મેવાડના પૂર્વ રાજવી પરિવારના વંશજ અરવિંદ સિંહ મેવાડનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
મેવાડના ભૂતપૂર્વ રાજવી પરિવારના સભ્ય અરવિંદ સિંહ મેવાડનું 81 વર્ષની ઉમરે

મેવાડના ભૂતપૂર્વ રાજવી પરિવારના સભ્ય અરવિંદ સિંહ મેવાડનું 81 વર્ષની ઉમરે લાંબી બીમારી બાદ અવસાન થયું છે. પરિવારના સભ્યોએ જણાવ્યું કે અરવિંદ સિંહ મેવાડ લાંબા સમયથી બીમાર હતા અને તેમની ઉદયપુર સ્થિત તેમના નિવાસસ્થાને સારવાર ચાલી રહી હતી. રવિવારે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેઓ ભગવંત સિંહ મેવાડ અને સુશીલા કુમારીના પુત્ર હતા. તેમના મોટા ભાઈ મહેન્દ્ર સિંહ મેવાડનું ગયા વર્ષે નવેમ્બરમાં અવસાન થયું હતું. અરવિંદ સિંહના નિધનથી મેવાડમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. સોમવારે, અરવિંદ સિંહ મેવાડના અંતિમ સંસ્કાર રાજવી પરિવારની પરંપરા મુજબ કરવામાં આવશે.
અરવિંદ સિંહ મેવાડનો અભ્યાસ
અરવિંદ સિંહ મેવાડે અજમેરની પ્રખ્યાત માયો કોલેજમાંથી પોતાનો શાળાકીય અભ્યાસ પૂર્ણ કર્યો હતો. આ પછી, તેમણે ઉદયપુરની મહારાણા ભૂપાલ કોલેજમાંથી કલામાં સ્નાતકની ડિગ્રી મેળવી. અરવિંદ સિંહ મેવાડે યુકેની સેન્ટ આલ્બન્સ મેટ્રોપોલિટન કોલેજમાંથી હોટેલ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. અભ્યાસ પૂર્ણ કર્યા પછી, તેમણે થોડો સમય અમેરિકામાં પણ કામ કર્યું. તેઓ HRH ગ્રુપ ઓફ હોટેલ્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પણ હતા. આ ઉપરાંત, તેઓ ઘણા ટ્રસ્ટના અધ્યક્ષ પણ હતા. આમાં મહારાણા મેવાડ ફાઉન્ડેશન ટ્રસ્ટ, મહારાણા મેવાડ ઐતિહાસિક પ્રકાશ ટ્રસ્ટ અને રાજમાતા ગુલાબ કુંવર ચેરિટેબલ ટ્રસ્ટનો સમાવેશ થાય છે.
સોમવારે અંતિમ સંસ્કાર કરવામાં આવશે
અરવિંદ સિંહ મેવાડ સામાજિક કાર્યમાં સક્રિયપણે ભાગ લેતા હતા. અરવિંદ સિંહ મેવાડના અવસાન સાથે, એક યુગનો અંત આવ્યો છે. તેઓ એક વિદ્વાન, કાર્યક્ષમ વહીવટકર્તા અને સામાજિક કાર્યકર હતા. સોમવારે પરંપરાગત વિધિ મુજબ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પરિવારે તેમના નિધનની માહિતી શેર કરી, ત્યારબાદ લોકોમાં ભારે શોકનો માહોલ છે.







