બેંગલુરુમાં 13 નવેમ્બરે પિંક મેટ્રો લાઇનનું ઉદ્ઘાટન કરશે PM મોદી, 6 સ્ટેશનથી મુસાફરી બનશે સરળ

કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં મેટ્રો મુસાફરો માટે સારા સમાચાર સામે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 13 નવેમ્બરે નમ્મા મેટ્રોની પિંક લાઇન (Pink Line Metro)ના એલિવેટેડ વિભાગનું ઉદ્ઘાટન કરે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ અંગે બેંગલુરુ દક્ષિણના સાંસદ તેજસ્વી સૂર્યાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર માહિતી આપી છે. આ નવા મેટ્રો માર્ગથી શહેરના દક્ષિણ ભાગમાં રહેતા મુસાફરોને મોટી રાહત મળવાની આશા છે.
7.5 કિલોમીટરનો માર્ગ, છ સ્ટેશનનો લાભ
પિંક લાઇનનો પ્રથમ તબક્કો 7.5 કિલોમીટર લાંબો છે. તે કાલેના અગ્રહારાથી તાવરેકેરે સુધીનો વિસ્તાર જોડશે. આ માર્ગ પર કુલ છ સ્ટેશન છે, જેમાં કાલેના અગ્રહારા, હુલિમાવુ, IIM બેંગલુરુ, જે.પી. નગર ચોથો તબક્કો, જયદેવ હોસ્પિટલ અને તાવરેકેરેનો સમાવેશ થાય છે. આ માર્ગ શરૂ થવાથી ખાસ કરીને બન્નેરઘટ્ટા રોડ અને તેની આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને મુસાફરી માટે વધુ સુવિધાજનક વિકલ્પ મળશે. મેટ્રો સેવા શરૂ થવાથી રસ્તાઓ પર ખાનગી વાહનોનું ભારણ ઘટવાની અને ટ્રાફિકની સમસ્યામાં રાહત મળવાની શક્યતા છે.
મેટ્રો નેટવર્ક 100 કિલોમીટરને પાર કરશે
હાલ બેંગલુરુનું કાર્યરત મેટ્રો નેટવર્ક આશરે 96.1 કિલોમીટરનું છે. પિંક લાઇનના આ વિભાગની શરૂઆત બાદ તે વધીને 103.6 કિલોમીટર થશે. આ સાથે શહેરનું મેટ્રો નેટવર્ક 100 કિલોમીટરનો આંકડો પાર કરશે. પિંક લાઇનનો સંપૂર્ણ કોરિડોર (Metro Corridor) આશરે 21.3 કિલોમીટર લાંબો છે, જે દક્ષિણ બેંગલુરુના કાલેના અગ્રહારાથી ઉત્તર ભાગના નાગવારાને જોડશે. તેમાં એલિવેટેડ અને ભૂગર્ભ (Underground) બંને પ્રકારના માર્ગનો સમાવેશ થાય છે.
સુરક્ષા મંજૂરી બાદ શરૂ થશે સેવા
મેટ્રો રેલવે સુરક્ષા કમિશનર (CMRS) દ્વારા 28 ઓક્ટોબરે આ એલિવેટેડ વિભાગને મુસાફરો માટે જરૂરી સુરક્ષા મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ ઉદ્ઘાટન માટેની તૈયારીઓ આગળ વધી છે. રેલવે અને મેટ્રો તંત્રની સુરક્ષા પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ માર્ગ પર નિયમિત મુસાફર સેવા શરૂ થવાની અપેક્ષા છે.
પિંક લાઇનનો બાકીનો ભાગ ક્યારે શરૂ થશે?
પિંક લાઇનનો બાકીનો ભૂગર્ભ વિભાગ ડેરી સર્કલથી નાગવારા સુધીનો છે. આ ભાગમાં કામ પૂર્ણ થયા બાદ સમગ્ર કોરિડોર કાર્યરત બનશે. અહેવાલો મુજબ, ભૂગર્ભ વિભાગને 2027માં શરૂ કરવાનો લક્ષ્યાંક છે. સંપૂર્ણ માર્ગ શરૂ થતાં બેંગલુરુના દક્ષિણ, મધ્ય અને ઉત્તર વિસ્તારો વચ્ચેની કનેક્ટિવિટી (Connectivity) વધુ મજબૂત બનશે.








