Video: ઉત્તર પ્રદેશના અમરોહામાં ગઢ ગંગા મેળામાં પ્રથમ વખત ખાસ પોન્ટુન પુલ તૈયાર

ઉત્તર પ્રદેશના અમરોહામાં 15 નવેમ્બરથી પ્રસિદ્ધ તિગરી અને ગઢ ગંગા મેળાનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે. આ વર્ષના મેળાનું સૌથી મોટું અને ઐતિહાસિક આકર્ષણ પ્રથમ વખત તૈયાર કરવામાં આવેલો પોન્ટુન પુલ છે. આ અસ્થાયી તરતા પુલની મદદથી પ્રથમ વખત તિગરી અને ગઢ ગંગા બંને મેળાઓને સીધા જોડવામાં આવ્યા છે. અગાઉ શ્રદ્ધાળુઓને એક મેળામાંથી બીજા મેળામાં જવા માટે લાંબો ફેરો ફરવો પડતો હતો, પરંતુ હવે આ પોન્ટુન પુલ બનવાથી લાખો ભક્તોની અવરજવર અત્યંત સુગમ અને સમય બચાવનારી બની રહેશે. આ ઉપરાંત વહીવટીતંત્ર દ્વારા અગાઉ અવિકસિત રહેલા સેક્ટર્સને પણ આ વખતે વિકસાવવામાં આવ્યા છે અને રસ્તાઓને વધુ પહોળા કરવામાં આવ્યા છે, જેથી વિશાળ જનમેદનીને પૂરતી જગ્યા મળી રહે અને ટ્રાફિકની કોઈ સમસ્યા ન સર્જાય.
શ્રદ્ધાળુઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા સમગ્ર મેળા વિસ્તારને એક સ્વતંત્ર પોલીસ સ્ટેશન ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યું છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 3,200થી વધુ પોલીસ જવાનો, ગેઝેટેડ ઓફિસર્સ, એડિશનલ એસપી અને સીઓ કક્ષાના અધિકારીઓને તૈનાત કરાયા છે. મેળામાં ઠેર-ઠેર ચોકીઓ, વોચ ટાવર અને પિકેટ્સ ઊભા કરાયા છે. ગંગા નદીના ઘાટ પર ડૂબવાની ઘટનાઓ અટકાવવા ત્રિ-સ્તરીય સુરક્ષા કવચ ગોઠવાયું છે, જેમાં ડીપ વોટર બેરિકેડિંગ, જાળી સાથેની ડબલ બેરિકેડિંગ, સ્થાનિક ખાનગી ગોતાખોરો તેમજ પીએસી અને એસડીઆરએફની એક-એક પ્લાટૂન ખડેપગે રાખવામાં આવી છે. આ ઉપરાંત આગ અકસ્માત જેવી કટોકટીને પહોંચી વળવા બે વખત ફાયર સેફ્ટી ડ્રિલ યોજી હોસ્પિટલ સુધીના રિસ્પોન્સ ટાઈમની પણ ચકાસણી કરી લેવાઈ છે.
સુરક્ષા અને સુવિધાઓની સાથે ભક્તોના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક આનંદ માટે પણ વિશેષ આયોજન કરાયું છે. તમામ ઘાટો પર આકર્ષક પ્રવેશદ્વાર બનાવીને તેના ચોક્કસ નામકરણ કરવામાં આવ્યા છે. આ વખતે મેળામાં સ્થાનિક કલાકારોની સાથે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના પુરસ્કૃત ગાયકો અને લોકનૃત્ય નાટિકાઓના કલાકારોને આમંત્રિત કરાયા છે, જેઓ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે. આ સાથે જ મેળામાં ભવ્ય ગંગા આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે શ્રદ્ધાળુઓ માટે યાદગાર અનુભવ બની રહેશે.















