VIDEO: Cyclone Fengalને પગલે ચેન્નઈ એરપોર્ટ બંધ, આંધ્ર પ્રદેશ-તમિલનાડુમાં ભારે વરસાદ, IMDએ આપ્યું રેડ એલર્ટ

Cyclone Fengal: ફેંગલ વાવાઝોડું શનિવારે (30મી નવેમ્બર) સાંજે 70-80 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર તમિલનાડુ અને પુંડુચેરી નજીક કરાઈકલ અને મહાબલીપુરમ વચ્ચેના દરિયાકાંઠે લેન્ડ ફોલ કરશે. હાલમાં તમિલનાડુના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ખરાબ હવામાનને કારણે ચેન્નાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને શનિવારે સાંજે 8 વાગ્યા સુધી અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યું છે.
ભારે વરસાદને કારણે તમિલનાડુના નવ જિલ્લાઓની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
દરિયાકિનારા પર સુરક્ષામાં વધારો
પ્રશાસને પુડુચેરીના દરિયાકાંઠે પણ સુરક્ષા વધારી દીધી છે. પુડુચેરીના વરિષ્ઠ પોલીસ અધિક્ષક કલાઈવાનને આ વિસ્તારના દરિયાકિનારા અને દરિયાકાંઠાના રસ્તાઓની મુલાકાત લીધી હતી. તમિલનાડુના લોકોને ચેન્નાઈના મરિના બીચ, પટ્ટિનપક્કમ અને એડવર્ડ ઈલિયટ બીચ સહિતના દરિયાકાંઢે ન જવાની સલાહ આપી હતી.
ચેન્નાઈમાં જળબંબાકાર
હવામાન વિભાગ અનુસાર, ફેંગલ વાવાઝોડું સૌપ્રથમ બંગાળની દક્ષિણ-પશ્ચિમ ખાડી પર પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને આજે સાંજ સુધીમાં ઉત્તર તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠાને પાર કરે તેવી સંભાવના છે.

