'ચૂંટાઈને આવ્યા પછી હિટલરે પણ બદલ્યું હતું બંધારણ', લોકસભામાં અખિલેશ યાદવે ભાજપ પર કર્યા પ્રહાર
અખિલેશ યાદવે લોકસભામાં બંધારણ પર ચર્ચા દરમિયાન પોલીસ સુરક્ષા વચ્ચે અતીક અહેમદના માર્યા જવાનો પ્રશ્ન ઉઠાવ્યો હતો, આ

અખિલેશ યાદવે લોકસભામાં બંધારણ પર ચર્ચા દરમિયાન પોલીસ સુરક્ષા વચ્ચે અતીક અહેમદના માર્યા જવાનો પ્રશ્ન ઉઠાવ્યો હતો, આ ઉપરાંત તેમણે મસ્જિદ, મંદિર અને જાતિની વસ્તી ગણતરીના મુદ્દાઓ પર પણ વાત કરી હતી.
અખિલેશ યાદવે કહ્યું કે, હિટલરે પણ લોકતાંત્રિક રીતે ચૂંટાયા બાદ બંધારણમાં ફેરફાર કરીને સરમુખત્યારશાહી લાદી હતી. બંધારણની પ્રસ્તાવના સામાજિક અને આર્થિક ન્યાય પ્રદાન કરવાની વાત કહેવામાં આવી છે. પરંતુ તે શું છે? આર્થિક ન્યાય વિના કશું જ શક્ય નથી. શ્રીમંત લોકોની સરકાર મોટા પાયે પૈસા ખર્ચીને સત્તામાં આવે છે. તેના કારણે રાજકીય ન્યાય પણ છીનવાઈ રહ્યો છે. આજે અભિવ્યક્તિની આઝાદીનો અર્થ દેશદ્રોહ છે. આજે પૂજા ઉપાસનામાં પણ મુશ્કેલી આવી રહી છે, કારણ કે દરેક મસ્જિદની નીચે મંદિરની શોધ કરવામાં આવી રહી છે. આજે એક જ કાયદો કેટલાક લોકો માટે અલગ છે. જો સત્તાધારી પક્ષનો કોઈ વ્યક્તિ કેસરી ધારણ કરીને અપશબ્દો બોલે તો જી હુજૂરી. અન્ય વ્યક્તિ ન્યાય માંગવા જાય તો તેને લાકડી મળે છે.
અખિલેશ યાદવે કહ્યું કે, કોઈ પણ વ્યક્તિને તેના જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાથી વંચિત ન રાખી શકાય. આ મૂળભૂત અધિકાર છે, પરંતુ ઉત્તર પ્રદેશમાં તે છીનવાઈ રહ્યો છે. નકલી એન્કાઉન્ટરમાં હત્યાઓ કરવામાં આવી રહી છે. અને પોલીસ કસ્ટડીમાં લોકોની હત્યા થઈ રહી છે. યુપીમાં આવી સ્થિતિ પહેલા ક્યારેય નથી જોવા મળી. પરંતુ હાલ યુપીમાં દરરોજ આવું થઈ રહ્યું છે. રાજ્ય કસ્ટોડિયલ મૃત્યુના મામલામાં અગ્રેસર છે.
ઉત્તરપ્રદેશના પૂર્વ સીએમએ કહ્યું કે, ED પાસે એવો કાયદો છે કે, લોકોની કોઈપણ નોટીસ વગર ધરપકડ કરવામાં આવે છે. આ સિવાય તેમણે જાતિ જનગણનાનો મુદ્દો ઉઠાવતાં કહ્યું કે, જો જાતિ ગણતરી કરાવવા ઈચ્છતા હોય તો કરાવી લો. હું તો કહું છું, કે તમે ઇચ્છો તો કરાવી લો, નહીં ત અમને જ્યારે પણ તક મળશે, ત્યારે પૂર્ણ કરાવી લઈશું. આઉટસોર્સિંગ દ્વારા નોકરીઓ આપવામાં આવી રહી છે. આરક્ષણ ખતમ થઈ રહ્યું છે.
વાઇસ ચાન્સેલર અને પ્રોફેસરની નિમણૂક કરતી વખતે NFS લખવામાં આવે છે. એટલે કે કોઈ યોગ્ય વ્યક્તિ મળી નથી. જો તમામ વાઇસ ચાન્સેલર અને પ્રોફેસરોની યાદી બહાર પાડવામાં આવે તો સ્પષ્ટ થશે કે માત્ર 10 ટકા લોકોનું જ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. 90 ટકા લોકોની કોઈ ચિંતા જ કરવામાં આવતી નથી. જાતિ ગણતરીથી ભેદભાવ વધશે નહીં, પરંતુ જાતિઓ વચ્ચેનું અંતર ઘટશે. આવા લોકોને ન્યાય અને સન્માન મળશે, જેઓ અત્યાર સુધી તેનાથી વંચિત રહ્યા હતા.
5% લોકો પાસે દેશની તમામ સંપત્તિ છે
તેમણે કહ્યું કે, દેશમાં 2014થી અસમાનતા ઝડપથી વધી છે. 140 કરોડ લોકોમાંથી 82 કરોડ લોકો સરકારી રાશન પર જીવી રહ્યા છે. સરકાર કહે છે કે, અમારી અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે, તો મારો પ્રશ્ન એ છે કે સરકારી રાશન પર 82 કરોડ કેવી રીતે ટકી રહ્યા છે અને કેટલાક લોકો પાસે આટલી મોટી સંપત્તિ કેવી રીતે છે. જો તમારી અર્થવ્યવસ્થામાં વધારો થઈ રહ્યો છે, તો આપણા 60 ટકા ગરીબ લોકોની માથાદીઠ આવક કેટલી છે. સરકારે તેના આંકડા પણ આપવા જોઈએ. જેના કારણે સ્પષ્ટ થશે કે 5 ટકા લોકોની આવક કેટલી છે. રાજ્યની નજરમાં તમામ ધર્મ સમાન છે.
મુસ્લિમોની હત્યા કરવામાં આવી રહી છે, ધર્મસ્થાનો પર થઈ રહ્યો છે કબજો
ધર્મનિરપેક્ષતા સમાનતાની વાતો કરે છે, પણ શું સરકાર તેનો અમલ કરી રહી છે? દેશના 20 કરોડથી વધુ લઘુમતીઓમાં મુસ્લિમોને બીજા વર્ગના નાગરિક બનાવવામાં આવી રહ્યા છે. તેમના મકાનો તોડી નાખવામાં આવી રહ્યા છે અને હત્યાઓ કરવામાં આવી રહી છે. પ્રશાસનની મદદથી તેમના ધાર્મિક સ્થળો પર કબજો કરવામાં આવી રહ્યો છે.
મને યાદ છે જ્યારે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી ચાલી રહી હતી ત્યારે ઘણા લોકોને મતદાન કરતા અટકાવવામાં આવ્યા હતા. એવી વ્યવસ્થા કરવામાં આવી હતી કે લોકો મતદાન કરવા બૂથ સુધી ન પહોંચે.








