'આ પ્રસાર ભારતી નહીં, પ્રચાર ભારતી છે', દૂરદર્શનનો લોગો ભગવા રંગનો થતા ભડક્યું વિપક્ષ
દેશમાં ચૂંટણીના માહોલ વચ્ચે પબ્લિક બ્રોડકાસ્ટર દૂરદર્શને ડીડી ન્યૂઝના ઐતિહાસિક લોગોનો રંગ લાલથી બદલીને કેસરી કરી દીધો છે. ડીડી

દેશમાં ચૂંટણીના માહોલ વચ્ચે પબ્લિક બ્રોડકાસ્ટર દૂરદર્શને ડીડી ન્યૂઝના ઐતિહાસિક લોગોનો રંગ લાલથી બદલીને કેસરી કરી દીધો છે. ડીડી ન્યૂઝના ઓફિશિયલ એક્સ હેન્ડલ પરથી આ મામલે જાહેરાત કરવામાં આવી હતી. જોકે, બીજી તરફ આ લોગોને લઈને વિપક્ષ ટીકા કરી રહ્યું છે. આ આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન છે.
આ મામલે તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને પ્રસાર ભારતી (DD, AIR) ના પૂર્વ CEO જવાહર સિરકરે આ લોગો ફેરફારની આકરી ટીકા કરતાં તેને ‘દૂરદર્શનનું ભગવાકરણ’ ગણાવ્યું છે. તેમણે X પર લખ્યું કે, ‘રાષ્ટ્રીય પ્રસારણકર્તા દૂરદર્શને તેનો ઐતિહાસિક ફ્લેગશિપ લોગો ભગવા રંગે રંગી નાખ્યો છે! પૂર્વ CEO તરીકે મને આ ભગવાકરણ પર ચિંતા થઇ રહી છે અને હું એવું અનુભવું છું કે હવે આ પ્રસાર ભારતી નથી પણ પ્રચાર ભારતી બની ગઈ છે.
સરકાર સંસ્થાઓને કબજે કરી લેવા માગે છે : કોંગ્રેસ
આ મામલે કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ આક્ષેપ કર્યો હતો કે દૂરદર્શનના લોગોનો રંગ બદલવો એ સરકાર દ્વારા સરકારી સંસ્થાઓને કબજે કરવાનો પ્રયાસ છે. ઉલ્લેખનીય છે કે મનીષ તિવારી યુપીએ સરકાર દરમિયાન 2012 થી 2014 સુધી કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી હતા. તેમણે કહ્યું કે, ‘સરકાર દ્વારા ભગવાવાદ અને સરકારી સંસ્થાઓને કબજે કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. આ પગલું સ્પષ્ટપણે ભારતના જાહેર પ્રસારણકર્તાની તટસ્થતા અને વિશ્વસનીયતાને નબળી પાડે છે.’
દૂરદર્શને તેના પગલાંનો બચાવ કરતાં શું કહ્યું?
દૂરદર્શનના આ પગલાનો બચાવ કરતા પ્રસાર ભારતીના સીઈઓ ગૌરવ દ્વિવેદીએ કહ્યું કે, ‘નારંગી રંગનો નવો લોગો દેખાવમાં આકર્ષક છે અને આ ફેરફાર વિઝ્યુઅલ એસ્થેટિકને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. લોગોનો રંગ નારંગી છે, ભગવો નથી. ‘માત્ર લોગો જ બદલાયો નથી, પરંતુ અમે DDના સમગ્ર લૂકને અપગ્રેડ કર્યો છે. દુર્ભાગ્યપૂર્ણ છે કે કેટલાક લોકો આ અંગે બેફામ બોલી રહ્યા છે. અમે છેલ્લા છ-આઠ મહિનાથી ડીડીનો લૂક બદલવા કામ કરી રહ્યા હતા.
દૂરદર્શનનો ઇતિહાસ શું છે?
15 સપ્ટેમ્બર, 1959ના રોજ જાહેર પ્રસારણ સેવા તરીકે દૂરદર્શનનું પ્રથમ પ્રસારણ કરવામાં આવ્યું હતું. તે 1965માં દિલ્હીથી પ્રસારિત થતા દરરોજ સવાર અને સાંજના શો સાથે એક બ્રોડકાસ્ટર બની ગયું. ડીડીની સેવા 1975 સુધીમાં મુંબઈ, અમૃતસર અને અન્ય શહેરોમાં હતી. 1 એપ્રિલ 1976ના રોજ, તે માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ આવ્યું અને 1982માં નેશનલ બ્રોડકાસ્ટર બન્યું. પછી 1984 માં ડીડીએ તેના નેટવર્ક હેઠળ વધુ ચેનલો ઉમેરી. હાલમાં દૂરદર્શન 6 રાષ્ટ્રીય અને 17 પ્રાદેશિક ચેનલોનું સંચાલન કરે છે.







