ભાજપ સહયોગી ચંદ્રબાબુ નાયડુએ કહ્યું ‘મુસ્લિમ સમુદાયને આપીશું ચાર ટકા અનામત’
આંધ્રપ્રદેશમાં લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણી પણ યોજાવા જઈ

આંધ્રપ્રદેશમાં લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે. દરમિયાન, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને તેલુગુ દેશમ પાર્ટીના વડા એન ચંદ્રબાબુ નાયડુએ ફરી એકવાર રાજ્યમાં મુસ્લિમ સમુદાયને ચાર ટકા અનામત આપવાના વચનને પુનરોચ્ચાર કર્યો. ખાસ વાત એ છે કે નાયડુનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે આ પહેલા પીએમ મોદીએ તેલંગાણાના ઝહીરાબાદમાં એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે તેઓ ધર્મના આધારે મુસ્લિમોને દલિત, આદિવાસીઓ અને ઓબીસીનો અનામત ક્વોટા નહીં આપે. ઉલ્લેખનીય છે કે ચંદ્રબાબુ નાયડુ ભાજપ અને જનસેના સાથે મળીને રાજ્યમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. એનડીએના તાજેતરમાં જાહેર થયેલા સંયુક્ત ઢંઢેરામાં પણ મુસ્લિમોને ચાર ટકા અનામતનો ઉલ્લેખ નથી.
NDA 160 વિધાનસભા સીટો પર ઝંડો ફરકાવશે
આંધ્રના ધર્માવરમમાં પત્રકારો સાથે વાત કરતા નાયડુએ કહ્યું કે અમે શરૂઆતથી જ મુસ્લિમો માટે ચાર ટકા આરક્ષણનું સમર્થન કરીએ છીએ. તેમણે કહ્યું કે આંધ્રમાં લોકો YSR અને કોંગ્રેસથી નારાજ છે. અહીં તેમની સામે લહેર છે. તેમને દાવો કર્યો હતો કે તેમની પાર્ટી રાજ્યમાં બંને ચૂંટણી જીતશે. તેમનો દાવો છે કે એનડીએ રાજ્યની 25માંથી 24 લોકસભા બેઠકો જીતશે. સાથે જ વિધાનસભાની 160 સીટો પર NDAનો ઝંડો લહેરાશે.
અગાઉ, મુસ્લિમ સમુદાય સાથે વાતચીત કરતી વખતે નાયડુએ કહ્યું હતું કે એકવાર રાજ્યમાં NDA સત્તામાં આવશે તો હજ યાત્રા પર મક્કા જનારા દરેક મુસ્લિમને 1 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.
રાજ્યમાં એનડીએની સીટ વહેંચણીની ફોર્મ્યુલા આવી છે
એનડીએમાં સમાવિષ્ટ પક્ષોની બેઠકોની વહેંચણીની વાત કરીએ તો ભાજપ 6 લોકસભા બેઠકો અને 10 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડશે. આ સિવાય ટીડીપી 17 લોકસભા અને 144 વિધાનસભા સીટો પર પોતાના ઉમેદવારો ઉભા કરશે. ભાજપ અને ટીડીપી ઉપરાંત ગઠબંધનનો ભાગ બનેલી જનસેના રાજ્યની બે લોકસભા અને 21 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડશે.






