Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 'Don't call minor victims to court repeatedly', High Court slams trial court

'પીડિત સગીરાઓને વારંવાર કોર્ટમાં ના બોલાવો', ટ્રાયલ કોર્ટને હાઈકોર્ટે કરી ટકોર

Timeછેલ્લું અપડેટ : 16 Mar 2026
લાઇવ ટીવીGoogle News
'પીડિત સગીરાઓને વારંવાર કોર્ટમાં ના બોલાવો', ટ્રાયલ કોર્ટને હાઈકોર્ટે કરી ટકોર
સોર્સ : GOOGLE

દિલ્હી હાઈકોર્ટે પોક્સો કેસના પીડિતોને વારંવાર કોર્ટમાં હાજર રહેવા માટે સમન્સ મોકલવામાં નીચલી અદાલતોના વલણ પર ચિંતા વ્યક્ત કરી છે અને તેમને ફટકાર લગાવી છે. હાઈકોર્ટના જજ સ્વર્ણ કાંત શર્માની કોર્ટે નિર્દેશ આપ્યો છે કે, ટ્રાયલ અથવા જામીનની સુનાવણી દરમિયાન પીડિત સગીર બાળકીઓને વારંવાર કોર્ટમાં બોલાવવું યોગ્ય નથી. આમ કરવાથી બાળકોને માનસિક વેદના અને ફરીથી ટ્રોમાનો સામનો કરવો પડી શકે છે. આ કેસ 2022ના યૌન શોષણના કેસ સાથે સંબંધિત છે, જેમાં સગીર પીડિતાને ટ્રાયલ દરમિયાન 9 વખત કોર્ટમાં હાજર થવું પડ્યું હતું. એટલું જ નહીં, હાજર ન રહેવા બદલ જામીનપાત્ર વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું.

App Store

બાર એન્ડ બેન્ચના એક અહેવાલ પ્રમાણે જસ્ટિસ સ્વર્ણ કાંત શર્માની કોર્ટે કહ્યું કે, 'પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ હેઠળ કોર્ટે ચાઈલ્ડ ફ્રેન્ડલી પ્રક્રિયા અપનાવવી જોઈએ, જેથી પીડિત બાળકીઓને વારંવાર અથવા બિનજરૂરી રીતે કોર્ટમાં હાજર ન રહેવું પડે. જો શક્ય હોય તો બાળકોના નિવેદનો રેકોર્ડ કરવા માટે વિડીયો કોન્ફરન્સિંગનો ઉપયોગ કરવામાં આવે, જેથી તેમને કોર્ટમાં આવવાની જરૂરિયાત ઓછી પડે.'

કોર્ટે પોતાના આદેશમાં આગળ કહ્યું કે, પીડિતાને જામીન અરજીઓની સુનાવણી દરમિયાન પોતાની વાત રજૂ કરવાનો અધિકાર છે, પરંતુ જો એકવાર પીડિતાના વાંધા કે જામીન પરના મંતવ્યો નોંધાઈ જાય, તો દરેક સુનાવણીમાં તેમની શારીરિક કે વર્ચ્યુઅલ ઉપસ્થિતિ પર ભાર મૂકવો યોગ્ય નથી. 

2022નો યૌન શોષણનો મામલો

આ ટિપ્પણી હાઈકોર્ટે 2022માં દાખલ કરાયેલા એક યૌન શોષણના કેસની ત્રણ સગીર પીડિતાઓની અરજી પર સુનાવણી કરતા કરી હતી. અરજી પ્રમાણે ત્રણેય છોકરીઓ ગુમ થઈ ગઈ હતી અને બાદમાં દિલ્હીમાં મળી આવી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે, તેમને ઘણા આરોપીઓ દ્વારા બે દિવસ સુધી બંધક બનાવીને તેમનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું અને ધમકી આપવામાં આવી હતી. આ કેસમાં દુષ્કર્મ, માનવ તસ્કરી અને પોક્સો એક્ટ (POCSO) હેઠળ પણ આરોપો જોડવામાં આવ્યા હતા.

જુબાની માટે વારંવાર કોર્ટમાં બોલાવવાથી માનસિક તણાવ વધે

અરજદારોએ કોર્ટને જણાવ્યું કે, ટ્રાયલ દરમિયાન અમને જુબાની આપવા માટે વારંવાર બોલાવવાના કારણે અમારે માનસિક તણાવનો સામનો કરવો પડે છે. એક પીડિતાને તેની જુબાની પૂર્ણ થાય તે પહેલાં 9 વખત કોર્ટમાં બોલાવવામાં આવી હતી, જ્યારે અન્ય બેને પણ ઘણી વખત હાજર રહેવાની જરૂર પડી હતી. ટ્રાયલ કોર્ટે સગીર પીડિતોમાંથી એક સામે કોર્ટમાં હાજર ન રહેવા બદલ જામીનપાત્ર વોરંટ પણ જારી કર્યું હતું. બાદમાં હાઈકોર્ટે તે વોરંટ રદ કરી દીધું. 

ટ્રાયલ કોર્ટનો આદેશ

હાઈકોર્ટે કહ્યું કે, 'સગીર પીડિતોના હિતમાં પહેલાથી જ ઘણી ગાઈડલાઈન જારી કરવામાં આવી છે. તેથી, ટ્રાયલ કોર્ટ અને સ્પેશિયલ કોર્ટે આ ગાઈડલાઈનને એકસમાન અને સખ્તીથી લાગુ કરવી જોઈએ જેથી ન્યાયિક પ્રક્રિયા દરમિયાન બાળકીઓને બિનજરૂરી માનસિક યાતનાનો સામનો ન કરવો પડે.'