મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

રાહુલ ગાંધીના આ નિર્ણયથી 55 વર્ષમાં ત્રીજી વખત યુપી બનાવશે આ ઈતિહાસ!

લોકસભા ચૂંટણી 2024 સંપન્ન થયા બાદ હવે એનડીએ દ્વારા પોતાના ગઠબંધનના નેતા પ

રાહુલ ગાંધીના આ નિર્ણયથી 55 વર્ષમાં ત્રીજી વખત યુપી બનાવશે આ ઈતિહાસ!

લોકસભા ચૂંટણી 2024 સંપન્ન થયા બાદ હવે એનડીએ દ્વારા પોતાના ગઠબંધનના નેતા પસંદ કરી લેવામાં આવ્યા છે. એનડીએ દ્વારા સર્વસંમતિથી યુપી સ્થિત વારાસણીના સાંસદ નરેન્દ્ર મોદીને પોતાના નેતા અને પ્રધાનમંત્રી પદ માટે પસંદગી ઉતારી છે. જ્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા પોતાના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તો કોંગ્રેસની વર્કિંગ કોર કમિટિ બેઠકમાં રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા તરીકેની જવાબદારી સંભાળી લે તેવો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધીને આ નવી જવાબદારી સંભાળવા માટે આગ્રહ કરાયો છે. જો આવું થશે તો રાહુલ ગાંધી પોતાના પિતા પૂર્વ પીએમ રાજીવ ગાંધી અને માતા કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના નકશેકદમ પર ચાલતા જોવા મળશે.

વર્ષ 1952થી આજ સુધીમાં અત્યાર સુધી બે વખત એવી ઘટના બની છે જ્યારે દેશના વડાપ્રધાન અને લોકસભામાં વિપક્ષના નેતા એક જ રાજ્યમાંથી હોય. વર્ષ 1969 સુધી લોકસભામાં વિપક્ષના નેતાઓ અધિકારીક દરજ્જો આપવામાં નહોતો આવતો. 

દેશના પીએમ અને વિપક્ષ નેતા એક જ રાજ્યના હોય તેવી ઘટના વર્ષ 1989માં પ્રથમ વખત બની. 1989માં વી.પી. સિંહ દેશના 7મા વડાપ્રધાન બન્યા હતા. જનતાદળની વી.પી. સિંહ સરકારને બીજેપી અને સીપીઆઈ(એમ)  દ્વારા બહારથી ટેકો આપવામાં આવ્યો હતો. એ સમયે 197 સીટો સાથે કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી હતી પરંતુ તત્કાલીન કોંગ્રેસ નેતા રાજીવ ગાંધીએ વિપક્ષમાં રહેવાનો નિર્ણય લીધો હતો. રાજીવ ગાંધી 18-121989થી 23-12-1990 સુધી વિપક્ષના નેતા તરીકે રહ્યા. વી.પી. સિંહ યુપીના ફતેહપુરના સાંસદ હતા. રાજીવ ગાંધી અમેઠી લોકસભા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હતા.

આ બીજી વાર ક્યારે બન્યું?

વર્ષ 1999માં લોકસભા ચૂંટણીમાં બાજપેયીના નેતૃત્વમાં એનડીએ સરકાર બની. ત્યારે યુપીના લખનૌથી સાંસદ તરીકે ચૂંટાયેલા અટલ બિહારી વાજપેયી દેશના વડાપ્રધાન બન્યા. તો અમેઠીથી ચૂંટણી લડીને સંસદમાં પહોંચેલા સોનિયા ગાંધીએ વિપક્ષના નેતાનું પદ સંભાળ્યું હતું. સોનિયા ગાંધી 31 ઓક્ટોબર 1999થી 6 ફેબ્રુઆરી 2004 સુધી વિપક્ષના નેતાની જવાબદારી નિભાવી હતી. 

અને હવે આ ત્રીજી વાર...!

કોંગ્રેસ CWCએ રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતાની જવાબદારી સંભાળવા વિનંતી કરી છે. લોકસભામાં કોંગ્રેસે આ વખતે 99 બેઠકો જીતી છે. CWCની બેઠકમાં રાહુલ ગાંધીને વિપક્ષના નેતાની જવાબદારી સંભાળવા વિનંતી કરતો ઠરાવ પણ પસાર કર્યો છે. પરંતુ રાહુલ ગાંધી વાયનાડ અને રાયબરેલી એમ બંને જગ્યાએથી સાંસદ તરીકે ચૂંટાયા છે. સત્તાવાર જાહેરાત હજુ બાકી છે કે રાહુલ ગાંધી  વાયનાડ કે રાયબરેલી બેમાંથી કોની પસંદગી કરશે. રાજકીય નિષ્ણાંતોના મતે યુપીમાં કોંગ્રેસનું પ્રદર્શન અને આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને રાહુલ માતા સોનિયાની પરંપરાગત બેઠકને સંભાળવા રાયબરેલીથી સાંસદ રહેશે. જો રાહુલ ગાંધી રાયબરેલીથી સાંસદ રહેશે અને લોકસભામાં વિપક્ષનું પદ સંભાળશે તો, દેશમાં આવું ત્રીજી વખત બનશે જ્યારે દેશના પ્રધાનમંત્રી અને વિક્ષના નેતા એક જ રાજ્યમાંથી હશે. રાહુલ ગાંધીએ વિપક્ષી નેતા બનવા માટે વિચારવાનું કહ્યું છે.

આ સમાચાર શેર કરો