Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : A cyclone with a speed of 70 kmph caused havoc in Rajasthan

VIDEO : રાજસ્થાનમાં 70 કિમીની ઝડપે ફૂંકાયેલા વાવાઝોડાએ તબાહી મચાવી, રેતાળ ચક્રવાતને કારણે વાહનોના પૈડાં થંભ્યા

Timeછેલ્લું અપડેટ : 30 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજસ્થાનમાં 70 કિમીની ઝડપે ફૂંકાયેલા વાવાઝોડાએ 30 મિનિટ સુધી વિવિધ શહેરોમાં તબાહી મચાવી દીધી છે. વિઝિબિલિટી શૂન્ય થતાં વાહનોના પૈડાં થંભી ગયા હતા. રાજસ્થાનમાં અસહ્ય અને પ્રચંડ ગરમી વચ્ચે હવામાનમાં મોટો પલટો આવ્યો છે. ચૂરુ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ધૂળની ડમરીઓ સાથે તીવ્ર વાવાઝોડું ફૂંકાયુ છે. આ ધૂળના વંટોળને કારણે એક સમયે દિવસ દરમિયાન જ જાણે રાત પડી ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા, જેના લીધે વાહનોની ગતિ અને સામાન્ય જનજીવન થંભી ગયું હતું. જો કે, આ રેતાળ ચક્રવાતને કારણે કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી.

App Store

બપોરે 2 વાગ્યે છવાયું ઘનઘોર અંધારું 

રાજસ્થાનના સરહદી જિલ્લાઓમાં શનિવારે બપોરે કુદરતનું એક અદભુત અને ડરામણું સ્વરૂપ જોવા મળ્યું હતું. ચૂરુ અને શ્રીગંગાનગરમાં બપોરે આશરે 2 વાગ્યે અચાનક હવામાનનો મિજાજ બદલાઈ ગયો હતો. આકાશમાં ધૂળ અને રેતીનો એટલો વિશાળ વંટોળ ઉઠ્યો કે તેણે આખા સૂરજને ઢાંકી દીધો હતો. ધૂળનું આ ચક્રવાત એટલું ગીચ હતું કે જોતજોતામાં બપોરના સમયે જ ચારેય તરફ ઘનઘોર અંધારું છવાઈ ગયું અને વિઝિબિલિટી (દ્રશ્યતા) ઘટીને લગભગ શૂન્ય થઈ ગઈ હતી. રસ્તાઓ પર દોડતા વાહનો જ્યાંના ત્યાં થંભી ગયા હતા, અને વાહનચાલકોને થોડા મીટર દૂરનું જોવા માટે પણ ફરજિયાતપણે પોતાના વાહનોની હેડલાઇટ્સ ચાલુ કરવી પડી હતી.

70 કિમીની ઝડપ અને 30 મિનિટનો તાંડવ

હવામાન વિભાગ અને સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ રેતાળ ચક્રવાત કોઈ સામાન્ય વાવાઝોડું નહોતું. આ તોફાન દરમિયાન પવનની ગતિ અંદાજે 70 કિલોમીટર પ્રતિ કલાક માપવામાં આવી હતી. રેતીની આ વિશાળકાય દીવાલ આકાશમાં અંદાજે 30 મિનિટ સુધી સતત આગળ વધતી રહી, જેના કારણે ડરના માર્યા લોકો પોતાના ઘરના બારી-બારણા બંધ કરીને અંદર ભરાઈ જવા મજબૂર બન્યા હતા.

વાવાઝોડા બાદ વરસ્યા વાદળ, ગરમીથી મોટી રાહત

આ ભયાનક રેતાળ તોફાન બાદ તરત જ કુદરતનું બીજું શાંત સ્વરૂપ જોવા મળ્યું હતું. ધૂળની ડમરીઓ શાંત થતાં જ આકાશમાંથી વરસાદી ટીપાં વરસવાનું શરૂ થઈ ગયું હતું. આ વાવાઝોડા અને વરસાદની જુગલબંધીએ છેલ્લા કેટલાક દિવસોથી 45 ડિગ્રીને પાર ગયેલા પારાને અચાનક નીચે લાવી દીધો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ ચક્રવાત અને વરસાદના કારણે તાપમાનમાં સીધો 8 ડિગ્રી સેલ્સિયસનો મોટો ઘટાડો નોંધાયો છે, જેનાથી સ્થાનિક લોકોને અસહ્ય બફારા અને લૂ (હીટવેવ)માંથી મોટી રાહત મળી છે.