હોય છે… એક, જે થઈ રહ્યું છે તેને થવા દો અને સહન કરતા જાઓ… અથવા તેને બદલવાની જવાબદારી ઉઠાવો!”
તેમણે વધુમાં સ્પષ્ટ કર્યું કે તેમને જ્યાં રોકવામાં આવશે, તે સ્થળને જ તેઓ પોતાનું જંતર-મંતર બનાવશે. જરૂર પડે તો જેલમાં જવા માટે પણ તેઓ તૈયાર હોવાનું જણાવ્યું છે. તેમના આ નિવેદન બાદ પ્રદર્શનને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. હવે પોલીસની કડક સુરક્ષા વચ્ચે CJPના કાર્યકરો કેવી રીતે વિરોધ નોંધાવે છે તેના પર સૌની નજર છે.
સુપ્રીમ કોર્ટમાં પણ મામલો પહોંચ્યો, પ્રતિબંધો પર પુનર્વિચારની ટકોર
CJPના વિરોધ પ્રદર્શન અને દિલ્હી પોલીસની સુરક્ષા વ્યવસ્થાનો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. અહેવાલ મુજબ, અરજી મોડી કરવામાં આવી હોવા અને નવી દિલ્હીમાં કલમ 163 હેઠળ પ્રતિબંધાત્મક આદેશો લાગુ હોવાને કારણે પોલીસ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે.
સુપ્રીમ કોર્ટે આ મામલે ટિપ્પણી કરતાં કહ્યું હોવાનું અહેવાલમાં જણાવાયું છે કે, “માખી મારવા માટે હથોડાનો ઉપયોગ ન થવો જોઈએ.” અદાલતે નાગરિકોના પરિવહન અને અવરજવરના અધિકારો જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા તથા મેટ્રો અને ટ્રેનો બંધ કરવાના નિર્ણયોની સમીક્ષા કરવા અંગે પણ ટકોર કરી હોવાનું જણાવાયું છે.
બીજી તરફ, દિલ્હી-નોઈડા ચિલ્લા બોર્ડર સહિતના વિસ્તારોમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે, જેથી ઉત્તર પ્રદેશ તરફથી આવતી ભીડને નિયંત્રિત કરી શકાય. ગૌતમબુદ્ધ નગરમાં 20 ઓક્ટોબર સુધી કલમ 163 લાગુ કરવામાં આવી હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
દિલ્હીમાં એક તરફ કડક સુરક્ષા વ્યવસ્થા છે, તો બીજી તરફ CJPએ પ્રદર્શન કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. હવે આ વિરોધ શાંતિપૂર્ણ રીતે આગળ વધે છે કે સુરક્ષા વ્યવસ્થાને કારણે વધુ રાજકીય વિવાદ સર્જાય છે, તે જોવાનું રહેશે.

