કુદરતના હાથે થપાટ ખાઈ ગઈ આ હસ્તીઓ, હવાઈ અકસ્માતમાં છિનવાઈ જિંદગી
ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીના અકસ્માતે મોતથી દુનિયા સ્તબ્ધ છે. 63 વર્ષીય રઈસી ઈરાનમાં સત્તામાં વરિષ્ઠતામાં બીજા ક્રમે હતા

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીના અકસ્માતે મોતથી દુનિયા સ્તબ્ધ છે. 63 વર્ષીય રઈસી ઈરાનમાં સત્તામાં વરિષ્ઠતામાં બીજા ક્રમે હતા. તેહરાનથી લગભગ 600 કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં અઝરબૈજાન પ્રાંતની સરહદ પર જોલ્ફા નજીક તેનું હેલિકોપ્ટર ક્રેશ થયું. આ દુર્ઘટનામાં રઈસીનું મૃત્યુ થયું.
દુર્ઘટનાનું કારણ ખરાબ હવામાન જણાવવામાં આવ્યું છે. આ દુર્ઘટનામાં રાષ્ટ્રપતિ રઈસી ઉપરાંત વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાહિયન, પૂર્વ અઝરબૈજાન પ્રાંતના ગવર્નર મલેક રહેમતી અને ધાર્મિક નેતા મોહમ્મદ અલી અલે-હાશેમનું પણ મૃત્યુ થયું હતું. આ સમાચારથી સમગ્ર ઈરાન શોકમાં ગરકાવ છે.
અગાઉ પણ આવી અનેક ઘટનાઓ બની છે જેમાં કોઈ VVIP વ્યક્તિનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હોય. ઘણી એવી ઘટનાઓ છે જ્યારે દુનિયાએ હેલિકોપ્ટર અને પ્લેન ક્રેશમાં માર્યા ગયેલા લોકોના નામ સાંભળ્યા અને આશ્ચર્યચકિત થઈ ગયા. અંગત જીવનમાં ખૂબજ સફળ આ સેલિબ્રિટીઓ કુદરતના હાથે દગો ખાઈ ગઈ. ભારતના ભૂતપૂર્વ CDS બિપિન રાવતના અકસ્માતને કોણ ભૂલી શકે? સંજય ગાંધીનું મૃત્યુ કેટલું દુ:ખદ હતું. પાકિસ્તાનના લશ્કરી સરમુખત્યાર ઝિયા ઉલ હકના મૃત્યુથી પણ લોકોને આશ્ચર્ય થયું હતું. દક્ષિણ આફ્રિકાના સુકાની હેન્સી ક્રોન્યેનું મૃત્યુ લોકો માટે આઘાત સમાન હતું.
જનરલ બિપિન રાવત
હેલિકોપ્ટર અકસ્માતની વાત આવે એટલે ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું નામ તરત જ લેવાય છે. 8 ડિસેમ્બર 2021ના દિવસે તમિલનાડુના નીલગિરી જિલ્લાના કુન્નૂરમાં હેલિકોપ્ટર દુર્ઘટનાના સમાચાર ટીવી સ્ક્રીન પર ફ્લેશ થયા ત્યારે કોઈએ બહુ ધ્યાન આપ્યું નહીં. પરંતુ થોડી જ મિનિટોમાં આ સમાચાર મોટા બ્રેકિંગ ન્યૂઝ બની ગયા. કારણ કે આ હેલિકોપ્ટરમાં ભારતના તત્કાલિન સીડીએસ બિપિન રાવત તેમની પત્ની સાથે મુસાફરી કરી રહ્યા હતા. જનરલ રાવતને લઈને ભારતીય વાયુસેનાનું Mi-17V5 હેલિકોપ્ટર સુલુરના આર્મી બેઝથી નીકળીને વેલિંગ્ટન મિલિટરી બેઝ તરફ આગળ વધી રહ્યું હતું. જ્યાં અકસ્માત થયો હતો ત્યાં ખૂબ જ ગાઢ જંગલો હતા.આ અકસ્માતમાં કુલ 14 લોકોના મોત થયા હતા.
સંજય ગાંધી
ભારતમાં થયેલા હવાઈ દુર્ઘટનાઓ પૈકી તે અકસ્માતે ગાંધી પરિવાર માટે જીવનભરનું જખમ બનાવી દીધું. 23 જૂન, 1980ની એ ઘટનાએ દેશ શોકમાં ડૂબી ગયો. તે દિવસે સંજય ગાંધી બે સીટર પ્લેન પીટ્સ-S2A ઉડાવી રહ્યા હતા, આ અકસ્માત દિલ્હીના સફદરગંજ એરપોર્ટ પાસે થયો હતો જ્યાં સંજય ગાંધી પ્લેન ઉડાવીને કરતબ બતાવી રહ્યા હતા. જે દરમિયાન પ્લેન પરનો કાબૂ ગુમાવતા આંખના પલકારામાં પ્લેન આગની જ્વાળાઓમાં લપેટાઈને જમીન પર પડી ગયું. તે સમયે સંજય માત્ર 33 વર્ષના હતા.
પાકિસ્તાનના લશ્કરી સરમુખત્યાર જનરલ ઝિયા ઉલ હક
પાકિસ્તાનના લશ્કરી સરમુખત્યાર જનરલ ઝિયા ઉલ હકનું નામ પણ હવાઈ અકસ્માતોની યાદીમાં આવે છે. બળવો કરીને ઝુલ્ફીકાર અલી ભુટ્ટો પાસેથી પાકિસ્તાનની રાજકીય સત્તા છીનવી લેનાર જનરલ ઝિયા ઉલ હક જીવનભર વિવાદાસ્પદ રહ્યા. રહસ્ય અને વિવાદે તેમના મૃત્યુ પછી પણ તેમનો પીછો ન છોડ્યો. 17 ઓગસ્ટ 1988ના રોજ ઝિયા ઉલ હક અમેરિકન ટેન્કનો ડેમો જોવા માટે બહાવલપુર આવ્યા હતા. બહાવલપુરમાં કાર્યક્રમ પૂરો કર્યા બાદ જનરલ ઝિયા ઉલ હક ઈસ્લામાબાદ ગયા હતા. તે C-130B હર્ક્યુલસ એરક્રાફ્ટ પર સવાર હતા. વિમાને બપોરે 3.46 કલાકે ઈસ્લામાબાદ માટે ઉડાન ભરી હતી. ટેકઓફ સરળ હતું. પરંતુ થોડી જ સેકન્ડોમાં પ્લેનનો કંટ્રોલ ટાવર સાથેનો સંપર્ક તૂટી ગયો. માત્ર 5 મિનિટમાં જ જોરદાર વિસ્ફોટ સાછે જનરલ ઝિયા સહિત વિમાનમાં સવાર તમામ 31 લોકો માર્યા ગયા.
ભૂતપૂર્વ ક્રિકેટર કેપ્ટન હેન્સી ક્રોન્યેનું પણ પ્લેન દુર્ઘટનામાં મોત
દક્ષિણ આફ્રિકાના પ્રતિભાશાળી ભૂતપૂર્વ ક્રિકેટર કેપ્ટન હેન્સી ક્રોન્યેનું પણ પ્લેન દુર્ઘટનામાં મોત થયું હતું. ક્રોન્યેને દક્ષિણ આફ્રિકાના સૌથી સફળ સુકાની માનવામાં આવે છે. પરંતુ એક વખત મેચ ફિક્સિંગમાં તેનું નામ સામે આવ્યા બાદ જાણે કે ભાગ્ય જ તેના પર ગુસ્સે થઈ ગયું હોય. 2000 માં તેના કમનસીબ મૃત્યુના બે વર્ષ પહેલા, હેન્સી ક્રોન્યેએ મેચ ફિક્સિંગની કબૂલાત કરતા આજીવન પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.
1 જૂન, 2002ના રોજ, જોહાનિસબર્ગથી જ્યોર્જ સુધીની ક્રોન્યેની નિર્ધારિત ફ્લાઇટને કેટલાક કારણોસર ગ્રાઉન્ડ કરવામાં આવી હતી. આ પછી તેણે હોકર સિડલી HS 748 ટર્બોપ્રોપ એરક્રાફ્ટમાં સિંગલ પેસેન્જર તરીકે મુસાફરી કરવાનું શરૂ કર્યું. જ્યોર્જ એરપોર્ટ નજીક વાદળો વચ્ચે પાયલોટે પ્લેન પરનો કાબૂ ગુમાવ્યો હતો. પાયલોટે લેન્ડ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે સફળ થયો નહોતો. દરમિયાન ચક્કર લગાવતી વખતે વિમાન એરપોર્ટના ઉત્તરપૂર્વમાં, આઉટેનિક્વા પર્વતોમાં ક્રેડૉક પીક નજીક ક્રેશ થયું. આ દુર્ઘટનામાં 32 વર્ષીય ક્રોન્યે અને બે પાયલોટના મોત થયા હતા.
ચિલીના પૂર્વ રાષ્ટ્રપતિ મિગુએલ જુઆન સેબેસ્ટિયન પિનેરા એચેનીક ચિલીના ઉદ્યોગપતિ અને રાજકારણી હતા જેમણે 2010 થી 2014 અને ફરીથી 2018થી 2022 સુધી ચિલીના પ્રમુખ તરીકે સેવા આપી હતી. 6 ફેબ્રુઆરી, 2024 ના રોજ, ચિલીના સમય અનુસાર બપોરે ત્રણ વાગ્યા હતા. પિનેરા પોતે હેલિકોપ્ટર ઉડાવી રહ્યા હતા ત્યારે વરસાદી માહોલમાં વાવાઝોડું ફૂંકાયું. જે દરમિયાન પિનેરાનું હેલિકોપ્ટર તળાવમાં ક્રેશ થયું હતું. રિપોર્ટ અનુસાર, તે અકસ્માતમાં બચી ગયા પરંતુ ટક્કર વાગતાં તે બેભાન થઈ ગયા. અને સેફ્ટી બેલ્ટ હટાવી ન શકતા તળાવમાં ડૂબી જવાથી તેમનું મોત થયું હતું.
કેન્યાના આર્મી ચીફનું હેલિકોપ્ટર ક્રેશ થયું
આ વર્ષે હવાઈ દુર્ઘટના સાથે જોડાયેલું બીજું નામ કેન્યાના આર્મી ચીફનું હતું. 8 એપ્રિલ 2024 ના રોજ, કેન્યાના આર્મી ચીફ જનરલ ફ્રાન્સિસ ઓમોન્ડી ઓગોલાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. તેમની સાથે 9 વધુ સૈન્ય અધિકારીઓના પણ મોત થયા હતા. ઓગોલાનું હેલિકોપ્ટર ચેસેગોન ગામમાંથી ઉડાન ભર્યા પછી તરત જ ક્રેશ થયું હતું. ઓગોલા અમેરિકન બનાવટના બેલ હેલિકોપ્ટરમાં સવાર હતા. આ હેલિકોપ્ટર યુએસ આર્મી દ્વારા 1950માં વિકસાવવામાં આવ્યું હતું અને તેનો ઉપયોગ વિયેતનામ યુદ્ધ દરમિયાન કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે ઈરાનના રાષ્ટ્રપતિ રાયસીનું પણ બેલ હેલિકોપ્ટરમાં મૃત્યુ થયું હતું. પરંતુ તેનું મોડલ અલગ છે.
આ સિવાય ભારતની ઘણી જાણીતી હસ્તીઓએ પણ હેલિકોપ્ટર અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે. તેમાં આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વાયએસઆર રેડ્ડી, અરુણાચલ પ્રદેશના પૂર્વ સીએમ દોરજી ખાંડુ, કોંગ્રેસના નેતા માધવ રાવ સિંધિયા, ભૂતપૂર્વ લોકસભા સ્પીકર જીએમસી બાલયોગી અને ઉદ્યોગપતિ ઓપી જિંદાલનો સમાવેશ થાય છે.








