રાહુલ ગાંધીની ઓફર પર AAPની સહમતિ! હરિયાણામાં ગઠબંધન અંગે સંજયસિંહે આપ્યું મોટું નિવેદન
હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટીના ગઠબંધનને લઈને ચર્ચ

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટીના ગઠબંધનને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આમ આદમી પાર્ટીને ઓફર આપી છે. જે અંગે આપ પાર્ટીના વરિષ્ઠ નેતા સંજયસિંહે મોટું નિવેદન આપ્યું છે. હરિયાણામાં ચૂંટણી અંગે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઈ શકે છે.
હરિયાણામાં એકસાથે ચૂંટણી લડવાની રાહુલ ગાંધીની ઓફર પર આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય સિંહે મોટું નિવેદન આપ્યું છે. સંજય સિંહે કહ્યું કે હું રાહુલ ગાંધીના નિવેદનનું સ્વાગત કરું છું. ભાજપને હરાવવાની અમારી પ્રાથમિકતા છે. પરંતુ નિર્ણય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સંમતિથી લેવામાં આવશે.
રાહુલ ગાંધીએ કોંગ્રેસ ચૂંટણી સમિતિની બેઠક દરમિયાન AAP સાથે ગઠબંધનની સંભાવના પર હરિયાણા કોંગ્રેસના નેતાઓ સાથે ચર્ચા કરી છે. જોકે, હરિયાણા કોંગ્રેસના નેતા સતત પોતાના નિવેદનમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનની સંભાવનાનો ઇનકાર કરતા રહ્યાં છે.
જોકે, કોંગ્રેસ સાંસદ અને હરિયાણાના મોટા નેતા કુમારી શૈલજાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂંમાં AAP સાથે ગઠબંધનની સંભાવનાનો ઇનકાર કર્યો હતો. કુમારી શૈલજાએ કહ્યું કે પાર્ટી રાજ્યમાં મજબૂત છે અને એકલા જ ચૂંટણી લડશે.
હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં INLD અને BSP વચ્ચે ગઠબંધન થયું છે. બીજી તરફ JJP અને ચંદ્રશેખર આઝાદની પાર્ટી આઝાદ સમાજ પાર્ટી વચ્ચે પણ ગઠબંધન થઇ ગયું છે. આમ આદમી પાર્ટી પણ હરિયાણામાં મજબૂતીથી ચૂંટણી પ્રચાર કરી રહી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કેજરીવાલે ખુદ મેદાન સંભાળ્યું છે. હવે કોંગ્રેસને ડર છે કે ભાજપ વિરોધી વોટ વહેંચાઇ ના જાય.
તમને જણાવી દઈએ કે હરિયાણાની 90 વિધાનસભા સીટો પર 5 ઓક્ટોબરે ચૂંટણી થવાની છે. આ અંગે કોંગ્રેસ પક્ષમાં મંથન ચાલી રહ્યું છે. સોમવારે કોંગ્રેસ ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે 34 ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવ્યા હતા.
લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે હરિયાણામાં ગઠબંધન થયું હતું. ગઠબંધન હેઠળ આમ આદમી પાર્ટીને કોંગ્રેસે એક બેઠક આપી હતી. આમ આદમી પાર્ટી કુરૂક્ષેત્ર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી. જોકે, આ બેઠક પર તેની હાર થઇ હતી.
હરિયાણાના AICC પ્રભારી દીપક બાબરિયાએ કહ્યું હતું કે બુધવાર સુધીમાં અંતિમ યાદી જાહેર કરવામાં આવશે. વિનેશ ફોગાટને લઈને ચાલી રહેલી અટકળોનો પણ મંગળવાર સુધીમાં અંત આવી જશે. રાજ્ય સ્ક્રિનિંગ કમિટીએ 49 નામોની યાદી રજૂ કરી હતી, જેમાંથી 34ને મંજૂરી આપવામાં આવી છે અને 15 નામો બાકી છે. 22 વર્તમાન ધારાસભ્યોને ટિકિટ મળવાની પુષ્ટિ થઈ છે.
હરિયાણામાં 5 ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણી માટે તમામ 90 બેઠકો પર મતદાન થશે. મતની ગણતરી 8 ઓક્ટોબરે થશે.








