VIDEO: મહિલાઓના ખાતામાં DBT દ્વારા કરોડોની લહાણી: પશ્ચિમ બંગાળમાં 1.10 કરોડ લાભાર્થીઓને સીધો આર્થિક ફાયદો
પશ્ચિમ બંગાળમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગેરંટીઓને જમીની સ્તર પર લાવવા માટે ભાજપ સરકાર સંપૂર્ણ તાકાતથી કામ કરી રહી છે. પશ્ચિમ બંગાળના નેતા વિપક્ષ સુવેન્દુ અધિકારીએ રાજ્યમાં ચાલી રહેલી વિવિધ જનકલ્યાણ યોજનાઓ, રોજગાર મિશન અને આગામી સમયમાં શરૂ થનારી ઐતિહાસિક વસ્તી ગણતરી અંગે પત્રકાર પરિષદમાં મહત્વની જાહેરાતો કરી છે.
મહિલાઓના ખાતામાં DBT દ્વારા કરોડો રૂપિયા જમા
સુવેન્દુ અધિકારીએ માહિતી આપતાં જણાવ્યું કે, "પશ્ચિમ બંગાળમાં પીએમ મોદીની ગેરંટીઓને પૂર્ણ કરવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આજે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT)ના માધ્યમથી 1.10 કરોડ મહિલાઓના બેંક ખાતામાં ₹3,000 જમા કરાવી દેવામાં આવ્યા છે, જ્યારે અન્ય 20 લાખ મહિલાઓના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે."
તેમણે ઉમેર્યું કે આ યોજના માટે કુલ 1.6 કરોડ અરજીઓ મળી હતી, જેમાંથી જરૂરી માપદંડો પૂર્ણ ન કરનારી 26 લાખ અરજીઓ રદ કરવામાં આવી છે અને બાકીના તમામ પાત્ર લાભાર્થીઓને સહાય પહોંચાડવામાં આવી રહી છે.
'રોજગાર ગેરંટી' હેઠળ ગામડાના લોકોને મળશે 125 દિવસનું કામ
રાજ્યમાં રોજગારીની તકો વધારવા માટે 'VB-G RAM G' (વિકસિત ભારત – ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન) ની શરૂઆતની જાહેરાત કરતાં તેમણે કહ્યું કે, "પશ્ચિમ બંગાળના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા 2.56 કરોડ લોકોને આ મિશન હેઠળ 125 દિવસની રોજગારીની ગેરંટી આપવામાં આવશે."
નવા નિયમો મુજબ દૈનિક વેતનનો દર નીચે મુજબ નક્કી કરાયો છે:
અકુશળ શ્રમિકો (Unskilled): ₹300 પ્રતિ દિવસ
અર્ધ-કુશળ શ્રમિકો (Semi-skilled): ₹450 પ્રતિ દિવસ
કુશળ શ્રમિકો (Skilled): ₹600 પ્રતિ દિવસ
આ ઉપરાંત તેમણે જણાવ્યું કે બજેટમાં ઘણી નવી યોજનાઓ લાવવાની સાથે કેન્દ્ર સરકારની અસંખ્ય યોજનાઓનો લાભ પણ જનતા સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. આ તમામ યોજનાઓના રોડમેપ અને અમલીકરણ માટે આવતીકાલે તમામ મંત્રીઓ અને વિભાગીય વડાઓ (HoDs) સાથે એક દિવસીય મહત્ત્વની બેઠક યોજાશે.
1લી ઓગસ્ટથી દેશભરમાં ડિજિટલ અને જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી
વસ્તી ગણતરી અંગે સૌથી મોટો ખુલાસો કરતાં સુવેન્દુ અધિકારીએ જણાવ્યું કે, "આગામી 1લી ઓગસ્ટથી પશ્ચિમ બંગાળ સહિત સમગ્ર દેશમાં વસ્તી ગણતરી (Census) શરૂ થવા જઈ રહી છે." આ વખતની વસ્તી ગણતરીની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ રહેશે:
સંપૂર્ણ ડિજિટલ પ્રક્રિયા: આ વખતે વસ્તી ગણતરી સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી થશે.
સેલ્ફ-ડેકલેરેશન (સ્વ-ઘોષણા): નાગરિકો માટે પોતાની વિગતો જાતે આપવાનો (Self-declaration) વિકલ્પ ઉપલબ્ધ રહેશે.
જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી: આ વસ્તી ગણતરીમાં કાસ્ટ-બેઝ્ડ સેન્સસ (જ્ઞાતિ આધારિત ગણતરી)નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
અધિકારીએ દાવો કર્યો છે કે આ ડિજિટલ ગણતરીનો રિપોર્ટ જાહેર થતાં જ દેશની વસ્તી અને જ્ઞાતિઓનું અસલી ચિત્ર અને સંપૂર્ણ સત્ય સામે આવી જશે.

