ઉત્તર પ્રદેશ વિધાન પરિષદ ચૂંટણીમાં ચૂંટણી પંચની મોટી કાર્યવાહી: બેદરકારી બદલ 6 સુપરવાઇઝરી અધિકારીઓ તાત્કાલિક સસ્પેન્ડ

ઉત્તર પ્રદેશ વિધાન પરિષદ (UP Council Election) ચૂંટણી દરમિયાન ગંભીર બેદરકારી દાખવવા બદલ ચૂંટણી પંચે કડક વલણ અપનાવ્યું છે. ચૂંટણી પ્રક્રિયામાં ક્ષતિઓ અને નિષ્કાળજી સામે આવતાં ચૂંટણી પંચે ૬ મોટા સુપરવાઇઝરી અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે, જેમાં સેક્ટર મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.
આગ્રા ડિવિઝનલ કમિશનરના રિપોર્ટ બાદ કાર્યવાહી
આ આકરી કાર્યવાહી આગ્રાના મંડલાયુક્ત (ડિવિઝનલ કમિશનર) દ્વારા સુપરત કરાયેલા એક અહેવાલના આધારે કરવામાં આવી છે. આ રિપોર્ટમાં પોલિંગ સ્ટેશન નંબર 20, 21 અને 26 પર ગંભીર અનિયમિતતાઓને કારણે પુનઃમતદાન (રી-પોલિંગ) કરાવવાની ભલામણ કરવામાં આવી હતી.
10 દિવસમાં ચાર્જશીટ રજૂ કરવા આદેશ
ચૂંટણી પંચે સંબંધિત સત્તાવાળાઓને આદેશ આપ્યો છે કે સસ્પેન્ડ કરાયેલા આ તમામ છ અધિકારીઓ વિરુદ્ધ તાત્કાલિક ચાર્જશીટ ઇશ્યૂ કરવામાં આવે અને 10 દિવસની અંદર તપાસ માટે તેનો ડ્રાફ્ટ પંચ સમક્ષ મોકલવામાં આવે.
અન્ય 21 કર્મચારીઓ સામે પણ શિસ્તભંગનાં પગલાં
આ છ મોટા અધિકારીઓ ઉપરાંત, મતદાન મથક નંબર ૨૧ અને ૨૬ પર ફરજ બજાવતા અન્ય પાંચ પોલિંગ ઓફિસરો તેમજ 16 પોલીસકર્મીઓ વિરુદ્ધ પણ શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. ચૂંટણી પંચે આ સમગ્ર મામલે તાત્કાલિક અમલીકરણ અહેવાલ (Compliance Report) સુપરત કરવાનો સ્પષ્ટ આદેશ આપ્યો છે. ચૂંટણી પંચના આ કડક પગલાથી ચૂંટણી ફરજમાં બેદરકારી દાખવતા અધિકારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.












