મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: દિલ્હી: માયાપુરી ઔદ્યોગિક વિસ્તારની ફેક્ટરીમાં ભીષણ આગ, 15 કલાક બાદ પણ ફાયર ફાઇટિંગ ચાલુ; 35થી વધુ ફાયર ટેન્ડર તૈનાત

સોર્સ: gstv

પશ્ચિમ દિલ્હીના માયાપુરી ફેઝ-2 ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગ પર 15 કલાકથી વધુ સમય વીતી જવા છતાં હજુ સુધી સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો નથી. આગની તીવ્રતાને જોતાં ગઈકાલ રાતથી અત્યાર સુધીમાં ફાયર બ્રિગેડની 35થી વધુ ગાડીઓ (ફાયર ટેન્ડર) ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવી છે અને આગ ઓલવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

આસપાસની બે ફેક્ટરીઓ પણ લપેટમાં આવી

ફેક્ટરીમાં આગ એટલી વિકરાળ હતી કે તેની જ્વાળાઓએ જોતજોતામાં નજીકમાં આવેલી અન્ય બે ફેક્ટરીઓને પણ પોતાની ચપેટમાં લઈ લીધી હતી. આજુબાજુની ઇમારતોને વધુ નુકસાન ન થાય તે માટે ફાયર વિભાગની ટીમોએ તુરંત જ ચારેય તરફથી પાણીનો મારો ચલાવી આગને આગળ ફેલાતી અટકાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

ધૂમાડાના ગોટેગોટા વચ્ચે કૂલિંગ ઓપરેશન શરૂ

પ્રાથમિક ફાયર ફાઇટિંગ બાદ આગની જ્વાળાઓ પર અમુક અંશે નિયંત્રણ મેળવી લેવાયું છે, પરંતુ ફેક્ટરી પરિસરમાંથી હજુ પણ ભારે માત્રામાં ધૂમાડાના કાળા ગોટેગોટા નીકળી રહ્યા છે. કાટમાળ નીચે છુપાયેલા તણખા ફરીથી આગ ન પકડે તે માટે ફાયર બ્રિગેડ દ્વારા કૂલિંગ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.

આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તે અંગે વહીવટી તંત્ર દ્વારા વિગતો મેળવવામાં આવી રહી છે, જ્યારે આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફેક્ટરીમાં મોટા પાયે આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે.

આ સમાચાર શેર કરો