મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

પોલીસની બેદરકાર તપાસને કારણે નિર્દોષે 6 વર્ષ જેલમાં વિતાવ્યા: સુપ્રીમ કોર્ટે યુપી સરકારને ₹ 6 લાખનું વળતર ચૂકવવા આદેશ આપ્યો

₹2700ની દવા ₹27 હજારમાં! સુપ્રીમ કોર્ટે હોસ્પિટલોની નફાખોરીને ગણાવી 'ધોળે દિવસે લૂંટ'
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

કોઈપણ ગુનો કર્યા વિના માત્ર શંકા અને નબળી તપાસના આધારે હત્યાના કેસમાં ૬ વર્ષ સુધી જેલના સળિયા પાછળ રહેવા મજબૂર બનેલા એક નિર્દોષ વ્યક્તિને સુપ્રીમ કોર્ટે મોટો ન્યાય અપાવ્યો છે. ઉત્તર પ્રદેશ પોલીસની અત્યંત ઢીલી અને બેદરકાર તપાસ સામે આકરી નારાજગી વ્યક્ત કરતાં સર્વોચ્ચ અદાલતે રાજ્ય સરકારને નિર્દોષ પીડિતને ₹૬ લાખનું વળતર ચૂકવવાનો કડક આદેશ આપ્યો છે.

"જીવનના ૬ કિંમતી વર્ષો છીનવી લીધા" – જસ્ટિસ પારડીવાલાની બેંચ

જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની ખંડપીઠે પીડિત પ્રત્યે ઊંડી સહાનુભૂતિ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, માત્ર અનુમાન અને અટકળો પર ઊભા કરાયેલા કેસના કારણે એક નિર્દોષ વ્યક્તિના જીવનના ૬ અમૂલ્ય વર્ષો બરબાદ થઈ ગયા. ન્યાયાધીશોએ ટિપ્પણી કરી કે ન્યાય વ્યવસ્થાનો મૂળ ઉદ્દેશ્ય માત્ર સજા કરવાનો નથી, પરંતુ તમામ સાથે વાસ્તવિક ન્યાય કરવાનો છે.

શું હતો સમગ્ર મામલો?

આ કેસ વર્ષ ૨૦૧૯માં આગ્રાના અછનેરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી અપહરણ અને હત્યાની ફરિયાદ સાથે સંકળાયેલો છે. ૧૮ ઓક્ટોબર ૨૦૧૯થી ગુમ થયેલા એક વ્યક્તિની હત્યાની આશંકાએ પોલીસે ૧૩ નવેમ્બર ૨૦૧૯ના રોજ અરુણ ઉર્ફે દીપકની ધરપકડ કરી હતી. મૂળ એફઆઈઆરમાં અરુણનું નામ પણ નહોતું, પરંતુ બાદમાં સીસીટીવી અને સહ-આરોપીના કથિત નિવેદનના આધારે તેને મુખ્ય આરોપી બનાવી દેવાયો હતો.

પોલીસ તપાસમાં મોટી ત્રુટિઓ

પોલીસે તપાસમાં કેટલીક બળેલી હાડકાંઓ જપ્ત કરવાનો દાવો કર્યો હતો, પરંતુ તે હાડકાં ગુમ થયેલ વ્યક્તિના જ હતા તે સાબિત થઈ શક્યું નહીં. મેડિકલ તપાસમાં મૃત્યુનું કારણ પણ સ્પષ્ટ થયું નહોતું. કોર્ટમાં પોલીસ સીસીટીવી ફૂટેજ કે કોલ ડિટેઇલ રેકોર્ડ (CDR) જેવા ઇલેક્ટ્રોનિક પુરાવા કાયદેસર રીતે સાબિત કરી શકી નહોતી. ટ્રાયલ કોર્ટે તપાસ અને સરકારી પક્ષના કેસમાં ગંભીર ખામીઓ જોતાં અરુણને નિર્દોષ જાહેર કરી નિર્દોષ છોડી મૂક્યો હતો.

સુપ્રીમ કોર્ટનો કડક ચુકાદો

અરુણે અગાઉ સાડા પાંચ વર્ષ જેલમાં રહ્યા બાદ સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરી હતી, જેના પર સુનાવણી કરતાં કોર્ટે ટ્રાયલ કોર્ટને ઝડપી સુનાવણીનો આદેશ આપ્યો હતો. ટ્રાયલ કોર્ટે અરુણને નિર્દોષ છોડ્યા બાદ સુપ્રીમ કોર્ટે ચુકાદાની સમીક્ષા કરી હતી.

સર્વોચ્ચ અદાલતે યુપી સરકારને નિર્દેશ આપ્યો છે કે એક મહિનાની અંદર અરુણને ₹૬ લાખનું વળતર ચૂકવવામાં આવે. જો નિયત સમયમાં આ રકમ નહીં ચૂકવાય, તો તેના પર વાર્ષિક ૧૮ ટકાના દરે વ્યાજ ચૂકવવું પડશે. આ સાથે જ કોર્ટે આ ચુકાદાની નકલ રાજ્યના ડીજીપી (DGP) અને ગૃહ સચિવને મોકલવા આદેશ આપ્યો છે જેથી પોલીસ અધિકારીઓને ફોજદારી તપાસની યોગ્ય તાલીમ આપી શકાય.

આ સમાચાર શેર કરો