દિલ્હીમાં પ્રદર્શનોને કારણે ₹2,000 કરોડનું મોટું નુકસાન! આંદોલનકારીઓ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ

દિલ્હીમાં પ્રદર્શનોને કારણે ₹2,000 કરોડનું મોટું નુકસાન! આંદોલનકારીઓ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

દેશની રાજધાની દિલ્હીમાં ચાલતા વિવિધ વિરોધ પ્રદર્શનોને લઈને સુપ્રીમ કોર્ટે અત્યંત મહત્ત્વનું અવલોકન કર્યું છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે પ્રદર્શનકારીઓ કોઈ ચોક્કસ સ્થળ પર કાયમ કે અનિશ્ચિતકાળ માટે કબજો જમાવીને બેસી શકે નહીં. આવા સ્થળો પર વિરોધ માટે ચોક્કસ સમયમર્યાદા હોવી જોઈએ જેથી અન્ય જૂથો પણ પોતાની વાત રજૂ કરી શકે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં થયેલા વિરોધ પ્રદર્શનો સંબંધિત અરજીઓની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા (CJI) સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી. મોહનાની ખંડપીઠે આ મહત્ત્વની ટિપ્પણી કરી હતી.

"ખેડૂતો અને મજૂરો ક્યાં જશે? સૌને વિરોધનો અધિકાર છે": CJI

જાહેરાત

સુનાવણી દરમિયાન CJI સૂર્યકાંતે જણાવ્યું હતું કે, “તમે કોઈ જગ્યા પર હંમેશ માટે કબજો જમાવી ન રાખી શકો. અન્ય પ્રદર્શનકારીઓ પણ છે; ખેડૂતો ક્યાં જશે? મજૂરો અને ટ્રેડ યુનિયનો ક્યાં જશે? વિરોધ કરવાનો અધિકાર દરેક વર્ગને છે. તમે ફક્ત એટલા માટે બીજાને બહાર ન રાખી શકો કે તે જગ્યા પર તમારો કબજો છે. પ્રદર્શન માટે ચોક્કસ સમયમર્યાદા નક્કી હોવી જોઈએ.”

સંસદ કે સુપ્રીમ કોર્ટ તરફ કૂચ કરવાની પરવાનગી ન મળી શકે: સોલિસિટર જનરલ

કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અદાલતનું ધ્યાન દોરતાં જણાવ્યું કે, જુલાઈ મહિનામાં વિરોધ પ્રદર્શન માટે માત્ર ૧ દિવસની મંજૂરી આપવામાં આવી હતી, છતાં પ્રદર્શનકારીઓ ૧૭ દિવસ સુધી ત્યાં જ ડટેલા રહ્યા હતા. તેમણે દલીલ કરી કે, “વિના પરવાનગીએ સંસદ તરફ કૂચ શરૂ કરી દેવાઈ હતી. સંસદ દેશની સાર્વભૌમત્વનું પ્રતીક છે અને ત્યાં સુધી જવાની મંજૂરી આપી શકાય નહીં. તેવી જ રીતે સુપ્રીમ કોર્ટમાં આવીને અડિંગો જમાવવાની મંજૂરી પણ ન આપી શકાય.”

પ્રદર્શનોના કારણે ₹૨,૦૦૦ કરોડનું આર્થિક નુકસાન

વેપારીઓ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ અદાલતમાં રજૂઆત કરી હતી કે આવા સતત વિરોધ પ્રદર્શનોને કારણે વેપારીઓને ₹૨,૦૦૦ કરોડથી વધુનું જંગી મહેસૂલી નુકસાન વેઠવું પડ્યું છે. તેમણે નિર્દેશ કર્યો કે રામલીલા મેદાન અને કનોટ પ્લેસની આસપાસ લાખો લોકો વસે છે અને મોટા જથ્થાબંધ બજારો આવેલા છે. તેથી સરકારે માત્ર જંતર-મંતર પૂરતું નહીં, પરંતુ દિલ્હી સહિત અન્ય રાજ્યોની રાજધાનીઓ માટે પણ વિરોધ પ્રદર્શન સંદર્ભે કોઈ નક્કર નીતિ કે યોજના બનાવવી જોઈએ.

આ સમાચાર શેર કરો

જાહેરાત