બોમ્બ ડિફ્યુઝરથી લઈને સ્માર્ટ ચશ્માં સુધી... બાળકોએ કરી ટેકનોલોજીની દુનિયામાં ક્રાંતિ!

દેશના નાનકડા વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા અને વૈજ્ઞાનિક વિચારશક્તિથી સૌને ચોંકાવી દીધા છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા આયોજિત 'વિકસિત ભારત બિલ્ડથોન' (Viksit Bharat Buildathon)માં દેશભરની સ્કૂલ ટીમોએ એવા અદ્ભુત આવિષ્કારો રજૂ કર્યા છે, જે ભવિષ્યમાં અનેક મોટી સમસ્યાઓનું સમાધાન બની શકે છે. આસામના વિદ્યાર્થીઓએ બોમ્બ અને લેન્ડમાઇન શોધીને નિષ્ક્રિય કરી શકે તેવો સ્પાઈડર રોબોટ બનાવ્યો છે, જ્યારે ગુજરાતના વિદ્યાર્થીઓએ પ્રદૂષિત હવાને શુદ્ધ કરતો ખાસ પોલ તૈયાર કર્યો છે.
આ સ્પર્ધામાં 2.87 લાખથી વધુ આઇડિયા અને પ્રોટોટાઇપ (Prototype) રજૂ કરવામાં આવ્યા હતા. તેમાંથી 10 ટીમોને રાષ્ટ્રીય વિજેતા જાહેર કરીને કુલ 17.50 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું છે. આ સિદ્ધિએ ભારતીય વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને ટેકનોલોજી ક્ષેત્રે તેમની ક્ષમતા સાબિત કરી છે.
બોમ્બ શોધશે આસામના વિદ્યાર્થીઓનો સ્પાઈડર રોબોટ
આસામના તિનસુકિયાની PM શ્રી કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓએ કરોળિયા જેવો દેખાતો રોબોટ બનાવ્યો છે. આ રોબોટ ઊબડખાબડ રસ્તાઓ પર પણ સરળતાથી ચાલી શકે છે. તે રિમોટ દ્વારા જોખમી બોમ્બ અને લેન્ડમાઇન શોધી શકે છે. તેનો મુખ્ય ઉદ્દેશ માનવીના જીવને જોખમમાં મૂક્યા વગર બોમ્બને નિષ્ક્રિય કરવાની કામગીરીમાં મદદ કરવાનો છે.
ગુજરાતનું અર્બન બ્રીથિંગ પોલ
ગુજરાતના વિદ્યાર્થીઓએ શહેરોમાં વધતા વાયુ પ્રદૂષણને ઘટાડવા માટે 'અર્બન બ્રીથિંગ પોલ' બનાવ્યો છે. આ ખાસ પોલ આસપાસની પ્રદૂષિત હવા ખેંચીને તેને ફિલ્ટર કરશે અને શુદ્ધ હવા બહાર છોડશે. વધતા પ્રદૂષણ વચ્ચે આ આવિષ્કાર શહેરી વિસ્તારો માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.
ખેડૂતો માટે AI ફસલ ડોક્ટર
દક્ષિણ ભારતના વિદ્યાર્થીઓએ ઇન્ટરનેટ વગર પણ ચાલી શકે તેવી AI આધારિત મોબાઇલ એપ બનાવી છે. ખેડૂત પાક અથવા બીમાર પાંદડાનો ફોટો પાડશે તો એપ બીમારી ઓળખીને યોગ્ય જૈવિક ખાતર કે જંતુનાશક અંગે માર્ગદર્શન આપશે.
અન્ય વિદ્યાર્થીઓના ઉપયોગી આવિષ્કારો
-
સ્માર્ટ સીવેજ બોટ: ઓડિશાના વિદ્યાર્થીઓએ સૌર ઊર્જાથી ચાલતી રોબોટિક બોટ બનાવી છે, જે નદી અને તળાવમાંથી પ્લાસ્ટિક તથા કચરો એકત્ર કરશે.
-
જંગલ આગ એલર્ટ: ઉત્તરાખંડના વિદ્યાર્થીઓએ સેન્સર બનાવ્યા છે, જે તાપમાન વધતાં વન વિભાગને આગની સંભાવના અંગે જાણ કરશે.
-
સ્માર્ટ ચશ્માં: ઉત્તર પ્રદેશના વિદ્યાર્થીઓએ હાડકાંના કંપનથી અવાજ પહોંચાડતાં બોન-કન્ડક્શન ચશ્માં બનાવ્યાં છે, જે સાંભળવામાં તકલીફ ધરાવતા લોકોને ઉપયોગી થશે.
-
સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ: મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓએ વાહન કે વ્યક્તિ રસ્તા પર આવે ત્યારે જ તેજ પ્રકાશ આપતી લાઇટ સિસ્ટમ બનાવી છે.
-
મેડિકલ કિટ: રાજસ્થાનના વિદ્યાર્થીઓએ બ્લડ પ્રેશર, સુગર અને ECG સહિતની તપાસ કરી રિપોર્ટ ડોક્ટર સુધી પહોંચાડી શકે તેવી પોર્ટેબલ કિટ બનાવી છે.
-
એક્સિડન્ટ એલર્ટ: પંજાબના વિદ્યાર્થીઓએ ડ્રાઇવરને ઊંઘ આવતાં ઓળખી એલાર્મ વગાડતી અને વાહનની ઝડપ ઘટાડવામાં મદદ કરતી સિસ્ટમ બનાવી છે.
-
મિથેન ગેસથી વીજળી: ઝારખંડના ધનબાદના વિદ્યાર્થીઓએ કોલસાની ખાણમાંથી નીકળતી જોખમી મિથેન ગેસને ઓળખી એકત્ર કરીને ઊર્જામાં ફેરવવાની સિસ્ટમ બનાવી છે.
ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ સિદ્ધિ
વિકસિત ભારત બિલ્ડથોન 2025ને સૌથી મોટી ઇનોવેશન સોલ્યુશન સ્પર્ધા તરીકે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે. દિલ્હીમાં યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય શિક્ષણ રાજ્યમંત્રી જયંત ચૌધરીએ 10 વિજેતા ટીમોને સન્માનિત કરી હતી. તમામ વિજેતાઓને મળીને 17.50 લાખ રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું.
આ સ્પર્ધા દર્શાવે છે કે દેશના વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકીયું જ્ઞાન મેળવતા નથી, પરંતુ ટેકનોલોજી અને સંશોધન દ્વારા સમાજની વાસ્તવિક સમસ્યાઓના ઉકેલ પણ શોધી રહ્યા છે.













