ગ્રીન ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ! સુપ્રીમ કોર્ટમાં થઈ સુનાવણી, શું આવ્યો નિર્ણય?
દિવાળી નજીક આવી રહી છે એવામાં ફટાકડા પર પ્રતિબંધનો મામલો ફરી સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.

દિવાળી નજીક આવી રહી છે એવામાં ફટાકડા પર પ્રતિબંધનો મામલો ફરી સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું હતું કે, દિલ્હી NCR માં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ વ્યવહારુ નથી કે આદર્શ નથી. આ સાથે જ સુપ્રીમ કોર્ટે રાજધાની દિલ્હીમાં ગ્રીન ફટાકડા વેચવા કે ફોડવાની છૂટ આપવાના સંકેતો આપ્યા હતા, જોકે આ અંગેનો પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.
ગ્રીન ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, આ પ્રતિબંધ હટાવવાની માગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. મામલા પર સુનાવણી પૂર્ણ થઇ ગઇ છે, આ પહેલા સોલિસિટર જનરલ તુષાર મેહતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, તમને વિનંતી છે કે આ મામલે સંતુલિત વલણ અપનાવવામાં આવે. અરજદારોની માગ છે કે લોકોને બે કલાક સુધી ગ્રીન ફટાકડા ફોડવાની છૂટ આપવી જોઇએ. દરમિયાન મુખ્ય ન્યાયાધીશ બી. આર. ગવઇએ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.
શું કહ્યું બી. આર. ગવઈએ?
તેમણે પૂછ્યું હતું કે, શું 2018ની સ્થિતિ 2024માં લાગુ થઇ શકે? જો 2018માં હવાનો એર ક્વોલિટી ઇન્ડેક્સ 300 હતો તો 2024માં વધીને 500ને પાર પહોંચ્યો હતો. પ્રદૂષણની પરિસ્થિતિમાં કોઇ સુધાર આવ્યો છે? એટલે કે ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ છતા પણ હવા પ્રદૂષણની સ્થિતિમાં કોઇ સુધારો નથી આવ્યો તેની નોંધ સુપ્રીમે લીધી હતી. બાદમાં સોલિસિટર જનરલ તુષાર મેહતાએ વિનંતી કરી હતી કે બાળકોને બે દિવસ માટે ઉજવણી કરવા દેવી જોઇએ. દરમિયાન મુખ્ય ન્યાયાધીશ ગવઇએ આંશિક છૂટ આપવાના સંકેતો આપ્યા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે, સંપૂર્ણ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હોવા છતા ફટાકડાનો ઉપયોગ યથાવત છે. અત્યંત આકરા આદેશ મુશ્કેલી લાવી શકે છે.






