Video: 'અકવાન' વાવાઝોડું વધુ શક્તિશાળી: ૨૦ નવેમ્બરે આંધ્ર-ઓડિશા કિનારે ટકરાવાની આગાહી, દેશભરમાં હવામાનની ચેતવણી

બંગાળની ખાડીમાં સર્જાયેલું ભીષણ ચક્રવાતી વાવાઝોડું 'અકવાન' વધુ શક્તિશાળી બની રહ્યું છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વાવાઝોડું ૨૦ નવેમ્બર ૨૦૨૬ના રોજ બપોર સુધીમાં ઉત્તર આંધ્રપ્રદેશ, યાનમ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. આ દરમિયાન ૯૦થી ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને ઝાપટા ૧૧૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે. ૧૯ અને ૨૦ નવેમ્બરે તટીય આંધ્રપ્રદેશ, યાનમ અને ઓડિશામાં અતિભારે વરસાદની ચેતવણી સાથે પશ્ચિમ ગોદાવરી, કોનાસીમા, કાકીનાડા, વિશાખાપટ્ટનમ, ગંજમ, ખુર્દા અને પુરીના નીચાણવાળા વિસ્તારોમાં ૦.૫થી ૧.૨ મીટર ઊંચા તોફાની મોજાં ઉછળવાથી પાણી ભરાવાની આશંકા છે, જ્યારે માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ૨૦ અને ૨૧ નવેમ્બરે ઝારખંડ તેમજ નાગાલૅન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદ અને તેજ પવનની શક્યતા છે, જ્યારે ૨૧-૨૨ નવેમ્બરે પૂર્વી ઉત્તર પ્રદેશ અને બિહારમાં હળવા વરસાદ અને વીજળી પડવાની આગાહી છે. બીજી તરફ ૧૯થી ૨૨ નવેમ્બર દરમિયાન દિલ્હી-NCR, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહેતા સવારના સમયે વિઝિબિલિટી ઓછી રહેવાની ચેતવણી આપવામાં આવી છે.












