મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

હરિયાણા ચૂંટણી: અચાનક નાની પાર્ટીના ધારાસભ્યોની ડિમાન્ડ વધી, જાણો શું છે કારણ?

હરિયાણામાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ-કોંગ્રેસ સિવાયની નાની સ્થાનિક પાર્ટીના ધારાસભ્યોની ડિમાન્ડ વધી ગઇ

હરિયાણા ચૂંટણી: અચાનક નાની પાર્ટીના ધારાસભ્યોની ડિમાન્ડ વધી, જાણો શું છે કારણ?

હરિયાણામાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ-કોંગ્રેસ સિવાયની નાની સ્થાનિક પાર્ટીના ધારાસભ્યોની ડિમાન્ડ વધી ગઇ છે. સિરસાથી એચએલપીના ધારાસભ્ય ગોપાલ કાંડાની પાર્ટી સાથે ભાજપે ગઠબંધન કર્યું છે. હવે દુષ્યંત ચૌટાલાની પાર્ટી JJPના 3 ધારાસભ્યોના સ્વાગત માટે કોંગ્રેસ પણ તૈયાર છે. આ ધારાસભ્યોએ ચૂંટણીની જાહેરાત બાદ પાર્ટી છોડી દીધી છે.

કહેવામાં આવે છે કે આ 3 ધારાસભ્યોને કોંગ્રેસ પાર્ટીમાં સામેલ કરી શકે છે. હરિયાણામાં 1 ઓક્ટોબરે વિધાનસભાની 90 બેઠક પર મતદાન યોજાશે.

ગોપાલ કાંડા સાથે ભાજપે ગઠબંધન કર્યું

સિરસાના એચએલપીના ધારાસભ્ય ગોપાલ કાંડા સાથે સત્તા પર રહેલી ભારતીય જનતા પાર્ટી (BJP)એ સમજૂતિ કરી છે. ગોપાલ કાંડા ભૂપિન્દર સિંહની સરકારમાં મંત્રી રહી ચુક્યા છે. 2019માં જ્યારે ભાજપને પૂર્ણ બહુમત મળ્યું નહતું તો ગોપાલ કાંડાએ ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી હતી.

ગોપાલ કાંડા સિરસાના રાજકારણમાં મજબૂત નેતા ગણાય છે. સિરસા લોકસભામાં વિધાનસભાની 9 બેઠક છે જેમાંથી 2019માં ભાજપને માત્ર 2 બેઠક પર જીત મળપી હતી. તાજેતરમાં લોકસભા ચૂંટણીમાં ભાજપ અહીં કોઇ પણ બેઠક પર લીડ મેળવી શકી નહતી.

3 ધારાસભ્યોના સ્વાગત માટે કોંગ્રેસ તૈયાર

જનનાયક જનતા પાર્ટી (JJP)ને 2019માં 10 બેઠક પર જીત મળી હતી. હરિયાણામાં ચૂંટણીની જાહેરાત થતા જ પાર્ટીના 10માંથી 4 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધુ છે. જે ધારાસભ્યોએ રાજીનામું આપ્યું છે તેમાં દેવેન્દ્ર બબલી, અનૂપ ધાનક, રામકરણ કાલા અને ઈશ્વર સિંહે રાજીનામું આપ્યું છે.

કહેવામાં આવે છે કે અનૂપ ધાનક ભાજપમાં અને દેવેન્દ્ર બબલી, રામકરણ કાલા અને ઈશ્વર સિંહ કોંગ્રેસમાં સામેલ થઇ શકે છે. ઈશ્વર સિંહ અને રામકરણ કાલાના પુત્ર પહેલા જ કોંગ્રેસમાં સામેલ થઇ ચુક્યા છે જ્યારે દેવેન્દ્ર બબલીએ લોકસભા ચૂંટણીમાં ખુલીને કુમારી શૈલજાનું સમર્થન કર્યું હતું.

2019માં ઈશ્વર સિંહે કૈથલની ગુહલા બેઠક પરથી જીત મેળવી હતી. આ બેઠક પર કોંગ્રેસને છેલ્લે 2005માં જીત મળી હતી. ગત ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર 5 હજારથી વધુ મતથી હારી ગયા હતા. 

અચાનક કેમ વધી ધારાસભ્યોની ડિમાન્ડ?

તાજેતરમાં લોકસભા ચૂંટણી યોજાઇ છે જેમાં 10માંથી 5 બેઠક પર કોંગ્રેસ અને 5 બેઠક પર ભાજપને જીત મળી છે. વિધાનસભા વાઇઝ જોવામાં આવે તો કોંગ્રેસને 42 અને ભાજપને 44 બેઠક પર લીડ મળી છે. 90 બેઠક ધરાવતા હરિયાણામાં બહુમત માટે કોઇ પણ પક્ષને 46 બેઠક પર જીતવું જરૂરી છે.

2019ની ચૂંટણીમાં ભાજપને 40 બેઠક પર જીત મળી હતી જે બાદ તેને પોસ્ટ પોલ અલાયન્સ કરવું પડ્યું હતું. આ પરિસ્થિતિથી બચવા માટે પાર્ટી મજબૂત ધારાસભ્યોને પોતાના પક્ષમાં સામેલ કરવા માટે મહેનત કરી રહી છે.

આ સમાચાર શેર કરો