ચૂંટણી ઉમેદવારી ફોર્મ લેવા ઉમેદવાર 25 હજાર રૂપિયાના ચલણી સિક્કા લઈને પહોંચ્યા, કર્મચારીઓએ કર્યું આવું વર્તન
વારાણસી ચૂંટણી કાર્યાલયમાં એક અજીબોગરીબ ઘટના જોવા મળી છે. લોકસભા ચૂંટણી માટે અપક્ષ ઉમેદવારીની દાવેદા

વારાણસી ચૂંટણી કાર્યાલયમાં એક અજીબોગરીબ ઘટના જોવા મળી છે. લોકસભા ચૂંટણી માટે અપક્ષ ઉમેદવારીની દાવેદારી બતાવતા ટેબલ પર ચલણી સિક્કાઓનું પોટલું ખોલીને ઉમેદવારી ફોર્મ માગ્યું. વ્યક્તિએ કહ્યું કે, આ સિક્કાઓની કિંમત 25 હજાર રૂપિયા છે. આ જોઈને અધિકારીઓથી લઈને કર્મચારીઓ સુધી બધા અચરજ પામ્યા હતા. એ પછી હાજર કર્મચારીઓએ કહ્યું કે, નોમિનેશન 7થી 14 મે વચ્ચે યોજાશે, એટલે તે સમયે આવજો.
વારાણસીમાં સાતમા તબક્કામાં મતદાન થવાનું છે. જેના માટે 7થી 14 મે વચ્ચે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવશે. વિકાસ ભવન સ્થિત ચૂંટણી કાર્યાલય ખાતે નામાંકન અને મતદાનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન એક વ્યક્તિ બે લોકો સાથે વિકાસ ભવન પહોંચ્યો હતો. સંત્રીને પૂછ્યું કે ચૂંટણી કાર્યાલય ક્યાં છે? નોમિનેશન ફોર્મ ક્યાં મળશે. કર્મચારીએ તેમને પહેલા માળે જવાનું કહ્યું. તે સીડીઓ ચઢીને ઓફિસમાં પ્રવેશ્યો. કર્મચારીઓ પોતાના કામમાં વ્યસ્ત હતા. નજીકમાં કામ કરતા કર્મચારી પાસેથી એનરોલમેન્ટ ફોર્મ માંગ્યું.
કર્મચારીએ જણાવ્યું કે, હાલમાં ફોર્મની વહેંચણી ચાલુ થઈ નથી. 7 મે પછી મળશે. વ્યક્તિએ કહ્યું મારે અત્યારે ફોર્મ જોઈએ. કર્મચારીઓ તેને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે અચાનક તેણે ટેબલ પર રાખેલું પોટલું ખોલ્યું. જેમાંથી બે, પાંચ અને દસ રૂપિયાના સિક્કા વેરવિખેર થઈને પડ્યા. આ જોઈને ત્યાં હાજર કર્મચારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
ઉમેદવારી ફોર્મ લેવા આવનાર ઉમેદવારે કહ્યું, 'સાહેબ! આ 25 હજાર રૂપિયા છે. ગણી લો અને મને ફોર્મ આપો. અમારી પાસે બહુ સમય નથી. પ્રચાર પણ કરવો પડશે ને. કર્મચારીઓએ ખૂબ ધ્યાનથી સમજાવ્યું કે અહીં ચૂંટણી છેલ્લા તબક્કામાં યોજાવાની છે. જ્યારે નોંધણી શરૂ થાય ત્યારે રૂપિયા નહીં પણ ચલણ લઈને આવજો. ચલણ જમા કરાવવાનું છે. કર્મચારીએ નોમિનેશન ફોર્મની કોપી બતાવી તેને ભરવાની માહિતી આપી હતી. એ પછી તે વ્યક્તિ બધાનો આભાર માનીને પાછો ગયો. ત્યારે ત્યાં હાજર કર્મચારીઓએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. ઘટના અંગે તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. આ મુદ્દે વિકાસ ભવનમાં દિવસભર હાસ્યનો માહોલ રહ્યો હતો.






