‘AAP’ નો મોટો નિર્ણય: મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભા ચૂંટણી નહીં લડે
હરિયાણામાં યોગ્ય પરિણામ ન મળવાને કારણે આમ આદમી પાર્ટી મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધ

હરિયાણામાં યોગ્ય પરિણામ ન મળવાને કારણે આમ આદમી પાર્ટી મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી નહીં લડે. જેમાં પાર્ટી પોતાનું સમગ્ર ધ્યાન માત્ર દિલ્હી વિધાનસભા ચૂંટણી પર જ રાખવા માંગે છે.
મીડિયા અહેવાલ પ્રમાણે, આમ આદમી પાર્ટીને લાગે છે કે ઝારખંડમાં તેનું સંગઠન પહેલા કરતા નબળું છે. ચૂંટણી લડવા માટે સંગઠનને મજબુત બનાવવાની જરૂર પડશે, પરંતુ હવે એનો સમય નથી. મહારાષ્ટ્રમાં સ્થિતિ થોડી અલગ છે. ત્યાંનું રાજ્ય એકમ સંગઠનાત્મક વિસ્તરણ માટે બે કે ત્રણ બેઠકો પર ચૂંટણી લડવા માંગે છે.
AAP દિલ્હીને બચાવવા તમામ તાકાત લગાવી
એવું કહેવાય છે કે, રાજ્ય એકમે પોતાનો અહેવાલ હાઈકમાન્ડને સોંપી દીધો છે, જેના આધારે રાજકીય બાબતોની સમિતિ અંતિમ નિર્ણય લેશે. પરંતુ હાઈકમાન્ડ તરફથી મંજૂરી મળવાની શક્યતા ઓછી છે, કારણ કે AAP દિલ્હીને બચાવવા માટે પોતાની તમામ તાકાત વાપરવા માંગે છે. જ્યારે પાર્ટીએ પણ તૈયારીઓ તેજ કરી દીધી છે.
કેજરીવાલ અને મનીષ સિસોદિયા રસ્તા પર ઉતરી આવ્યા
પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયા પોતે પ્રચાર માટે દિલ્હીના રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. સૂત્રોના કહેવા પ્રમાણે, આ બંને રાજ્યોમાં ચૂંટણી ન લડવા પાછળનું મુખ્ય કારણ એ છે કે INDIના સહયોગીઓ આ રાજ્યોમાં મજબૂતીથી ચૂંટણી લડી શકે અને સાથી પક્ષો વચ્ચે કોઈ મૂંઝવણ ઊભી ન થાય.
આ સ્થિતિમાં ભાજપને નુકસાન થશે. જોકે, ઔપચારિક રીતે આમ આદમી પાર્ટીએ હજુ સુધી આ બંને રાજ્યોને લઈને પોતાની સ્થિતિ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે કે આ અંગે રાજકીય બાબતોની સમિતિ જ નિર્ણય લેશે.
MCDના વિરોધ પક્ષના નેતાનો AAP સરકાર પર આરોપ
દિલ્હીમાં, MCDના વિરોધ પક્ષના નેતા અને ભૂતપૂર્વ મેયર સરદાર રાજા ઇકબાલ સિંહે આરોપ લગાવ્યો કે, MCDમાં AAP સરકાર અનુસૂચિત જાતિ વિરોધી છે. તેથી એપ્રિલમાં જે મેયરની ચૂંટણી યોજાવાની હતી તે હજુ સુધી થઈ શકી નથી. એમની કોશિશ છે કે, અનુસૂચિત જાતિના કાઉન્સિલર મેયર ન બને અને તેને તેનો હક ન મળે, તેથી ચૂંટણી મુલતવી રાખી.
તેમણે દાવો કર્યો હતો કે, જ્યારે ભાજપે છેલ્લા ગૃહમાં અનુસૂચિત જાતિના કાઉન્સિલરોને અધિકાર આપવાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને મેયરની ચૂંટણી ન કરાવવાના શાસક પક્ષના કાવતરાનો પર્દાફાશ કર્યો હતો. આ સાથે જ સમાજનો ગુસ્સો વધી ગયો અને મામલો રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ સુધી પહોંચ્યો. ત્યારે હવે AAP સરકારને મેયરની ચૂંટણી કરાવવાની ફરજ પડી છે.








