બજેટ: મોદી સરકારના 'ટેકેદારો' પર પૈસા-પ્રોજેક્ટનો થયો વરસાદ, જાણો JDU-TDPએ શું કહ્યું?
યૂનિયન બજેટ 2024-25માં બિહાર અને આંધ્ર પ્રદેશ માટે મોદી સરકાર દ્વારા ખજાનો ખોલવામાં આવતા બન્ને રાજ્ય

યૂનિયન બજેટ 2024-25માં બિહાર અને આંધ્ર પ્રદેશ માટે મોદી સરકાર દ્વારા ખજાનો ખોલવામાં આવતા બન્ને રાજ્યની સત્તાધારી પાર્ટી JDU અને TDP ખુશ થઇ ગયા છે. બિહાર માટે કપવામાં આવેલી જાહેરાતનું JDUએ સ્વાગત કર્યું છે અને કહ્યું કે આ બજેટ રાજ્યને "આત્મનિર્ભર" બનવામાં મદદ કરશે. આંધ્ર પ્રદેશ માટે કરવામાં આવેલી જાહેરાતો પર ચંદ્રબાબુ નાયડુની પાર્ટીએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે.
નીતિશ કુમારે પણ આપી પ્રતિક્રિયા
બિહારમાં JDU પાર્ટી પ્રવક્તા કેસી ત્યાગીએ એક્સપ્રેસ વે માટે 26,000 કરોડ રૂપિયા કરતા વધુની ફાળવણી અને પૂરને ઓછું કરવા માટે પગલા માટે 11,500 કરોડ રૂપિયાના બજેટના માધ્યમથી બિહારને વિશેષ નાણાકીય સહાયની પ્રશંસા કરી છે. કેસી ત્યાગીએ કહ્યું કે, રાજ્યમાં નવા એરપોર્ટ અને મેડિકલ કોલેજ સિવાય ગંગા નદી પર બે નવા પુલની જાહેરાત કરવામાં આવી છે. ત્યાગીએ કહ્યું કે નાણા મંત્રી નિર્મલા સીતારમણે નાલંદા યૂનિવર્સિટીના વિકાસ અને નાલંદા-રાજગીર કોરિડોર સહિત પ્રવાસન સ્થળોના વિકાસ માટે પગલાની પણ જાહેરાત કરી છે.
મહત્ત્વપૂર્ણ છે કે એક દિવસ પહેલા જ લેખિત જવાબમાં મોદી સરકારે કહ્યું હતું કે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવો શક્ય નથી. હવે તે બાદ બિહારને નાણાકીય મદદ કરવાની જાહેરાત આ બજેટમાં કરવામાં આવી છે. મોદી સરકારના ત્રીજા કાર્યકાળ પહેલા બજેટમાં બિહારને કેટલીક ભેટ મળી છે. 26 હજાર કરોડ રૂપિયાના ત્રણ એક્સપ્રેસ વે, 21 હજાર કરોડ રૂપિયાનું 2400 મેગાવોટનો એક પાવર પ્લાન્ટ, મેડિકલ કોલેજ અને કેટલાક એરપોર્ટ સામેલ છે.
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીએ પણ ખુશી વ્યક્ત કરી
બજેટમાં આંધ્ર પ્રદેશ માટે કરવામાં આવેલી જાહેરાતોને લઇને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટીના પ્રમુખ ચંદ્રબાબુ નાયડુએ રાજ્યની જરૂરીયાતોને ઓળખવા અને નવા પાટનગર અમરાવતી સહિત રાજ્યમાં કેટલાક વિકાસ માટે બજેટ ફાળવવા માટે કેન્દ્રનો આભાર માન્યો છે.
નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2024 દરમિયાન આંધ્ર પ્રદેશના વિકાસ માટે કેટલાક ઉપાયોની જાહેરાત કરી હતી જેમાં અમરાવતીના વિકાસ માટે 15,000 કરોડ રૂપિયાની જાહેરાત પણ સામેલ છે.








