સીજેપીના સ્થાપક અભિજિત દીપકેને અંતે શાંતિ જાળવવાની શરતે જામીન

દેશની મતદાર યાદીમાં સુધારણા કાર્યક્રમ 'સર' અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ આંદોલન કરી રહેલા કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના સ્થાપક અભિજિત દીપકેને દિલ્હીની કોર્ટે શનિવારે શાંતિ જાળવવાની શરતે રૂ. ૫૦,૦૦૦ના બોન્ડ પર છોડવામાં આવ્યો હતો જ્યારે ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ એસોસિએશનની પ્રમુખ નેહા બોરાને શનિવારે વહેલી સવારે છોડી મુકાઈ હતી. દિલ્હીમાં શુક્રવારે સાંજે તિરંગા માર્ચ પહેલા નેહા બોરાની અટકાયત કરાઈ હતી જ્યારે દીપકેની ધરપકડ કરાઈ હતી, જેથી તેને શનિવારે કોર્ટ સમક્ષ હાજર કરાયો હતો.
કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપકેને શનિવારે દિલ્હીની એસઈએમ કોર્ટમાં વિશેષ કાર્યકારી મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરાયો હતો, જ્યાં કોર્ટે શાંતિ અને વ્યવસ્થા ભંગ નહીં કરવા સહિતની અનેક શરતોનું પાલન કરવા અને રૂ. ૫૦,૦૦૦ના બોન્ડ પર છોડી મૂકવાનો આદેશ આપ્યો હતો.
દીપકે પાસે શાંતિ અને વ્યવસ્થાનો ભંગ નહીં કરવા માટે શાંતિ બોન્ડ પર હસ્તાક્ષર કરાવાયા હતા. જોકે, દીપકેને અન્ય કેટલી શરતો પર જામીન અપાયા છે તેની માહિતી જાહેર થઈ નથી. જોકે, દીપકેના અન્ય સાથીઓ સૌરભ દાસ અને આશુતોષ રાંકા હજુ પણ ન્યાયિક અટકાયતમાં છે. સૂત્રો મુજબ અભિજિત દીપકે જંતર-મંતર પર વિરોધ માર્ચમાં જોડાય તે પહેલાં તેની અટકાયત થઈ હતી, જેથી તે કનોટ પ્લેસ ખાતની તિરંગા માર્ચમાં જોડાઈ શક્યો નહોતો. બીજીબાજુ સૌરભ દાસ અને આશુતોષ રાંકા ઈનકાર કરવા છતાં ચોરી છુપે જંતર-મંતર પહોંચી ગયા હતા અને અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હોવાથી તેમની ન્યાયિક અટકાયત કરાઈ છે.
દરમિયાન ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ એસોસિએશન (એઆઈએસએ)ની પ્રમુખ નેહા બોરાને દિલ્હી પોલીસે શનિવારે વહેલી સવારે છોડી મૂકી હતી. દિલ્હીમાં કનોટ પેલેસ ખાતે શુક્રવારે સાંજે 'લહરા દો તિરંગા' વિરોધ માર્ચ પહેલાં નેહાની પણ અટકાયત કરાઈ હતી.દિલ્હી પોલીસે તેને આખી રાત અજ્ઞાત સ્થળે કસ્ટડીમાં રાખી હતી અને વહેલી સવારે છોડી હતી. મુક્તિ પછી નેહા બોરાએ દિલ્હી પોલીસ અને કેન્દ્રમાં ભાજપ સરકારની આકરી ટીકા કરી હતી તથા તેની અટકાયતને 'ગેરકાયદે' ગણાવી હતી. તેણે કહ્યું, મને મંડી હાઉસમાં રખાઈ હતી. વહેલી સવારે ૫.૦૦ વાગ્યે છોડી મૂકી હતી.
અભિજિત દીપકે અને નેહા બોરા સહિત અનેક દેખાવકારોની અટકાયતના વિરોધમાં શનિવારે પણ દિલ્હીમાં આંશિક દેખાવો થાય હતા, જ્યાં દેખાવકારોએ દિલ્હી પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો. બીજીબાજુ દિલ્હી પોલીસે કનોટ પેલેસમાં લહરા દો તિરંગા વિરોધ પ્રદર્શન બદલ પ્રતિબંધક આદેશોના ભંગ બદલ અનેક દેખાવકારો સામે અનામી એફઆઈઆર દાખલ કરી છે.
મહિલા પત્રકારે રાહુલ ગાંધી સામે ગેરવર્તનની ફરિયાદ નોંધાવી
નવી દિલ્હી : દિલ્હીમાં ચૂંટણી પંચ વિરુદ્ધ વિપક્ષની માર્ચ અંગે નવો વિવાદ સામે આવ્યો છે.
એક મહિલા પત્રકારે દિલ્હી પોલીસ કમિશનરની મુલાકાત કરીને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અંગે ફરિયાદ કરી છે. મહિલા પત્રકારનો આક્ષેપ છે કે માર્ચ સમયે તેમની સાથે ધક્કા-મુક્કી કરાઈ હતી. તેમણે રાહુલ ગાંધી સામે એફઆઈઆર નોંધવાની માગ કરી છે. ફરિયાદમાં કહેવાયું છે કે આ ઘટના બાદ તેમને ધમકાવવામાં આવી અને ડરાવવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો. પોતે ત્રણ મહિનાની ગર્ભવતી છે તેથી આ ઘટનાને ગંભીરતાથી જોવી જોઈએ તેવી તેમણે માગણી કરી હતી.










