બાબા સિદ્દીકી મર્ડર કેસમાં મુંબઇ પોલીસનું એક્શન, તમામ 26 આરોપીઓ પર લાગશે MCOCA
NCP નેતા અને પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યા કેસમાં મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરેલા તમામ આરોપીઓ

NCP નેતા અને પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યા કેસમાં મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરેલા તમામ આરોપીઓ વિરૂદ્ધ મકોકા (MCOCA) લગાવ્યો છે. અત્યાર સુધી આ કેસમાં 26 લોકોની દેશના અલગ અલગ ભાગમાંથી ધરપકડ કરવામાં આવી છે. મુંબઇ પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે બાબા સિદ્દીકી હત્યા કેસમાં મકોકાની જોગવાઇ લાગુ કરવામાં આવી છે. મકોકા હેઠળ જામીન પણ મળવા મુશ્કેલ છે.
12 ઓક્ટોબરે બાબા સિદ્દીકીની થઇ હતી હત્યા
મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી 66 વર્ષીય બાબા સિદ્દીકીની 12 ઓક્ટોબરે મુંબઇના બાંદ્રા પૂર્વમાં તેમના પુત્ર ધારાસભ્ય જીશાન સિદ્દીકીની ઓફિસની બહાર ત્રણ હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી નાખી હતી. બાબા સિદ્દીકીની છાતી પર બે ગોળી લાગ્યા બાદ તેમને મુંબઇની લીલાવતી હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું નિધન થયું હતું.
લોરેન્સ બિશ્નોઇના ભાઇની પણ ધરપકડ
અમદાવાદની સાબરમતી જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઇના ભાઇ અનમોલને બાબા સિદ્દીકીની હત્યા અને એક્ટર સલમાન ખાનના મુંબઇ સ્થિત ઘરની બહાર ગોળીબારમાં કથિત ભૂમિકા માટે અમેરિકામાં ધરપકડ કરવામાં આવી હતી. શંકાસ્પદ મુખ્ય ષડયંત્રકાર શુભમ લોનકર અને જીશાન મોહમ્મદ અખ્તર હજુ પણ ફરાર છે.
આ પણ વાંચો: ચાલુ કોર્ટમાં ડાયસ ઉપર ચઢીને જજને લાંચ આપવાનો પ્રયાસ,ગોધરા લેબર કોર્ટમાં આશ્ચર્યજનક ઘટના
શું છે મકોકા કાયદા?
મહારાષ્ટ્ર સરકારે 1999માં મકોકા (મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ) બનાવ્યો હતો. આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય સંગઠિત અને અંડરવર્લ્ડ ક્રાઇમને ખતમ કરવાનો હતો. તે બાદ 2002માં દિલ્હી સરકારે પણ તેને લાગુ કર્યો હતો. મહારાષ્ટ્ર અને દિલ્હીમાં આ કાયદો લાગુ છે. આ કાયદા હેઠળ સંગઠિત ક્રાઇમ જેમ કે અંડરવર્લ્ડ સાથે જોડાયેલા ગુનેગાર, ખંડણી માટે અપહરણ, હત્યા કે હત્યાના ષડયંત્રનો પ્રયાસ, બળજબરી વસુલી, ધમકી સહિતના ગેરકાયદેસર કામ જેનાથી મોટા પાયે પૈસા લૂંટવામાં આવે છે તેવા કેસ સામેલ છે.
મકોકા હેઠળ આરોપીના પોલીસ રિમાન્ડ 30 દિવસ સુધીની હોઇ શકે છે જ્યારે IPC હેઠળ વધુમાં વધુ 15 દિવસના રિમાન્ડ હોય છે.








