'માત્ર નફો ન જુઓ, નવી નોકરીઓ ઊભી કરો અને કર્મચારીઓનો પગાર પણ વધારો!' PM મોદીની કંપનીઓને સીધી અપીલ

દેશમાં વેપાર-ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે કોર્પોરેટ ટેક્સ ઘટાડવાથી લઈને નિયમો સરળ બનાવવા સુધીના અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ઉદ્યોગપતિઓ અને કંપનીઓને ખાસ અપીલ કરી છે કે તેઓ માત્ર પોતાનો નફો વધારવા પર જ ધ્યાન કેન્દ્રિત ન કરે, પરંતુ દેશમાં વધુમાં વધુ નવી નોકરીઓ ઊભી કરે અને પોતાના કર્મચારીઓના પગાર (સેલેરી) માં પણ વધારો કરે.
ગુરુવારે FICCI ના વાર્ષિક સંમેલનને સંબોધતા વડાપ્રધાન મોદીએ ઉદ્યોગ જગતને દેશની વિકાસ યાત્રામાં સક્રિય ભાગીદાર બનવા આહ્વાન કર્યું હતું. 'ટેક્સમાં રાહતનો લાભ સામાન્ય લોકો અને કર્મચારીઓને મળવો જોઈએ' PM મોદીએ જણાવ્યું હતું કે, દેશના વિકાસની જવાબદારી માત્ર સરકારની નથી, ઉદ્યોગ જગતે પણ તેમાં ભાગીદારી નિભાવવી પડશે. તેમણે કહ્યું કે સરકારે ઉદ્યોગોને બળ પૂરું પાડવા માટે કોર્પોરેટ ટેક્સના દરો ઘટાડ્યા છે, ઈન્કમ ટેક્સમાં રાહત આપી છે અને અનુપાલન (Compliance) ના નિયમો સરળ બનાવ્યા છે. હવે કંપનીઓએ એ બતાવવું જોઈએ કે સરકારના આ નિર્ણયોનો સીધો ફાયદો અર્થતંત્ર અને સામાન્ય જનતાને મળી રહ્યો છે. આ માટે ઉદ્યોગોએ વધુ રોજગાર સર્જન કરવા અને કર્મચારીઓની આવક વધારવા પર ધ્યાન આપવું જોઈએ.
સંમેલનમાં PM મોદીએ ઉઠાવેલા અન્ય 4 મહત્વના મુદ્દા:
-
ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) નો લાભ ઉઠાવો: વડાપ્રધાને કહ્યું કે ભારતે અનેક દેશો સાથે મુક્ત વ્યાપાર કરાર (FTA) કર્યા છે. કંપનીઓએ દરેક તક શોધવાની જવાબદારી સરકાર પર ન છોડવી જોઈએ, પરંતુ જાતે રણનીતિ બનાવીને વિદેશી બજારોમાં પોતાનો વેપાર વિસ્તારવો જોઈએ.
-
ભારતીય ગ્રાહકોને પણ 'એક્સપોર્ટ ક્વોલિટી' આપો: વિદેશમાં સારી ગુણવત્તાનો માલ વેચવો અને ઘરેલુ બજારમાં ઉતરતી ગુણવત્તાનો સામાન આપવો—આ માનસિકતા બદલવાની જરૂર છે. ભારતીય ગ્રાહકો પણ શ્રેષ્ઠ ગુણવત્તાના હકદાર છે, કંપનીઓ ભારતના વિશાળ ગ્રાહક વર્ગને હળવાશથી ન લે.
-
ફાર્મા અને સ્ટીલ સેક્ટરમાં આયાત ઘટાડો: ભારતને 'વિશ્વની ફાર્મસી' કહેવામાં આવે છે, છતાં આપણે દવાઓના કાચા માલ (API) ની મોટા પાયે આયાત કરવી પડે છે. કંપનીઓએ દેશમાં જ સ્પર્ધાત્મક ભાવે આ ઉત્પાદનો બનાવવા પર તેમજ સ્ટીલ અને એલ્યુમિનિયમ ક્ષેત્રે આયાત નિર્ભરતા ઘટાડવા રોકાણ કરવું જોઈએ.
-
કૃષિ અને ફૂડ પ્રોસેસિંગમાં રોકાણ: ભારતનું કૃષિ ઉત્પાદન વિશાળ હોવા છતાં વૈશ્વિક કૃષિ નિકાસમાં આપણો હિસ્સો માત્ર 2 થી 2.5 ટકા જ છે. કંપનીઓએ ફૂડ પ્રોસેસિંગ અને વેલ્યુ એડિશનમાં રોકાણ કરીને નિકાસ વધારવી જોઈએ.











