જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ અને NC સાથે મળીને લડશે ચૂંટણી, PDPના પણ સાથે આવવાના સંકેત
જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ અને નેશનલ કૉન્ફ્રેન્સ મળીને વિધાનસભા ચૂંટણી લડશે. પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અ

જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ અને નેશનલ કૉન્ફ્રેન્સ મળીને વિધાનસભા ચૂંટણી લડશે. પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ ગુરૂવારે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સાથે લાંબી મુલાકાત બાદ તેની જાહેરાત કરી હતી.
ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે જલદી અમે સીટ વહેંચણીની જાહેરાત કરીશું અને મેનિફેસ્ટો પણ જાહેર કરવામાં આવશે. આટલું જ નહીં મીડિયા તરફથી પીડીપીને પણ સાથે લાવવાના સવાલ પર સકારાત્મક વલણ બતાવ્યું હતું. અબ્દુલ્લાએ કહ્યું કે અમારા દરવાજા સમાન વિચારધારા ધરાવતા કોઇ પણ પક્ષ માટે બંધ નથી અને ભવિષ્યમાં કોઇ પણ વાત પર વિચાર કરવામાં આવી શકે છે. તે જીતની સ્થિતિમાં ખુદના મુખ્યમંત્રી બનવાના સવાલને હસીને ટાળી ગયા હતા.
ફારૂક અબ્દુલ્લાએ કહ્યું, 'અમારા લોકો સાથે છે. અહીંના લોકોએ 10 વર્ષ સુધી સંઘર્ષ કર્યો છે. હવે અમે તેમના માટે આશા કરીએ છીએ કે રાજ્યનો દરજ્જો પરત મેળવવામાં આવે. ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે અમારી ગઠબંધન પર વાતચીત ચાલી રહી છે, જેના પર જલ્દી નિર્ણય થઇ જશે.
જમ્મુ કાશ્મીરમાં ત્રણ તબક્કામાં થશે મતદાન
જમ્મુ કાશ્મીરમાં 10 વર્ષ પછી ચૂંટણી યોજાઇ રહી છે. રાજ્યની 90 વિધાનસભા બેઠક માટે ત્રણ તબક્કામાં મતદાન થશે. ચૂંટણીના પરિણામ 4 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. લોકસભા ચૂંટણીમાં પણ નેશનલ કોન્ફ્રેન્સ અને કોંગ્રેસે મળીને ચૂંટણી લડી હતી. ત્રણ બેઠક પર નેશનલ કોન્ફ્રેન્સે ઉમેદવાર ઉતાર્યા હતા જ્યારે બે બેઠક કોંગ્રેસને મળી હતી. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ એક પણ બેઠક જીતી શકી નહતી. નેશનલ કોન્ફ્રેન્સ બે બેઠક જીત્યું હતું. બે બેઠક ભાજપ અને એક અપક્ષ ઉમેદવારને જીત મળી હતી.








