મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

સ્ત્રી અને પુરુષના લગ્નની ઉંમરમાં ફેરફાર રાખી કરાયો છે ભેદભાવ : હાઇકોર્ટ 

પુરુષોને શિક્ષણ, કારકિર્દી માટે ત્રણ વર્ષ વધુ મળ્યા પરંતુ મહિલાઓ સાથે તેનાથી ઉલટુ થય

સ્ત્રી અને પુરુષના લગ્નની ઉંમરમાં ફેરફાર રાખી કરાયો છે ભેદભાવ : હાઇકોર્ટ 
  •  પુરુષોને શિક્ષણ, કારકિર્દી માટે ત્રણ વર્ષ વધુ મળ્યા પરંતુ મહિલાઓ સાથે તેનાથી ઉલટુ થયું, મહિલાઓને આ છૂટ ના આપી તેમને તકોથી વંચિત રખાઇ છે. 

મહિલા અને પુરુષના લગ્ન માટે લઘુતમ વય મર્યાદામાં અંતર હોવુ પિતૃસત્તાત્મક વ્યવસ્થાની એક નિશાની છે તેમ એક કેસની સુનાવણી દરમિયાન અલ્લાહાબાદ હાઇકોર્ટે ટિપ્પણી કરી હતી. હાઇકોર્ટે નોંધ્યું હતું કે ભારતમાં યુવકની લગ્નની વય મર્યાદા 21 વર્ષ અને યુવતીની વય મર્યાદા 18 વર્ષ છે. આ ભેદભાવ પિતૃસત્તાત્મક વિચારધારાને દર્શાવે છે. પુરુષોને શિક્ષણ, કારકિર્દી માટે ત્રણ વર્ષ વધુ મળ્યા પરંતુ મહિલાઓ સાથે તેનાથી ઉલટુ થયું, મહિલાઓને આ છૂટ ના આપી તેમને તકોથી વંચિત રખાઇ છે. 

આ પણ વાંચો : આધાર કાર્ડ નહિ પરંતુ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટના આધારે ઉંમર નક્કી કરવી જોઈએ : સુપ્રીમ કોર્ટની બેંચ

વય મર્યાદામાં ભેદભાવ પિતૃસત્તાત્મક વિચારધારાની દેન

અલ્લાહાબાદ હાઇકોર્ટના ન્યાયાધીશ સૌમિત્ર દયાલ સિંહ અને ન્યાયાધીશ ડોનાડી રમેશની બેંચે કહ્યું હતું કે સ્ત્રી-પુરુષ વચ્ચે લગ્નની વય મર્યાદામાં ભેદભાવ પિતૃસત્તાત્મક વિચારધારાની દેન છે અને હાલના આધુનિક કાયદાએ પણ તેને અપનાવી રાખી છે. પુરુષોની લગ્નની વય મર્યાદા 21 વર્ષ રખાઇ કે જેથી તે શિક્ષણ મેળવી શકે કે રોજગારી પ્રાપ્ત કરીને ઘર ચલાવવા સક્ષમ બની શકે. આ જ મર્યાદા મહિલાઓ માટે 18 રખાઇ તેથી મહિલાઓ પાસેથી આ તક છીનવીને તેમની સાથે ભેદભાવ કરવામાં આવ્યો અને તેમને શિક્ષણ કે રોજગારી જેવી તકોથી વંચિત રાખવામાં આવી. આ ભેદભાવ એ દર્શાવે છે કે પુરુષ જ મોટો ગણાશે અને તે જ પરિવારના ખર્ચનો બોજ ઉઠાવશે જ્યારે તેની જીવન સાથી મહિલા એક બાળકને જન્મ આપનારી બનીને રહી જશે. 

પુરુષની પુખ્ત વય 18 વર્ષ ગણવી કે 21 વર્ષ?

બાળ વિવાદને લઇને હાઇકોર્ટમાં એક અપીલ કરાઇ હતી, અરજદાર યુવકે દાવો કર્યો હતો કે 2004 માં મારા લગ્ન થયા ત્યારે મારી ઉંમર 12 વર્ષની અને મારી પત્નીની ઉંમર માત્ર 9 વર્ષની હતી માટે આ લગ્નને બાળ વિવાહ સમજીને રદ કરવામાં આવે. જોકે પતિની આ દલીલની સામે પત્નીએ એવી દલીલ કરી હતી કે બાળ વિવાહ થયા હતા કે કેમ તેનો દાવો કરવામાં અરજદારે મોડુ કરી નાખ્યું, તેણે અપીલ કરી ત્યારે તે 18 વર્ષનો થઇ ગયો હતો. કોર્ટ સમક્ષ એ સવાલ ઉભો થયો હતો કે પુરુષની પુખ્ત વય 18 વર્ષ ગણવી કે 21 વર્ષ. કોર્ટે નોંધ્યું હતું કે બાળ વિવાહ વિરોધી કાયદા મુજબ 21 વર્ષથી ઓછી વયના પુરુષ અને 18 વર્ષથી ઓછી વયની સ્ત્રીને બાળક માનવામાં આવે છે. આ કાયદામાં બહુમત શબ્દ વ્યાખ્યાયિત જ નથી કરાયો. પતિ-પત્ની વચ્ચે ભરણપોષણનો વિવાદ હતો જે હાઇકોર્ટ પહોંચ્યો હતો. પત્નીએ 50 લાખનો કાયમી ભરણપોષણનો દાવો કર્યો હતો. પતિએ કહ્યું હતું કે તે 15 લાખ જ આપવા સક્ષમ છે. હાઇકોર્ટે આ લગ્નને બાળ વિવાહ માનીને તેને રદ કર્યા હતા સાથે જ પત્નીને 25  લાખ ચુકવવા પતિને આદેશ આપ્યો હતો.

આ સમાચાર શેર કરો