Video: ચોથા માળેથી પડ્યો છતાં હેમખેમ બચ્યો 6 વર્ષનો બાળક, સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ વાયરલ

ઉત્તર પ્રદેશના નોઈડા સ્થિત સેક્ટર-82 ના ગ્રીન વ્યૂ એપાર્ટમેન્ટમાંથી એક અત્યંત ચોંકાવનારો અને ચમત્કાર જેવો કિસ્સો સામે આવ્યો છે. અહીં 6 વર્ષનો એક માસૂમ બાળક ચોથા માળની બાલ્કનીમાંથી નીચે પડી ગયો, પરંતુ નસીબ એવું રહ્યું કે સીધો જમીન પર પડવાને બદલે તે બીજા માળ પર બનેલા એક ફ્લેટની સિમેન્ટની છત પર પડ્યો અને પછી નીચે આવ્યો. આશ્ચર્યની વાત એ રહી કે આટલી ઊંચાઈએથી પડ્યાના થોડા જ સમયમાં બાળક જાતે ઊભું થઈને બેસવાનો પ્રયાસ કરવા લાગ્યું. આ સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.
માહિતી અનુસાર, આ દુર્ઘટના શુક્રવારે સાંજે લગભગ 6:00 વાગ્યે બની હતી, જ્યારે ફ્લેટ નંબર 40 ની બાલ્કનીમાંથી 6 વર્ષીય બાળક નીચે પડી ગયું. ઘટના સમયે ત્યાં પહોંચેલા લોકોની નજર જ્યારે બાળક પર પડી ત્યારે સૌ ગભરાઈ ગયા, પરંતુ તરત જ તેને જાતે બેઠો જોઈને સૌએ રાહતનો શ્વાસ લીધો.
દાદી સાથે રહે છે માસૂમ
જણાવવામાં આવ્યું છે કે બાળક પોતાની માતાથી અલગ દાદી સાથે રહે છે, જ્યારે તેના પિતા નોકરી અર્થે વિદેશમાં રહે છે. દુર્ઘટના સમયે દાદી કોઈ કામસર બજારમાં ગયેલાં હતાં. આ દરમિયાન બાળક બાલ્કનીમાં પહોંચ્યું અને સંતુલન ગુમાવતા નીચે પડી ગયું.
ડૉક્ટરોની તપાસમાં સંપૂર્ણપણે સ્વસ્થ મળ્યું બાળક
દુર્ઘટના બાદ પરિવારજનો અને સ્થાનિક લોકોએ બાળકની ડૉક્ટરો પાસે તપાસ કરાવી. રાહતની વાત એ રહી કે મેડિકલ તપાસમાં બાળક સંપૂર્ણપણે સ્વસ્થ મળ્યું અને તેને કોઈ ગંભીર ઈજા થઈ નથી. ચોથા માળ પરથી પડવા છતાં બાળક સુરક્ષિત બચી જવું એ પરિવારજનો માટે રાહતની વાત છે. આ સાથે જ આ ઘટનાએ ઊંચી ઈમારતોમાં રહેતા પરિવારોને બાલ્કની અને બારીઓની આસપાસ બાળકોની સુરક્ષા પ્રત્યે સતર્ક રહેવાની ગંભીર ચેતવણી પણ આપી છે.













