કેદારનાથમાં વાદળ ફાટવાથી મચી તબાહી, SDRFની ઘણી ટીમો બચાવમાં લાગી, ગુજરાતના શ્રદ્ધાળુઓ પણ ફસાયા
કેદારનાથમાં વાદળ ફાટ્યા બાદ મોટી સંખ્યામાં

કેદારનાથમાં વાદળ ફાટ્યા બાદ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહાડો વચ્ચે અટવાયા છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે. વરસાદી પાણીની સાથે ભૂસ્ખલનનો કાટમાળ પણ વહી રહ્યો છે અને તેના પ્રભાવ હેઠળ આવતી દરેક વસ્તુ તેનો એક ભાગ બની જાય છે. આવી સ્થિતિમાં SDRFના જવાનો સતત બચાવ કાર્યમાં લાગેલા છે અને લોકોને બચાવીને સુરક્ષિત સ્થળોએ લઈ જઈ રહ્યા છે.
કેદારનાથ યાત્રાના માર્ગ પર ફસાયેલા મુસાફરોને બચાવવા માટે, SDRF ઉત્તરાખંડના જવાનોએ મોડી રાત સુધી બચાવ કામગીરી હાથ ધરી હતી અને મુંકટિયા વિસ્તારમાંથી 450 મુસાફરોને સુરક્ષિત રીતે સોનપ્રયાગ પહોંચાડ્યા હતા. અત્યાર સુધીમાં 2200થી વધુ મુસાફરોને પગપાળા સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. બચાવ કામગીરી સતત ચાલુ રહેશે.
મુંબઈથી 50 લોકોનું ગ્રૂપ ચારધામ યાત્રા પર નીકળ્યું હતું. કેદારનાથથી દર્શન કરીને પરત ફરતી વખતે બધા અટવાઈ ગયા. તમામને હેલિકોપ્ટર દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. આ જૂથના 18 લોકો હજુ પણ ફસાયેલા છે. તમામ લોકોને બચાવીને સેરસીમાં રાખવામાં આવ્યા છે. લોકોને બચાવીને સેરસી હેલિપેડ પર લાવવામાં આવી રહ્યા છે. સવારથી 300થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. સોનપ્રયાગ અને ગૌરીકુંડમાં ફસાયેલા લોકોને પ્રાથમિકતાના આધારે લાવવામાં આવી રહ્યા છે. જેમાં પહેલા મહિલાઓ અને બાળકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ગુલાબ કોટી બદ્રીનાથ નેશનલ હાઈવે રાત્રે ખોરવાયો
ગુલાબ કોટી પાસે બદ્રીનાથ નેશનલ હાઈવે લગભગ 9 વાગ્યાથી બ્લોક છે અને જ્યાં બદ્રીનાથ નેશનલ હાઈવે બ્લોક છે ત્યાં તીર્થયાત્રીઓથી લઈને સ્થાનિક લોકો સુધીના વાહનો બંને તરફ ફસાયેલા જોવા મળી રહ્યા છે. સ્થાનિક લોકો અને યાત્રાળુઓએ સંબંધિત વિભાગ પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. બ્લોક કરાયેલા રોડ પરથી કાટમાળ હટાવતી વખતે વિભાગનું મશીન અચાનક તૂટી ગયું હતું, જેના કારણે યાત્રિકો અને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. સ્થિતિ એવી છે કે, ગુલાબકોટી-બદ્રીનાથ નેશનલ હાઈવે આ સમયે લોકો માટે સમસ્યારૂપ બની ગયો છે. તીર્થયાત્રીઓ અને સ્થાનિકો તેમના જીવને જોખમમાં મૂકીને પણ ગુલાબ કોટી બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પગપાળા જતા જોવા મળે છે.
ગુજરાતના 17 યાત્રિકોનું ગણતરીના કલાકોમાં જ રેસ્ક્યુ
કેદારનાથ ધામની યાત્રાએ ગયેલા અરવલ્લી જિલ્લાના 17 જેટલા ગુજરાતી યાત્રિકો ઉત્તરાખંડમાં મોટી લિન્ચોલી નજીક વરસાદ અને લેન્ડ સ્લાઈડિંગને કારણે ફસાઈ ગયા હતાં. આ ફસાયેલા યાત્રિકોને સહી સલામત સુરક્ષિત સ્થળે પહોંચાડવાની કાર્યવાહીનું તાત્કાલિક સંકલન કરવામાં આવ્યું હતું. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર પરથી રાહત કમિશ્નર આલોક પાંડેએ ઉત્તરાખંડ સરકારના એસ.ઈ.ઓ.સી.નો સંપર્ક સાધીને આ ફસાયેલા ગુજરાતી યાત્રાળુઓની વિગતો અને સંપર્ક નંબર વગેરે પહોંચાડ્યા હતાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ સમગ્ર ઘટનામાં રાહત કમિશ્નર અને એસ.ઈ.ઓ.સી.ને સતત જરૂરી માર્ગદર્શન આપતા રહ્યા હતાં. આ ફસાયેલા યાત્રાળુઓનું તત્કાલ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વાતાવરણ સાફ થતાં જ ગુજરાતના આ બધા જ યાત્રિકોને હેલિકોપ્ટર દ્વારા એર લિફ્ટ કરીને ગણતરીના કલાકોમાં જ સલામત સ્થળે પહોંચાડી દેવામાં આવ્યા હતા.







