Aadhaar Home Service: ઑપરેટર ઘરે બનાવવા આવશે આધાર કાર્ડ, જાણો કેવી રીતે કરવું બુકિંગ-કેટલો થશે ખર્ચ

Book Aadhaar Doorstep Service Online: શું તમે જાણો છો કે આધાર કાર્ડ બનાવવાનું કે તેમાં સુધારો કરવાનું કામ ઘરે બેઠા પણ થઈ શકે છે? વાસ્તવમાં UIDAI આ માટે એક ખાસ સુવિધા આપે છે, જે અંતર્ગત નવું આધાર કાર્ડ બનાવવાથી લઈને તેમાં કોઈપણ પ્રકારના સુધારા-વધારા કરવા માટે ઓપરેટરને તમારા ઘરે મોકલવામાં આવે છે. જો કે, આ સેવા દરેક વ્યક્તિ માટે ઉપલબ્ધ નથી. UIDAI આ સેવા માત્ર વરિષ્ઠ નાગરિકો અથવા એવા લોકો માટે ચલાવે છે જેઓ ક્યાંય હરી-ફરી શકતા નથી.
આ સિવાય આ સેવા માટે લેવામાં આવતો ચાર્જ પણ ઘણો વધારે છે. તેમ છતાં, જો તમે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ માટે ઓપરેટરને ઘરે બોલાવીને આધાર કાર્ડ બનાવડાવવા માંગો છો, તો તમે 1947 નંબર પર કૉલ કરીને આ સેવા માટે વિનંતી બુક કરી શકો છો.
UIDAI ની હોમ એનરોલમેન્ટ સર્વિસ જરૂરિયાતમંદ લોકો માટે શરૂ કરવામાં આવેલી એક ખાસ સેવા છે.
આ સેવા અંતર્ગત, શરતો પૂરી કરનારા નાગરિકો ઘરે બેઠા જ પોતાનું આધાર કાર્ડ બનાવી શકે છે અથવા તેમાં કોઈપણ પ્રકારનો સુધારો કરાવી શકે છે.
આ સુવિધામાં લોકો ઈચ્છે તો ઘરે બેઠા જ પોતાનો બાયોમેટ્રિક ડેટા પણ અપડેટ કરાવી શકે છે.
કોણ લઈ શકે છે આ સેવાનો લાભ?
આ સેવા માત્ર એવા લોકો માટે જ શરૂ કરવામાં આવી છે જેઓ આધાર કેન્દ્ર સુધી જવા માટે અસમર્થ છે.
આ સેવાનો લાભ માત્ર એ જ લોકો લઈ શકે છે જેઓ વરિષ્ઠ નાગરિક છે.
પથારીમાંથી ઉઠી ન શકતા દર્દીઓ અને શારીરિક રીતે ખૂબ જ નબળા લોકો, જેઓ આધાર કેન્દ્ર પર જઈ શકતા નથી.
આ ઉપરાંત, એવા દિવ્યાંગ વ્યક્તિઓ પણ આ સેવાનો લાભ લઈ શકે છે જેઓ આધાર કેન્દ્ર સુધી જવા માટે સક્ષમ નથી.
કેટલો ચાર્જ લાગશે?
આ સેવા જરૂરિયાતમંદ લોકો માટે શરૂ કરવામાં આવી છે પરંતુ તેની ફી સામાન્ય કરતાં અલગ છે. જો એક જ સરનામાં પર માત્ર એક જ નિવાસી માટે આ સેવા બુક કરવામાં આવે, તો તેનો સર્વિસ ચાર્જ 700 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે.
જો તે જ સરનામે મુખ્ય નિવાસીની સાથે પરિવારના અન્ય કોઈ સભ્ય પણ આ સેવાનો લાભ લેવા માંગતા હોય, તો પ્રત્યેક સભ્ય દીઠ અલગથી 350 રૂપિયા ચૂકવવા પડશે.
ખાસ નોંધનીય બાબત એ છે કે આ ચાર્જ સામાન્ય સરકારી અપડેટ ફી (જે અંદાજે 50 કે 100 રૂપિયા સુધીની હોય છે) ઉપરાંતનો રહેશે.
કેવી રીતે બુક કરવી આ સર્વિસ?
આ સેવા બુક કરવા માટે તમે 1947 નંબર પર કૉલ કરી શકો છો અથવા તો તમે જરૂરી દસ્તાવેજો સાથે UIDAI ની પ્રાદેશિક કચેરીને ઇમેઇલ દ્વારા વિનંતી મોકલી શકો છો.
પ્રાદેશિક કચેરી તરફથી મંજૂરી મળ્યા બાદ સંબંધિત રજિસ્ટ્રાર અથવા આધાર કેન્દ્રને આ કામ સોંપવામાં આવે છે. ત્યારબાદ 7 થી 15 દિવસની અંદર ઓપરેટર તમારા ઘરે આવીને બાયોમેટ્રિક અને અન્ય જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરે છે.

