માતાના નિધન બાદ અંતિમ વિદાય વખતે ભાવુક થયા CM યોગી આદિત્યનાથ, આંખોમાંથી છલકાયા આંસુ

ઉત્તરાખંડના પંચૂર ખાતે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાની માતા સાવિત્રી દેવીને અંતિમ વિદાય આપી. આ દરમિયાન CM યોગી ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યા. તેમણે માતાના પાર્થિવ દેહ પર પુષ્પાંજલિ અર્પણ કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
સાવિત્રી દેવીનું શુક્રવારે 91 વર્ષની ઉંમરે અવસાન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર આજે હરિદ્વારના ચંડીઘાટ ખાતે આશરે 11:30 વાગ્યે થશે. માતાની અંતિમવિધિ અને અન્ય વિધિઓ પૂર્ણ કર્યા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ લખનૌ પરત ફરશે.
અધિકારીઓના જણાવ્યા મુજબ, મુખ્યમંત્રી શનિવારે બપોરે 2:15 વાગ્યા સુધી ઉત્તરાખંડમાં રહેશે. ત્યારબાદ તેઓ લખનૌ જવા રવાના થશે. લખનૌમાં સાંજે 5:30 વાગ્યાથી 6:45 વાગ્યા સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં યોજાનારા કૌશલ્ય દીક્ષાંત સમારોહમાં તેઓ ભાગ લેશે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને શુક્રવારે ગોરખપુરમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન તેમની માતાના અવસાનના સમાચાર મળ્યા હતા. તેઓ ચંપા દેવી પાર્કમાં ટેબ્લેટ વિતરણ કાર્યક્રમને સંબોધી રહ્યા હતા. આ કાર્યક્રમમાં 50 હજારથી વધુ લાભાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવવાના હતા.















