'17 વર્ષ જૂના કેસમાં હત્યાના પ્રયાસની કલમ ઉમેરી, આખી રાત ધમકાવ્યા', કોંગ્રેસનો ભાજપ પર ઉમેદવારને ધમકાવવાનો આરોપ
મધ્ય પ્રદેશની ઇન્દોર લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બમનું ઉમેદવારી પત્ર પરત લેવા મામલે વ

મધ્ય પ્રદેશની ઇન્દોર લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બમનું ઉમેદવારી પત્ર પરત લેવા મામલે વિવાદ થયો છે. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપે નોમિનેશન પરત લેવા માટે અક્ષય બમને ધમકાવ્યા હતા.
મધ્ય પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જીતુ પટવારીએ આરોપ લગાવ્યો કે ભાજપે નોમિનેશન પરત લેવા માટે અક્ષય બમને ધમકાવ્યા હતા અને તેમને હેરાન કરવામાં આવ્યા હતા. તે બાદ અક્ષય બમે પોતાનું ઉમેદવારીપત્ર પરત લઇ લીધુ હતુ.
પટવારીએ કહ્યું કે, અક્ષય બમ વિરૂદ્ધ એક જૂના કેસમાં IPCની કલમ 307 (હત્યાનો પ્રયાસ) જોડવામાં આવી હતી અને તેમને ધમકાવવામાં આવ્યા હતા. આખી રાત અલગ અલગ રીતે ધમકાવવામાં આવ્યા હતા તે બાદ તેમને પોતાનું નોમિનેશન પરત લઇ લીધુ હતું.
સ્થાનિક કોર્ટના આદેશ પર અક્ષય બમ વિરૂદ્ધ 17 વર્ષ જૂના કેસમાં હત્યાના પ્રયાસની કલમ જોડવામાં આવી હતી. રસપ્રદ વાત આ છે કે આ કલમ ઇન્દોર બેઠક પરથી નોમિનેશન પરત લેવાના નિર્ણયના પાંચ દિવસ પહેલા જ જોડવામાં આવી હતી.
કોંગ્રેસે ભાજપ પર પોતાના ઉમેદવારને ડરાવવાનો આરોપ લગાવતા કહ્યું કે લોકતંત્રને ખતરો છે. પટવારીએ કહ્યું કે આ રીતની ઘટના સુરતમાં પણ બની હતી, જ્યાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરવામાં આવ્યા બાદ ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિન હરીફ જાહેર કરવામાં આવ્યા હતા.
શું છે 17 વર્ષ જૂનો કેસ જેમાં હત્યાના પ્રયાસની કલમ જોડવામાં આવી?
અક્ષય કાંતિ બમ પર 4 ઓક્ટોબર 2007માં યૂનુસ ખાન સાથે જમીન વિવાદ દરમિયાન હુમલો, મારપીટ અને ધમકાવવા મામલે ફરિયાદ નોંધવામાં આવી હતી, તે સમયે યૂનુસ ખાન પર ગોળી ચલાવવામાં આવી હતી પરંતુ ખજરાના પોલીસે ત્યારે ફરિયાદમાં હત્યાના પ્રયાસની કલમ જોડી નહતી.
જે દિવસે અક્ષય કાંતિ બમે ઇન્દોર લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે નોમિનેશન ફોર્મ ભર્યુ તે દિવસે કોર્ટના આદેશ પર 17 વર્ષ જૂના આ કેસમાં અક્ષય બમ પર આઇપીસીની કલમ 307 લગાવવામાં આવી હતી, તેમને 10 મેએ કોર્ટમાં હાજર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. માનવામાં આવે છે કે આ દબાણમાં અક્ષય બમે આ નિર્ણય લીધો હતો.








