મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

લોકસભા ચૂંટણી 2024/ પંજાબમાં ભાજપને ત્રણ બેઠકથી વધારે મળી જ નથી

લોકસભાની ચૂંટણીમાં પંજાબ આ વખતે મહત્ત્વનું રાજ્ય સાબિત થાય તેમ છે. પંજાબની 13 લોકસભા બેઠકો ઉપર છેલ્લા એટલે કે સાતમા તબક્કામાં મતદાન

લોકસભા ચૂંટણી 2024/ પંજાબમાં ભાજપને ત્રણ બેઠકથી વધારે મળી જ નથી

લોકસભાની ચૂંટણીમાં પંજાબ આ વખતે મહત્ત્વનું રાજ્ય સાબિત થાય તેમ છે. પંજાબની 13 લોકસભા બેઠકો ઉપર છેલ્લા એટલે કે સાતમા તબક્કામાં મતદાન થવાનું છે. રાજકીય જાણકારો અત્યારથી જ આ ચૂંટણીને ખૂબ જ રોમાંચક અને રસપ્રદ ગણાવી રહ્યા છે. સૂત્રોના મતે આ વખતે 13 બેઠકોનો મુકાબલો ચતુષ્કોણિય મુકાબલો થવાનો છે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ભાજપ અને અકાલી દળ દ્વારા તમામ બેઠકો ઉપર ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે. તેમાં બસપા દ્વારા પણ રાજકીય રોટલા શેકવા માટે કેટલીક બેઠકો ઉપર ઉમેદવારી કરાઇ છે, તેના કારણે આ બેઠકોનો જંગ અસાધારણ સાબિત થવાનો છે. 

અત્યાર સુધી શિરોમણી અકાલી દળ અને ભાજપ બંને સાથીઓ હતા અને 2020થી તેઓ જુદા થઇ ગયા. NDAનું આ ગઠબંધન તૂટી ગયું. આ વખતે બંને અલગ અલગ ચૂંટણી લડી રહ્યા છે. આ ઉપરાંત ઇન્ડિયા ગઠબંધનમાં સાથે રહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પંજાબમાં જોડાણ કરાયેલું નથી. અહીંયા આપ અને કોંગ્રેસ અલગ અલગ ચૂંટણી લડી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, દિલ્હી અને પંજાબ આમ આદમી પાર્ટીના ગઢ જેવા બની ગયા છે. આ બંને રાજ્યોમાં વિધાનસભામાં આમ આદમી પાર્ટીનું જોર ચાલી રહ્યું છે. લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો તેમાં આમ આદમી પાર્ટીને ખાસ સફળતા મળી નથી. તેવી જ રીતે અકાલી દળ અને ભાજપને પણ દાયકાઓથી અહીંયા વધારે ખાસ બેઠક મળી નથી. ભાજપ અહીંયા ત્રણથી વધારે બેઠક જીતી શક્યું જ નથી. આ સંજોગોમાં આ વખતે પણ ભાજપને વધારે બેઠક મળે તેવું લાગતું નથી. ગત લોકસભાની ચૂંટણીના જ પરિણામો જોઇએ તો સમગ્ર દેશમાં કોંગ્રેસને ખૂબ જ ઓછી બેઠકો આવી હતી તેમાં પણ જ્યાં વધારે બેઠકો આવી હતી તેવું એક રાજ્ય પંજાબ હતું. પંજાબમાં કોંગ્રેસને 2019માં 8 બેઠકો મળી હતી. બીજી તરફ ભાજપ અને અકાલી દળને 2-2 બેઠકો મળી હતી. આમ આદમી પાર્ટીના ફાળે માત્ર એક જ બેઠક આવી હતી. આ વખત આ બેઠકોમાં મોટું પરિવર્તન જોવા મળી શકે તેમ છે. જાણકારોના મતે જાટ આંદોલન અને ખેડૂત આંદોલન સૌથી મોટો પડકાર સાબિત થવાનો છે. આ ઉપરાંત બેરોજગારી અને મોંઘવારી જેવા મુદ્દા પણ આ રાજ્યમાં અસર કરે તો નવાઇ નહીં. તેના કારણે ભાજપ માટે આ ચૂંટણીમાં પંજાબમાં જીતવું અઘરૂં જ રહેવાનું છે.

અકાલી દળ અને ભાજપ એકબીજાના જ વોટ કાપશે

ભાજપ અને અકાલી દળ દાયકાઓથી એકબીજાની સાથી હતી. NDA ગઠબંધનનો અકાલી દળ મહત્ત્વનો ભાગ હતું. 2020માં કૃષિ કાયદા મુદ્દે ભાજપ અને અકાલી દળ વચ્ચે મતભેદ સર્જાયા અને બંને જુદા થઇ ગયા. ત્યારબાદ બંને અલગ અલગ ચૂંટણી લડશે તેવી જાહેરાત થઇ હતી. તાજેતરમાં લોકસભાની ચૂંટણી પહેલા બંનેમાં સમાધાન થઇ જાય અને તેઓ સાથે ચૂંટણી લડશે તેવી ધારણાઓ હતી પણ તેવું શક્ય બન્યું નહતું. જાણકારો માને છે કે, અકાલી અને ભાજપ આ વખતે એકબીજાની સામે ચૂંટણી લડવાના છે ત્યારે નુકસાન થવાની શક્યતા વધારે છે.

1998થી 2019 સુધી ભાજપ અને અકાલી દ્વારા પંજાબના મતદારોને વહેંચી લેવાયા હતા.તેમાંય 1998થી 2004 સુધી ભાજપ અને અકાલીને 3-3 બેઠક મળતી હતી તે હવે ઘટી છે. અકાલી દ્વારા ગ્રામ્ય વોટ કબજે કરવામાં આવતા હતા જ્યારે ભાજપ દ્વારા શહેરી મત કબજે કરવામાં આવતા હતા. હવે બંને એકબીજાની સામે છે તેના કારણે બંને એકબીજાના જ વોટ કાપશે અને તેનું વધારે નુકસાન બંનેને જ થવાનું છે. તેવી જ રીતે કોંગ્રેસ અને આપ દ્વારા પંજાબમાં જોડાણ કરાયું નથી તેના કારણે ઇન્ડિયા ગઠબંધનને નુકસાન થવાની પૂરતી શક્યતા છે.

વિધાનસભાના જનાદેશનો લાભ લેવાની AAPની ગણતરી

આમ આદમી પાર્ટીને પંજાબમાં મોટો જનાદેશ મળ્યો છે અને પ્રતિસાદ પણ સારો મળી રહ્યો છે. 2012માં પંજાબમાં આમ આદમી પાર્ટીનો ઉદય થયો તે પહેલાં કોંગ્રેસ, અકાલી અને ભાજપ વચ્ચે ટક્કર થતી હતી. ત્યારબાદ આમ આદમી પાર્ટી મોટું ફેક્ટર બની રહી છે. વિધાનસભા અને લોકસભા બંને ચૂંટણીઓમાં આપ દ્વારા મજબૂત કોમ્પિટિશન પુરી પાડવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટીને ભલે 2019માં લોકસભામાં એક જ બેઠક મળી હોય પણ 2022 વિધાનસભા ચૂંટણીમાં તેણે જે કર્યું તે ચમત્કાર જ હતો. 2022 વિધાનસભા ચૂંટણીમાં તેણે 117 બેઠકોમાંથી 92 બેઠક જીતી લીધી હતી. આમ આદમી પાર્ટી દ્વારા હવે આ વિધાનસભા ચૂંટણીના વિજયનો લાભ લોકસભામાં પણ ઉઠાવવાની ગણતરી ચાલી રહી છે. તેના પગલે જ તેણે લોકસભાની ચૂંટણીમાં 9 ધારાસભ્યોને જ ટિકિટ આપી છે. તેમાંથી પણ પાંચ નેતાઓ હાલમાં પંજાબની આપ સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે કામગીરી કરી રહ્યા છે. જાણકારોના મતે આમ આદમી પાર્ટી આ તમામ કેબિનેટ મંત્રીઓ અને અન્ય ધારાસભ્યોને જે જનાદેશ મળ્યો તેનો લાભ લોકસભામાં લેવા માગે છે. જનતા જો આ નેતાઓને જ ફરીથી ચૂંટી આપે તો આપને મોટો ફાયદો થાય તેમ દેખાઇ રહ્યું છે.

બઠિંડા, લુધિયાણા અને પટિયાલા ઉપર ખરાખરીનો ખેલ જામશે

બઠિંડા લોકસભા બેઠક ઉપર બાદલ પરિવારની પુત્રવધુ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલ ચૂંટણી લડવાના છે. તેમની સામે આમ આદી પાર્ટી દ્વારા ગુરમિત સિંહ ખુડ્ડિયાને ઊભા રાખવામાં આવ્યા છે. ખુડ્ડિયાનું પણ કદ મોટું છે. વિધાનસભા ચૂંટણીમાં તેમણે પ્રકાશસિંહ બાદલને પરાજય આપ્યો હતો. હરસિમરત 2019ની ચૂંટણી અહીંયાથી જીતેલા જ હતા. બીજી તરફ કોંગ્રેસે અકાલીના જ પૂર્વ ધારાસભ્ય મોહિંદર સિંહ સિદ્ધુને ટિકિટ આપી છે. ભાજપ દ્વારા IASની નોકરી છોડીને રાજકારણમાં આવનારા પરમપાલ કૌરને તક આપવામાં આવી છે. તેવી જ રીતે પટિયાલામાં ભાજપની ટિકિટ ઉપર કેપ્ટન અમરિંદર સિંહના પત્ની પરનીત કૌર ચૂંટણી લડવાના છે. પરનીત કૌર ગત લોકસભા કોંગ્રેસની ટિકિટ ઉપર જીત્યા હતા. આ ખતે કોંગ્રેસ તેમની સામે ધર્મવીર ગાંધીને ઊભા રાખ્યા છે. લુધિયાનામાં પણ સ્થિતિ કંઇક આવી જ છે. અહીંયા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા વર્તમાન સાંસદ રવનીત સિંહ બિટ્ટુને તક આપવામાં આવી છે. કોંગ્રેસે તેમની સામે કોંગ્રેસના જ સ્થાનિક પાર્ટી અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વડિંગને ટિકિટ આપી છે. આ બંને જૂના મિત્રો હવે એકબીજાની સામે આવી ગયા છે. તેના કારણે પણ આ પરિણામો રસપ્રદ સાબિત થવાના છે.

ખેડૂત આંદોલનનો પડકાર, હિન્દુ મતદારોથી આશા

ભાજપની સ્થિતિ એવી થઇ છે કે, તેણે જાતીગત સમીકરણો સેટ કરવા છતાં વિજય મળશે તેવું નક્કી નથી. અહીંયા ખેડૂત આંદોલનો ભાજપ માટે સૌથી મોટો પડકાર બની રહેશે જ્યારે હિન્દુ વોટ સૌથી મોટી આશા સાબિત થવાનો છે. જાણકારો કહે છે કે, MSP અને કૃષિ કાયદા માટે સરકાર સામે પડેલા ખેડૂતો આજે પણ નારાજ છે. ભાજપ સરકારે કૃષિ કાયદા પાછા ખેંચ્યા હતા છતાં પંજાબના ખેડૂતો ભાજપથી નારાજ ચાલી રહ્યા છે. પંજાબના ઘણા જિલ્લાઓમાં ભાજપના નેતાઓ અને તેમની રેલીઓનો વિરોધ થઇ રહ્યો છે. આ ઉપરાંત પંજાબની આસપાસના સ્ટેટમાં પણ ખેડૂત આંદોલનની અસર થાય તો નવાઇ નહીં. પંજાબમાં 39 ટકા હિન્દુ વસતી છે, તેના કારણે જ રામ મંદિર, કાશ્મીરમાંથી 370 રદ કરવી અને સર્જિકલ સ્ટ્રાઇક જેવા મુદ્દા ભાજપ દ્વારા એનકેશ કરવામાં આવે તો નવાઇ નહીં. ભાજપને આશા છે કે, આ વખતે પણ જો તે હિન્દુ વોટર્સનું ધ્રુવીકરણ કરે તો તેને મોટો ફાયદો થાય તેમ દેખાઇ રહ્યું છે.

1998થી બસપા એક પણ બેઠક જીત્યું નથી

માયાવતી દ્વારા આ વખતે પંજાબની લોકસભા ચૂંટણીમાં પણ ફાંસ મારવામાં આવી છે. તેમણે બસપાના ઉમેદવારો પંજાબમાં ઉતારી દીધા છે. ઉલ્લેખનીય છે કે, ઇતિહાસ ઉપર નજર કરીએ તો બસપા ક્યારેય પંજાબમાં ફાવ્યું જ નથી. 1998થી આજદિન સુધી બસપા પંજાબમાં એકપણ બેઠક જીત્યું નથી. 1992માં બસપાના ફાળે 9 બેઠકો આવી હતી ત્યારબાદ બસપાને જનતાએ સમર્થન આપ્યું નથી. 

આ સમાચાર શેર કરો