મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દિલ્હીમાં INDIA ગઠબંધનની રેલી સામે ભાજપનો દેશવ્યાપી માસ્ટરપ્લાન: અમિત શાહ અને યોગી આદિત્યનાથ કરશે પદયાત્રાનું નેતૃત્વ!

દિલ્હીમાં INDIA ગઠબંધનની રેલી સામે ભાજપનો દેશવ્યાપી માસ્ટરપ્લાન: અમિત શાહ અને યોગી આદિત્યનાથ કરશે પદયાત્રાનું નેતૃત્વ!
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અભિયાન અને કથિત 'વોટ ચોરી'ના આરોપોને લઈને વિપક્ષી ‘ઇન્ડિયા’ (INDIA) ગઠબંધન દ્વારા ૧ નવેમ્બરના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજિત મહારેલીનો સામનો કરવા ભારતીય જનતા પાર્ટીએ (BJP) એક મોટો દેશવ્યાપી રાજકીય એક્શન પ્લાન તૈયાર કર્યો છે. વિપક્ષના નેરેટિવ અને આરોપોને જનતા વચ્ચે જઈને સીધા ફગાવવા માટે ભાજપે "લોકશાહી બચાવો, અરાજકતા હટાવો" થીમ હેઠળ દેશવ્યાપી પદયાત્રાઓનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે.

આ અભિયાન અંતર્ગત પક્ષના ટોચના કેન્દ્રીય મંત્રીઓ, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને વરિષ્ઠ દિગ્ગજ નેતાઓ પોતે રસ્તા પર ઉતરીને પદયાત્રાઓનું નેતૃત્વ કરશે. ભાજપે આ મહાઅભિયાન માટે તારીખો અને અગ્રણી નેતાઓની જવાબદારીઓ નક્કી કરી દીધી છે: ૧ નવેમ્બર (રામલીલા મેદાનની રેલીના દિવસે) ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ લખનૌમાં વિશાળ પદયાત્રાનું નેતૃત્વ કરશે. તે જ દિવસે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા શિમલા ખાતે પદયાત્રાની કમાન સંભાળશે.
૨ નવેમ્બર (હૈદરાબાદ):તેલંગાણાના હૈદરાબાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સીએમ યોગી આદિત્યનાથ અને સીએમ હિમંતા બિસ્વા સરમા સંયુક્ત રીતે વિશાળ પદયાત્રાનું નેતૃત્વ કરશે.
૫ નવેમ્બર (કરનાલ, હરિયાણા): ગૃહમંત્રી અમિત શાહ અને હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની કરનાલમાં આયોજિત પદયાત્રામાં જોડાશે.

આ ઉપરાંત સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ દેશના વિવિધ ભાગોમાં આયોજિત રેલીઓ અને પદયાત્રાઓમાં સામેલ થશે.

દરેક જિલ્લા મથકે ૧૦,૦૦૦ લોકોને જોડવાનો લક્ષ્યાંક

ભાજપના આ મહાઅભિયાનનું માળખું ખૂબ જ વ્યાપક સ્તરે તૈયાર કરવામાં આવ્યું છે. દેશના પ્રત્યેક જિલ્લા મુખ્યાલય પર પદયાત્રા યોજાશે, જેમાં દરેક કાર્યક્રમમાં ઓછામાં ઓછા  10000 નાગરિકો અને કાર્યકરોને એકઠા કરવાનો લક્ષ્યાંક રખાયો છે. સમગ્ર દેશવ્યાપી અભિયાનના સંકલનની જવાબદારી ભાજપ નેતા નીતિન નવીનની દેખરેખ હેઠળ તરુણ ચુગ, ભૂપેન્દ્ર યાદવ, હરીશ દ્વિવેદી અને શિવરાજ સિંહ ચૌહાણની 4 સભ્યોની કોર ટીમને સોંપવામાં આવી છે. આ પદયાત્રાઓ દ્વારા ભાજપ સામાન્ય નાગરિકોને મતદાર યાદી સુધારણા પ્રક્રિયાની પારદર્શિતા અને ચૂંટણી પંચની નિષ્પક્ષતા અંગે માહિતગાર કરશે તેમજ વિપક્ષના આરોપોને દેશમાં 'અરાજકતા અને ભ્રમ ફેલાવવાનો પ્રયાસ' ગણાવશે.

'વોટ ચોરી'ના દાવાઓ પર આરપારની લડાઈ

આ સમગ્ર વિવાદ ચૂંટણી પંચના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) બાદ શરૂ થયો છે, જેમાં મતદાર યાદીમાંથી મોટા પાયે નામો કમી થવાનો આક્ષેપ કરીને વિપક્ષ આક્રમક બન્યો છે. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વમાં વિપક્ષી ગઠબંધન મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે દિલ્હીમાં શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યું છે. બીજી તરફ, ભાજપનું કહેવું છે કે સતત ચૂંટણી પરાજયથી હતાશ થઈને વિપક્ષ બંધારણીય સંસ્થાઓ પર ખોટા આક્ષેપો લગાવી રહ્યો છે. 1 નવેમ્બરથી શરૂ થનારી ભાજપની આ પદયાત્રાઓ વિપક્ષના આંદોલનને જમીની સ્તરે નિષ્ક્રિય કરવાની રણનીતિનો મહત્વનો ભાગ છે.

આ સમાચાર શેર કરો