VIDEO: ઉત્તરાખંડમાં વાદળ ફાટતા પૂર જેવી સ્થિતિ, અનેક ઘર પાણીમાં તણાયા; 50થી વધુ લોકો ગુમ
ઉત્તરાખંડના ધરાલી જિલ્લામાં વાદળ ફાટતા 4 લોકોના મોત જ્યારે 50થી વધુ લોકો ગુમ થયા છે. આ ઘટનાને લઇને કેટલીક એજન્સીઓએ ઇમરજન્સી રાહત અભિયાન અને રેસક્યૂ ઓપરેશન હાથ ધર્યું છે. ધરાલીમાં સેનાના 10 જવાન તેમજ JCO પણ ગુમ થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે વાત કરી ઘટનાની માહિતી મેળવી છે.
ઉત્તરાખંડમાં વાદળ ફાટતા પૂર જેવી સ્થિતિ
ગંગોત્રી ધામ અને મુખવા પાસે આવેલા ધરાલી ગામમાં વાદળ ફાટતા પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી. નાળાનું પાણી ઝડપથી પહાડથી નીચેના રહેણાક વિસ્તાર તરફ વહી રહ્યું છે. આ ઘટનાનો એક વીડિયો સામે આવતા જ લોકોમાં ચિંતા વ્યાપી ગઇ છે. પાણીની સાથે કેટલાક ઘર પાણીમાં તણાઇ ગયા છે.
ગંગોત્રી ધામ પાસે પ્રભાવિત છે વિસ્તાર
વાદળ ફાટ્યા બાદ નાળામાં પાણી ઝડપથી રહેણાક વિસ્તારમાં આવી ગયું હતું. જોકે, કોઇ રીતના નુકસાનના સમાચાર નથી. ડિઝાસ્ટર મેનેજમેન્ટે દુર્ઘટનાની પૃષ્ટી કરી છે અને કહ્યું કે સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. રાહત અને બચાવ દળને એલર્ટ કરવામાં આવ્યા છે.આ વિસ્તારમાં વાદળ ફાટતા લોકો ડરેલા છે. તંત્ર તરફથી તમામ લોકોને સુરક્ષિત સ્થળે જતા રહેવાની સલાહ આપવામાં આવી છે. સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે જરૂરી પગલા પણ ભરવામાં આવી રહ્યાં છે.
ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જેવા પહાડી રાજ્યોમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. આ ઘટનામાં અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યો છે અને ઘરોને પણ નુકસાન થયું છે.

