I.N.D.I.A એલાયન્સમાં અણબનાવ, મમતાને સુકાન સોંપવામાં વધ્યો અસંતોષ
હરિયાણા અને મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજય પછી ઈન્ડિયા ગઠબંધન

હરિયાણા અને મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજય પછી ઈન્ડિયા ગઠબંધનનું નેતૃત્વ કરવાની તેની ક્ષમતા પર સવાલો ઊઠવા લાગ્યા છે. તૃણમૂલ કોંગ્રેસે ઈન્ડિયા ગઠબંધનના સંચાલન અંગે અસંતોષ વ્યક્ત કરતાં મમતા બેનરજીને ગઠબંધનનું નેતૃત્વ સોંપવા માગ કરી છે. આ માગ મુદ્દે ગઠબંધનમાં તડાં પડી ગયા છે. સમાજવાદી પક્ષે મમતા બેનરજીનું સમર્થન કર્યું છે જ્યારે કોંગ્રેસે આ માગ ફગાવી દીધી છે. બીજીબાજુ રાજદે દાવો કર્યો છે કે લાલુ યાદવ ઈન્ડિયા ગઠબંધનના શિલ્પકાર હતા.
હરિયાણા અને મહારાષ્ટ્રમાં કોંગ્રેસના કારમા પરાજય પછી દેશમાં ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિજય રથને રોકવા માટે બનેલા ઈન્ડિયા ગઠબંધનમાં નેતૃત્વ મુદ્દે તડાં સર્જાયાં છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સહિત મહાવિકાસ આઘાડીને વિપક્ષના નેતા બનવા જેટલી પણ બેઠકો મળી નથી ત્યારે હવે પીએમ મોદી અને ભાજપનો સામનો કરવા માટે ઈન્ડિયા ગઠબંધનનું નેતૃત્વ કરવા તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનરજીએ તૈયારી દર્શાવી છે.
હું બધા જ રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષોના સંપર્કમાં છું: મમતા
મમતા બેનરજીએ એક મુલાકાતમાં જણાવ્યું કે, પોતે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ઈન્ડિયા ગઠબંધનના નેતા તરીકેની બેવડી જવાબદારી સંભાળવા તૈયાર છે. મમતા બેનરજીએ જણાવ્યું હતું કે, મેં ઈન્ડિયા બ્લોકની રચના કરી હતી. જોકે, અત્યારે જે લોકો ઈન્ડિયાનું નેતૃત્વ કરી રહ્યા છે તેઓ તેને બરાબર રીતે ચલાવી શકતા નથી. તેઓ મને પસંદ નથી કરતા, પરંતુ હું બધા જ રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષોના સંપર્કમાં છું અને તેમની બધાની સાથે સારા સંબંધો બનાવીને ચાલું છું.
તેમણે ઉમેર્યું કે, ઈન્ડિયા ગઠબંધનના નેતૃત્વની જવાબદારી મળશે તો તેના માટે હું તૈયાર છું. હું બંગાળમાંથી જ તે ચલાવી શકું છું.
ગઠબંધનનું નેતૃત્વ સામૂહિક સહમતિથી નિશ્ચિત થવું જોઈએ: કોંગ્રેસ
મમતા બેનરજીના આ નિવેદન પછી ઈન્ડિયા ગઠબંધનમાં વિરોધી મતો જોવા મળ્યા છે. ગઠબંધનના મુખ્ય પક્ષ કોંગ્રેસે મમતા બેનરજીના દાવા પર અસહમતી વ્યક્ત કરી છે. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું કે, ગઠબંધનનું નેતૃત્વ સામૂહિક સહમતિથી નિશ્ચિત થવું જોઈએ. કોઈ એક તરફી જાહેરાતથી નહીં. કોંગ્રેસ સાંસદ વર્ષા ગાયકવાડે કહ્યું કે, મમતા બેનરજીને એવું લાગી શકે છે, પરંતુ અમને એવું નથી લાગતું. તેમના કહેવાથી તેમનો પક્ષ ચાલે છે. અમે તો કોંગ્રેસના કહેવાથી ચાલીએ છીએ. કોંગ્રેસના અન્ય એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, રાહુલ ગાંધી સિવાય કોઈપણ નેતા ઈન્ડિયા ગઠબંધનનું નેતૃત્વ કરવા માટે સક્ષમ નથી.
કોંગ્રેસે આત્મચિંતન કરવાની જરૂર : ડાબેરી નેતા ડી. રાજા
તૃણમૂલ પછી ડાબેરી પક્ષોએ પણ કોંગ્રેસ સામે સવાલ ઉઠાવ્યો છે. ડાબેરી નેતા ડી. રાજાએ કહ્યું, કોંગ્રેસે આત્મચિંતન કરવાની જરૂર છે. વર્તમાન પરિસ્થિતિ ઈન્ડિયા બ્લોકની બેઠકની માગ કરે છે. કોંગ્રેસે ઈન્ડિયા ગઠબંધનના સાથીઓની વાત સાંભળી હોત તો લોકસભા અને હરિયાણા-મહારાષ્ટ્રના પરિણામ અલગ હોત. સપા પ્રવક્તા ઉદયવીર સિંહે કહ્યું કે, મમતાજીએ કોઈ ઈચ્છા જાહેર કરી હોય તો ઈન્ડિયા બ્લોકના નેતાઓએ તેના પર વિચાર કરવો જોઈએ. તેનાથી ગઠબંધન મજબૂત થશે. મમતાજીએ ભાજપને બંગાળમાં રોકવાનું કામ કર્યું હતું. તેમને અમારા પક્ષનું ૧૦૦ ટકા સમર્થન છે. શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે પણ કહ્યું કે, અમને મમતા બેનરજીનું મંતવ્ય ખબર છે. અમારી વચ્ચે કોઈ મતભેદ નથી. કોઈ હશે તો અમે કોલકાતા જઈને ઉકેલ લાવી દઈશુ.
ગઠબંધનના અસલી આર્કિટેક્ટ લાલુ પ્રસાદ યાદવ: રાજદ પ્રવક્તા
દરમિયાન રાજદ પ્રવક્તા મૃત્યુંજય તિવારીએ કહ્યું કે, ભાજપ વિરુદ્ધ વિપક્ષના ગઠબંધનના અસલી આર્કિટેક્ટ લાલુ પ્રસાદ યાદવ છે. તેમની પહેલ પર જ પટનામાં ઈન્ડિયા ગઠબંધનની પહેલી બેઠક થઈ હતી. આ બેઠકમાં મમતા બેનરજી પણ જોડાયાં હતાં. બધા પોત-પોતાના રાજ્યોમાં ભાજપ વિરુદ્ધ લડાઈ લડી રહ્યા છે. ભાજપ વિરુદ્ધ અમારું ગઠબંધન સંપૂર્ણપણે એક છે.








