ઓપરેશન સિંદૂર પર અજીત ડોભાલનું મોટું નિવેદન, કહ્યું- 'ભારતની સહનશીલતાને નબળાઈ ન સમજશો'

'ભારત સહિષ્ણુ છે, કમજોર નહીં. અમે જોખમ પણ લઈ શકીએ છીએ અને ઘરમાં ઘૂસીને જડબાતોડ પ્રહાર પણ કરી શકીએ છીએ. આપણી સહનશીલતાને નબળાઈ સમજવાની ભૂલ ન કરવી.' 15 ઓગસ્ટ પહેલા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલે એક ઈન્ટરવ્યૂમાં આ સ્પષ્ટ મેસેજ આપ્યો છે. ઓપરેશન સિંદૂર પર આપવામાં આવેલા આ વિશેષ ઈન્ટરવ્યૂમાં તેમણે 88 કલાક સુધી ચાલેલા સૈન્ય અભિયાન પાછળની વ્યૂહરચના અને નિર્ણય પ્રક્રિયા અંગે વિગતવાર વાત કરી છે.
આતંકી ઠેકાણાઓનો સફાયો કરવાનો મુખ્ય હેતુ: ડોભાલ
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ (Ajit Doval) અનુસાર આ સૈન્ય કાર્યવાહીનો મુખ્ય હેતુ દુશ્મનના એ તમામ ઠેકાણાઓને નષ્ટ કરવાનો હતો, જે ખાસ કરીને પહેલગામ આતંકી હુમલા માટે જવાબદાર હતા. આ વિશેષ વાતચીતમાં ભારતના ટોચના સૈન્ય અને સુરક્ષા નેતૃત્વ દ્વારા લેવાયેલા નિર્ણયોની વિસ્તૃત માહિતી આપવામાં આવી છે.
વિશ્વ માટે ભારતનો સ્પષ્ટ મેસેજ
ભારતની નીતિ અને સૈન્ય ક્ષમતા અંગે ભારપૂર્વક જણાવતાં કહેવામાં આવ્યું છે કે 'વિશ્વ માટે ખૂબ સ્પષ્ટ મેસેજ છે- ભારતની ઉદારતા કે ભારતનું સહિષ્ણુ હોવું એ અમારા દેશની કમજોરી ન ગણવી જોઈએ. પરિણામ ભલે ગમે તે આવે, ભારત જોખમ ઉઠાવી શકે છે અને ભારત જડબાતોડ પ્રહાર પણ કરી શકે છે.' આ જવાબી કાર્યવાહી પર નજર રાખનારા અધિકારીઓના અનુભવો પણ આ દરમિયાન સામે આવ્યા છે.
પહેલગામ હુમલાનો જડબાતોડ જવાબ
આ સૈન્ય અભિયાનની શરૂઆત 22 એપ્રિલના રોજ થયેલા ઘાતક પહેલગામ આતંકી હુમલાના જવાબરૂપે 7 મેના રોજ કરવામાં આવી હતી. ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) સ્થિત આતંકી અડ્ડાઓ પર ચોક્કસ અને ભયાનક હવાઈ અને સૈન્ય હુમલા કર્યા હતા.
88 કલાક ચાલેલો સૈન્ય સંઘર્ષ
ભારતના હુમલા બાદ પાકિસ્તાન તરફથી પણ સૈન્ય કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, જેના વળતા જવાબમાં ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ અનેક આક્રમક જવાબી કાર્યવાહીઓ હાથ ધરી હતી. બંને પરમાણુ સંપન્ન દેશો વચ્ચે આ સૈન્ય સંઘર્ષ આશરે 88 કલાક સુધી ચાલ્યો હતો અને અંતે 10 મેના રોજ બંને પક્ષો વચ્ચે પરસ્પર સહમતિ સધાતાં સૈન્ય ગતિવિધિઓ અટકી ગઈ હતી.

