VIDEO: ડાંગ: વકાર્યા ગામમાં પાણી માટે મહિલાઓના રાતભર વલખાં
ડાંગ જિલ્લાના આહવા તાલુકાના વકાર્યા ગામમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પીવાના પાણીની અત્યંત વિકટ સમસ્યા સર્જાતાં ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થિતિ એટલી હદે ગંભીર છે કે ગામના એકમાત્ર હેડપંપમાંથી ખૂબ જ ધીમેથી પાણી આવતું હોવાથી એક સમયે માત્ર ત્રણ-ચાર ઘડા જ ભરી શકાય છે, જેના કારણે મહિલાઓ અને બાળકોને મધરાતથી લઈને વહેલી સવારે ૨ થી ૩ વાગ્યા સુધી જાગીને પાણી માટે લાઈનોમાં ઊભા રહેવું પડે છે. તંત્ર દ્વારા મોકલાતા ટેન્કરો પણ અનિયમિત હોવાથી અને નવા બોરવેલની જગ્યા બાબતે મહિલાઓની માંગણીઓને અવગણવામાં આવતા ગ્રામજનોમાં વહીવટી તંત્ર તેમજ સ્થાનિક સરપંચ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વારંવારની લેખિત રજૂઆતો છતાં જવાબદાર અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ આંખ આડા કાન કરી રહ્યા હોવાના આક્ષેપ સાથે પીડિત ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે નિયમિત શુદ્ધ પાણી પૂરું પાડવાની ઉગ્ર માંગ કરી છે.

