મહારાષ્ટ્રમાં કેબિનેટના સસ્પેન્સ વચ્ચે કાકા શરદ પવારને મળ્યા અજિત પવાર
મહારાષ્ટ્રમાં કેબિનેટની રચનાને લઇને બનેલા સસ્પેન્સ વચ્ચે ડેપ્યુટી સીએમ અજિત પવાર

મહારાષ્ટ્રમાં કેબિનેટની રચનાને લઇને બનેલા સસ્પેન્સ વચ્ચે ડેપ્યુટી સીએમ અજિત પવારે NCP પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરી છે. આ દરમિયાન તેમના પત્ની સુનેત્રા, NCP નેતા પ્રફુલ પટેલ, છગન ભુજબલ સહિત પાર્ટીના અન્ય નેતા પણ હાજર રહ્યાં હતા.
તમામ નેતાઓએ શરદ પવારને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આ મુલાકાત પવારના 6 જનપદ આવાસ, દિલ્હીમાં થઇ હતી. તે બાદ અજિત પવારે કહ્યું કે જન્મદિવસના પ્રસંગે તેમને શરદ પવારને શુભેચ્છા પાઠવી છે. શરદ પવાર 85 વર્ષના થઇ ગયા છે. અજિત પવારે કહ્યું કે મુલાકાત દરમિયાન પારિવારિક વાતચીતની સાથે રાજકીય વાતચીત પણ થઇ હતી.
બુધવારે અમિત શાહ અને નડ્ડા સાથે અજિત પવારે કરી મુલાકાત
મહત્ત્વપૂર્ણ છે કે મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર બન્યા બાદ પણ હજુ સુધી કેબિનેટની રચના થઇ શકી નથી. મહાયુતિમાં સામેલ શિવસેના, NCP અને ભાજપની નજર મંત્રાલયની વહેંચણી પર છે. બુધવાર રાત્રે દિલ્હીમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ઘરે એક બેઠક કરી હતી.
આ પણ વાંચો: શું શિંદે જૂથને ગૃહ મંત્રાલય કે રેવન્યુ નહીં મળે? અમિત શાહના ઘરે મોડી રાત્રે મંથન
મહારાષ્ટ્રમાં મંત્રી મંડળ વિસ્તરણનું કોકડું ઉકેલાશે
મહારાષ્ટ્રમાં મંત્રી મંડળ વિસ્તરણને લઇને કોકડું ઉકેલાય તેવી શક્યતા છે. મહારાષ્ટ્રમાં 20 મંત્રી ભાજપના બનશે. શિંદે જૂથ શિવસેનાના 12 મંત્રી જ્યારે NCP અજિત પવાર જૂથના 10 મંત્રી બનશે. હજુ પણ ગૃહ વિભાગ અને મહેસૂલ વિભાગ એકનાથ શિંદે જૂથને મળશે કે કેમ તેને લઇને સસ્પેન્સ યથાવત છે. નાણા મંત્રાલય અજિત પવારને મળી શકે છે.








