લોકસભા ચૂંટણી 2024: ભાજપ-કોંગ્રેસ માટે રવિન્દ્રસિંહ ભાટી કેવી રીતે બની ગયા મોટો પડકાર
રાજસ્થાનના બાડમેરના નાના ગામ દૂધોડાના રહેવાસી રવિન્દ્રસિંહ ભાટી ભાજપ અને કોંગ્રેસ બન્ને માટે લોકસભા ચૂં

રાજસ્થાનના બાડમેરના નાના ગામ દૂધોડાના રહેવાસી રવિન્દ્રસિંહ ભાટી ભાજપ અને કોંગ્રેસ બન્ને માટે લોકસભા ચૂંટણી 2024માં મોટો પડકાર બની ગયા છે. 26 વર્ષીય નેતાની દેશભરમાં ચર્ચા થઇ રહી છે. ભાટી રાજસ્થાનના બાડમેર જિલ્લાની શિવ વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે અને તે બાડમેર લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યાં છે. યુવા નેતાને સાંભળવા માટે તેમના રોડ શો અને રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યાં છે.
વૈચારિક રીતે ભાજપની નજીક રહેલા રવિન્દ્રસિંહ ભાટીએ બાડમેર લોકસભા બેઠક પર કેન્દ્ર સરકારના મંત્રી કૈલાશ ચૌધરીને સીધી રીતે પડકાર આપ્યો છે. આ પ્રથમ વખત નથી જ્યારે રવિન્દ્રસિંહ ભાટીએ ભાજપથી અલગ રસ્તો પકડ્યો હોય. જ્યારે જ્યારે તેને ટિકિટ મળી નથી ત્યારે તેને અલગ રસ્તો પકડ્યો છે અને જીત મેળવી છે. રવિન્દ્રસિંહ ભાટી જ્યારે ઉચ્ચ શિક્ષણ મેળવવા પહોંચ્યા તો તેમણે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના કાર્યકર્તા તરીકે રાજકારણમાં પગ મુક્યો હતો.
ભાટી કેવી રીતે બની ગયા મોટો પડકાર
ગ્રેજ્યુએશન બાદ રવિન્દ્રસિંહ ભાટીએ વકીલાત પૂર્ણ કરી હતી. 2019માં રવિન્દ્રસિંહ ભાટીએ વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ પદ માટે ABVPમાંથી ટિકિટની દાવેદારી રજૂ કરી હતી પરંતુ ABVPએ ભાટીને ટિકિટ આપી નહતી.
નારાજ થઇને રવિન્દ્રસિંહ ભાટી અપક્ષ ઉમેદવાર તરીકે ઉતર્યા હતા અને યૂનિવર્સિટીના 57 વર્ષના ઇતિહાસમાં અપક્ષ ઉમેદવારના રૂપમાં વિદ્યાર્થી સંઘ અધ્યક્ષ પદની ચૂંટણી જીતનારા પ્રથમ વિદ્યાર્થી નેતા બન્યા હતા. ગત વિધાનસભા ચૂંટણીમાં રવિન્દ્રસિંહ ભાટી શિવ બેઠક પરથી અપક્ષ લડ્યા હતા. પરિણામ ચોકાવનારા હતા કારણ કે આ બેઠક પર ભાટીએ જીત મેળવી હતી. તે બાદ રવિન્દ્રસિંહ ભાટીની લોકપ્રિયતા વધી ગઇ હતી. યુવાઓ વચ્ચે ભાટીનો ઘણો ક્રેઝ છે. એવામાં રવિન્દ્રસિંહ ભાટી હવે બન્ને રાષ્ટ્રીય પાર્ટીઓ સામે મોટો પડકાર બની ગયો છે.
ભાટીના ચૂંટણી જીતવા પર સૌથી મોટો ફાયદો શું થશે?
રવિન્દ્રસિંહ ભાટીનો પ્રભાવ પશ્ચિમી રાજસ્થાન સુધી સીમિત છે. તે બાડમેર-જેસલમેર અને બાલોતરાના પ્રવાસીઓને મળવા અને વોટ માંગવા માટે ગુજરાત, મહારાષ્ટ્ર, બેંગલુરૂ અને હૈદરાબાદના અલગ અલગ વિસ્તારમાં પણ ગયા હતા. સોશિયલ મીડિયા પર રવિન્દ્રસિંહ ભાટીના વીડિયો વાયરલ થઇ રહ્યાં છે, જેને લાખો લોકો લાઇક અને શેર કરે છે. એવામાં રાજસ્થાનમાં ભાજપના ક્લીન સ્વીપ મિશનમાં ભાટી સૌથી મોટો પડકાર બની રહ્યાં છે. અહીંથી મળેલી જીત રાષ્ટ્રીય સ્તર પર રાજકીય ઓળખ અપાવવામાં મદદ કરી શકે છે.







