VIDEO: 'માત્ર આકાશમાંથી બોમ્બમારો કરવાથી ઈરાન સામે જીત નહીં મળે', પૂર્વ સંરક્ષણ મંત્રીની ટ્રમ્પને સ્પષ્ટ ચેતવણી
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પૂર્વ સંરક્ષણ મંત્રી મા

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પૂર્વ સંરક્ષણ મંત્રી માર્ક એસ્પરે એક મોટો દાવો કર્યો છે. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે ઈરાન સાથે ચાલી રહેલા જંગમાં માત્ર આકાશમાંથી બોમ્બમારો કરવાથી અમેરિકાને જીત નહીં મળે. જો અમેરિકાએ આ યુદ્ધ જીતવું હોય, તો તેણે પોતાની જૂની વ્યૂહનીતિ તાત્કાલિક બદલવી પડશે.
વ્યૂહનીતિ બદલીને ઈરાનની આર્થિક ઘેરાબંધી કરવી જરૂરી
માર્ક એસ્પરના જણાવ્યા અનુસાર, અમેરિકાએ હવે ઈરાન પર ચોતરફથી આર્થિક દબાણ વધારવું જોઈએ, જેથી મજબૂરીમાં પણ તેણે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' જળમાર્ગને ફરીથી ખુલ્લો કરવો પડે. આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે બંને દેશો વચ્ચે તણાવ ખૂબ વધી ગયો છે અને આ મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગ બંધ થવાની આશંકાથી આખી દુનિયા ચિંતામાં મુકાઈ ગઈ છે.
ટ્રમ્પ વહીવટીતંત્રમાં પેન્ટાગોનના વડા રહી ચૂકેલા માર્ક એસ્પરે સુરક્ષા નિષ્ણાતો સાથે વાતચીત કરતા સાફ કહ્યું કે, 'માત્ર બોમ્બમારો વધારવાથી ઈરાનની વ્યૂહનીતિ બદલાશે નહીં. ઈરાન આ મહત્ત્વપૂર્ણ જળમાર્ગ પર પોતાનું નિયંત્રણ રાખવા માંગે છે અને તે માત્ર હવાઈ હુમલાથી પોતાનું વલણ બદલશે નહીં. જો આપણે થોડા મહિના પહેલાની જેમ બોમ્બમારો તેજ કરીએ અને તેને લાંબા સમય સુધી ચાલુ રાખીએ, તો પણ કોઈ મોટો બદલાવ આવવાની આશા નથી.'
અમેરિકા પાસે હવે બે જ રસ્તા: કાં તો પૂર્ણ સૈન્ય હુમલો અથવા આર્થિક ઘેરાબંધી
માર્ક એસ્પરે વર્તમાન અમેરિકન વહીવટીતંત્ર સામે બે જ વિકલ્પો મૂક્યા છે. પહેલો વિકલ્પ પૂર્ણ સૈન્ય હુમલો છે અને બીજો વિકલ્પ ઈરાનને આર્થિક રીતે એટલું નબળું પાડવાનો છે કે તેણે મજબૂરીમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલવું પડે. જોકે, આર્થિક દબાણ લાવવા માટે સમય, ધીરજ અને આંતરરાષ્ટ્રીય સહયોગ ખૂબ જરૂરી છે. માત્ર પ્રતિબંધો લાદવાથી કામ નહીં ચાલે, તેને કડકાઈથી લાગુ કરવા પડશે.
દુનિયા પર મોંઘવારીનો ખતરો: ક્રૂડ ઓઇલની કિંમત $100ને પાર થવાની આશંકા
આ વિવાદના કારણે સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા પ્રભાવિત થઈ રહી છે. દુનિયાનું આશરે 20% ઓઇલ સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી પસાર થાય છે, પરંતુ સંઘર્ષ શરૂ થયા પછી અહીંથી ઓઇલની અવર-જવર ખૂબ જ ઘટી ગઈ છે. જુલાઈની શરૂઆતથી અત્યાર સુધીમાં બ્રન્ટ ક્રૂડ ઓઇલની કિંમત 16% વધીને બેરલ દીઠ આશરે 85 ડોલર પર પહોંચી ગઈ છે. જો આ જળમાર્ગ લાંબો સમય બંધ રહ્યો, તો ક્રૂડ ઓઇલના ભાવ 100 ડોલરથી ઉપર જઈ શકે છે, જેનાથી દુનિયામાં મોંઘવારીની નવી લહેર આવશે. ખુદ અમેરિકામાં પણ ક્રૂડ ઓઇલનો ભંડાર 1984 પછીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે.
માત્ર હવાઈ હુમલા કરવાથી અમેરિકાનું શસ્ત્ર ભંડાર ખાલી, ચીનનો મોટો ડર
સતત થઈ રહેલા હવાઈ હુમલાના કારણે અમેરિકાની પોતાની સૈન્ય સજ્જતા પર પણ અસર પડી રહી છે. પેન્ટાગોને અત્યાર સુધીમાં અબજો ડોલરનો ધુમાડો કરી નાખ્યો છે અને તેનો શસ્ત્ર ભંડાર ઘણો ઓછો થઈ ગયો છે. માર્ક એસ્પરે ચિંતા વ્યક્ત કરી કે આનાથી અમેરિકાની વૈશ્વિક સૈન્ય ક્ષમતા નબળી પડી રહી છે. તેમનો સૌથી મોટો ડર ચીન છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે, જો આપણા ગોળા-બારૂદ અને સ્ટોકની સ્થિતિ ખરાબ થઈ રહી છે, તો આપણે વૈશ્વિક સ્તરે ચીનનો સામનો કેવી રીતે કરીશું?
ઈરાન સામે સફળ થવા માટે પૂર્વ અધિકારીઓએ આપી નવી વ્યૂહનીતિ
એસ્પરના જણાવ્યા અનુસાર, ઈરાન સામેની સફળ વ્યૂહનીતિના બે મુખ્ય માપદંડ હોવા જોઈએ:
- સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ટ્રેડ ટ્રાન્સપોર્ટેશન સંપૂર્ણપણે મુક્ત થવું જોઈએ.
- ઈરાન સાથે એક મજબૂત પરમાણુ કરાર થવો જોઈએ, જે ઓબામાના સમયના કરાર કરતાં પણ વધુ સખત હોય.
અમેરિકાના અન્ય કેટલાક પૂર્વ અધિકારીઓ પણ આર્થિક દબાણની વ્યૂહનીતિને વધુ યોગ્ય માની રહ્યા છે. પૂર્વ વિદેશ મંત્રી કોંડોલિઝા રાઈસે પણ જણાવ્યું છે કે, હાલ તુરંત કોઈ પરમાણુ કરાર કરવાને બદલે ઈરાનને આર્થિક રીતે વધુ નુકસાન પહોંચાડવું જોઈએ. એકંદરે પૂર્વ સંરક્ષણ મંત્રીની આ ચેતવણી સાફ સંકેત આપે છે કે લાંબા સમય સુધી હવાઈ હુમલા ચાલુ રાખવાથી અમેરિકા પોતાના લક્ષ્યો હાંસલ કરી શકશે નહીં, ઉલટાનું તેની પોતાની આર્થિક અને સૈન્ય શક્તિ નબળી પડી જશે.







