મન કી બાતમાં PM મોદીનો સ્પષ્ટ સંદેશ; આજનું ભારત આતંક સહન નહીં કરે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 'મન કી બાત' કાર્યક્રમના 138મા એપિસોડ દ્વારા દેશવાસીઓને સંબોધિત કરતા જણાવ્યું કે, સર્જિકલ સ્ટ્રાઈકને 10 વર્ષ પૂરાં થઈ રહ્યાં છે અને આજનું ભારત આતંકવાદને જરાય સહન કરતું નથી.
તેમણે કહ્યું, "10 વર્ષ પહેલાં 28-29 સપ્ટેમ્બર 2016ના રોજ ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકી અડ્ડાઓ પર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. LoC પાર જઈને આપણા વીર જવાનોએ જે રીતે આતંકવાદ સામે કાર્યવાહી કરી હતી, તે જોઈને સમગ્ર વિશ્વ દંગ રહી ગયું હતું. સર્જિકલ સ્ટ્રાઈકે આખી દુનિયા સામે આતંકવાદ સામેની ભારતની નીતિનું એક નવું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આતંકવાદી હુમલાઓને કારણે ભારતે લાંબા સમય સુધી જે પીડા વેઠી હતી, સર્જિકલ સ્ટ્રાઈક એ દર્દ સામે આપણો નિર્ણાયક વળતો પ્રહાર હતો."
પીએમે અશોક સિંઘલજીને શ્રદ્ધાંજલિ આપી
'મન કી બાત'માં પીએમ મોદીએ શ્રદ્ધેય સ્વર્ગીય અશોક સિંઘલજીને યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું કે ૨૭ સપ્ટેમ્બર ૧૯૨૬ના રોજ આજના જ દિવસે આગ્રામાં અશોક સિંઘલજીનો જન્મ થયો હતો. તેમની જન્મશતાબ્દી પર હું તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. પીએમ મોદીએ કહ્યું કે અશોક સિંઘલજીએ સમાજ વચ્ચે રહીને તપસ્વી જેવું જીવન જીવ્યું હતું. તેમણે રામ જન્મભૂમિ આંદોલનને નવી દિશા અને ઊર્જા આપી હતી. આજે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ એ જ પ્રયાસોનું પરિણામ છે.
"મોઢેરા સૂર્ય મંદિરને ૧૦૦૦ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે"
પીએમ મોદીએ જણાવ્યું કે ઈ.સ. ૧૦૨૬માં ગઝનવીએ સોમનાથ મંદિર પર હુમલો કર્યો હતો. તે જ સમયે ગુજરાતના મોઢેરામાં બનેલા પ્રસિદ્ધ સૂર્ય મંદિરને પણ નુકસાન પહોંચાડાયું હતું. મોઢેરા સૂર્ય મંદિરનું નિર્માણ ઈ.સ. ૧૦૨૫માં રાજા ભીમદેવે કરાવ્યું હતું. આ વર્ષે મંદિરના વિધ્વંસને ૧૦૦૦ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે. આજે મોઢેરા પોતાના ઐતિહાસિક સૂર્ય મંદિરની સાથે-સાથે દેશના પ્રથમ 'સોલર વિલેજ' એટલે કે સૌર ગ્રામ તરીકે પણ ઓળખ બનાવી ચૂક્યું છે.
પીએમ મોદીએ દેશના પ્રેરણાદાયી પ્રયાસો ગણાવ્યા
આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વિવિધ ભાગોમાં થઈ રહેલા સામાજિક, પર્યાવરણીય અને આર્થિક ફેરફારો સાથે સંકળાયેલા અનેક પ્રેરણાદાયી પ્રયાસોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ભૂતકાળ સાથે આપણું જોડાણ આજે પણ ખૂબ જ જીવંત છે. તેની પાછળ એવા લોકોનું સમર્પણ અને મહેનત છે, જેઓ આ વારસાને વધુ સમૃદ્ધ બનાવવાનું કામ કરી રહ્યા છે.
પીએમ મોદીએ તમિલનાડુના તિરુચિરાપલ્લીના મનપ્પારઈ ખાતે થઈ રહેલા એક અનોખા પ્રયાસનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે દેશના વિવિધ ભાગોમાં લોકો પોતાની પરંપરાઓ અને વારસાને આગળ ધપાવવા માટે સતત કાર્યરત છે.
વડાપ્રધાને આસામમાં પ્રકૃતિ સંરક્ષણથી આવી રહેલા હકારાત્મક બદલાવોની પણ ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે પર્યાવરણ સંરક્ષણના પ્રયાસોથી સ્થાનિક સ્તરે પરિવર્તન જોવા મળી રહ્યું છે અને તે આવનારી પેઢીઓ માટે પણ મહત્વપૂર્ણ છે.
પીએમ મોદીએ સુંદરવનના ઝારખાલી વિસ્તારની મહિલાઓના પ્રયાસોને પણ બિરદાવ્યા હતા. તેમણે જણાવ્યું કે અહીં મહિલાઓ મેન્ગ્રોવના જંગલો ઉગાડી રહી છે. આમાંથી ઘણી મહિલાઓ એવી છે જેમના પતિઓ વાઘના હુમલામાં જીવ ગુમાવી ચૂક્યા હતા. પતિને ગુમાવ્યા બાદ તેમને સુંદરવનમાંથી જ આજીવિકાનો સહારો મળ્યો. આ મહિલાઓ દ્વારા ઉગાડવામાં આવેલા મેન્ગ્રોવ હવે ગામડાંઓ માટે કુદરતી સુરક્ષા કવચનું કામ કરી રહ્યા છે. સાથે જ આ વૃક્ષો વાવવાથી મહિલાઓને આવકનું સાધન પણ મળી રહ્યું છે. વડાપ્રધાને તેને પ્રકૃતિ સંરક્ષણ અને મહિલા સશક્તિકરણ સાથે જોડાયેલો મહત્વપૂર્ણ પ્રયાસ ગણાવ્યો હતો.
'નશામુક્ત યુવા અભિયાન'નો પણ ઉલ્લેખ
વડાપ્રધાને 'નશામુક્ત યુવા અભિયાન'નો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે દેશના લાખો યુવાનોએ નશા અને ડ્રગ્સ વિરુદ્ધ મહત્વપૂર્ણ સંકલ્પ લીધો છે. યુવાનોએ પોતે નશાથી દૂર રહેવાની પ્રતિજ્ઞા લેવાની સાથે સાથે આ સંદેશને અન્ય લોકો સુધી પહોંચાડવાની જવાબદારી પણ ઉપાડી છે.
ગામડાંઓની હોકી પ્રતિભાઓને મળી રહ્યો છે નવો મંચ
પીએમ મોદીએ રાજેન્દર સિંહ સિનિયરના પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે રાજેન્દર સિંહ સિનિયર યુવા હોકી પ્રતિભાઓને શોધવામાં અને તેમને તાલીમ આપવામાં મદદ કરી રહ્યા છે. તેમના પ્રયાસોથી ગામડાંના બાળકોને હોકીમાં આગળ વધવાની શ્રેષ્ઠ તકો મળી રહી છે. વડાપ્રધાને કહ્યું કે જો ભારતે રમતોમાં સતત ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવું હોય તો ગામડાં અને નગરો સુધી પહોંચીને રમત પ્રતિભાઓને શોધવી ખૂબ જ જરૂરી છે. દેશના નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં પણ મોટી રમત પ્રતિભાઓ રહેલી છે, જેમને યોગ્ય તાલીમ અને તકની જરૂર છે.
આંબળા બન્યા રોજગારનું સાધન
આ ઉપરાંત પીએમ મોદીએ પ્રતાપગઢના પ્રખ્યાત આંબળાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે આંબળા ખેડૂતો અને સ્વસહાય જૂથો સાથે જોડાયેલી મહિલાઓ માટે નવી તકોનું સર્જન કરી રહ્યા છે. પ્રતાપગઢમાં આંબળા પ્રોસેસિંગ સાથે સંકળાયેલા લગભગ ૧૦૦ જેટલા યુનિટ કાર્યરત છે, જેમાં સ્વસહાય જૂથોની મહિલાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. તેમણે દેવગઢ કમાસી ગામના સાવિત્રી ફૂલે સ્વસહાય જૂથનું ઉદાહરણ આપતાં જણાવ્યું કે આ જૂથ સાથે જોડાયેલી મહિલાઓ આંબળામાંથી કેન્ડી, મુરબ્બો અને જ્યુસ જેવી પ્રોડક્ટ્સ બનાવી રહી છે. ODOP (વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ) હેઠળ નવા બજારો સુધી પહોંચ વધવાથી આ મહિલાઓની આવકમાં પણ વધારો થયો છે.

